Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

૪૪ કરોડનો કરબોજો

રાજકોટ કોર્પોરેશનનું કરબોજ લાદતું ૨૦૧૮-૧૯નું બજેટઃ ૧૭.૨૭ અબજનું કદઃ પાણીવેરો ડબલઃ વાહન વેરામાં ૧II ટકાનો વધારો

'સામાન્ય' બજેટ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટિને સુપ્રત કરતા બંછાનિધી પાનીઃ આવક માટે ૫૦ કરોડના બોન્ડ પ્રસિધ્ધ થશેઃ ૪૫૦૦૦ મકાનમાં ૨૪ કલાક પાણી

રાજકોટ તા. ૩૦ : મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૮-૧૯નું બમણા પાણી વેરા અને વાહન વેરા વધારાના આકરા કરવેરા સહિત કુલ ૪૪ કરોડના કરબોજાવાળુ સામાન્ય બજેટ આજે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યું હતું.

બજેટ દરખાસ્ત અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે, 'આ બજેટ સ્માર્ટ લીવેબલ અને સસ્ટેનેબલ'ની થીમ ઉપર બનાવાયુ છે. કુલ ૧૭.૨૭ અબજનાં બજેટમાં પાણીવેરા બમણો અને વાહન વેરામાં ૧II ટકાનો વધારો કરવાની ફરજ પડી છે. કેમકે પાણી પાછળ ૧૧૮ કરોડનો ખર્ચ થઇ જાય છે તેની સામે પાણી વેરાની આવક માત્ર ૨૭ ટકા જેટલી જ થાય છે. કુલ ૧૭.૨૭.૫૭ કરોડના આ બજેટમાં ૪૪ કરોડનો કરબોજો દર્શાવાયો છે.

બજેટની કર દરખાસ્તો અંગે મ્યુ. કમિશ્નર પાનીને જણાવેલ કે, પાણીવેરો ૮૪૦ લેવામાં આવે છે તેનો બમણો એટલે કે ૧૬૮૦ અને કોમર્શિયલ હેતુ માટે ૩૩૬૦નો વાર્ષિક વેરો વસુલવા સુચવાયું છે.

જ્યારે વાહનવેરો ૧ ટકો લેવામાં આવે છે તે હવેથી ૨II ટકા લેવા દરખાસ્ત કરાઇ છે. આ બંને વેરા વધારા સહિત કુલ ૪૪ કરોડનો વધારાનો કરબોજો લાદવામાં આવ્યો છે.

આ ઉપરાંત નવી કાર્પેટ વેરા પધ્ધતિનાં અમલથી આ વર્ષે ૨૭નું કરોડની વેરા આવક થશે. જ્યારે હોર્ડીંગ્સ બોર્ડના ચાર્જથી ૬ કરોડની આવક દર્શાવાઇ છે અને વ્યવસાય વેરાથી ૩૦ કરોડની આવક થવાનો અંદાજ મંડાયો છે.

આ ઉપરાંત ૫૦ કરોડના બોન્ડ પ્રસિધ્ધ કરીને આવક કરવામાં આવશે. તથા ૭૦ કરોડની એ.ડી.બી. લોન આવક બજેટમાં દર્શાવાઇ છે.

નવા વર્ષના બજેટમાં કોઇ નવી મોટી યોજનાઓ નથી. વોંકળાઓ રિ-ડેવલપમેન્ટ, વોર્ડ ઓફિસમાં જન્મ - મૃત્યુ નોંધ સર્ટી. મળી શકે તેવી વ્યવસ્થા કરવા વગેરે જેવી યોજનાઓની દરખાસ્તો કરાઇ છે.

ટુંકમાં હવે ચૂંટણીઓ પૂર્ણ થઇ છે ત્યારે પ્રજા ઉપર વેરા ઝીંકવાનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જોકે, સ્ટેન્ડીંગ કમિટિ આ કરબોજો મંજુર કરશે કે કેમ? અથવા કરબોજો હળવો કરીને બજેટ મંજુર કરે તેવી શકયતાઓ છે.(૨૧.૧૩)

નવી યોજનાઓ

*  શહેરના બસ સ્ટોપને  LED, CC TV કેમેરા, સોલાર  પેનલ સહિતની સુવિધાથી સજ્જ બનાવાશે

*  શહેરમાં ૬૦૦ થી વધુ સ્થળોએ કેમેરા લગાવાશે

*  છ વિસ્તારોમાં જન આરોગ્ય કેન્દ્ર તથા ૧ કેન્દ્ર ર૪ કલાક કાર્યરત

*  ૧૮ મોડેલ આંગણવાડી

*  ૧પ કરોડના ખર્ચે કોઠારીયા ખાતે નવુ ગાર્બેજ ટ્રન્સફર

*  રાંદરડા-લાલપરી તળાવ રિડેવલપમેન્ટ યોજના

*  શહેરના BRTS રૂટ  પર  પ ઇલેકટ્રીક બસ દોડશે

(4:31 pm IST)