Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ભાજપ વ્યૂહ રચનામાં વ્યસ્ત : કોંગ્રેસ ટકોરા મારી ઉમેદવાર ઉતારશે

વોર્ડ નં.૪નો પેટા ચૂંટણી જંગ : બળીયાઓએ બાવડા મરડયા : કોંગી દિગ્ગજો કાલે રાજકોટમાં : ભાજપ બેઠક અંકે કરવા લડી લેવાના મૂંડમાં

રાજકોટ, તા. ર૯ : આગામી ૧૭ ફેબ્રુઆરીએ શહેરના સામાકાંઠા વિસ્તારના વોર્ડ નં.૪ની ૧ બેઠક માટે પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે હવે આ ચૂંટણી માટે બળિયા રાજકીય પક્ષોએ 'બાવળા' મરડીને તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ આ બેઠક અંકે કરવા છતાં ખૂણે વ્યૂહ રચનામાં વ્યસ્ત છે તો કોંગ્રેસે પણ આ બેઠક જાળવી રાખવા ટકોરા બંધ ઉમેદવારને મેદાનમાં ઉતારવા ઇચ્છે છે.

ભાજપ

પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મ્યુ. કોર્પોરેશનના શાસક પક્ષ ભાજપે વોર્ડ નં.૪ની આ એક બેઠક જીતવા માટે સક્ષમ ઉમેદવારને જ મેદાનમાં ઉતારવા માટે વ્યૂહ રચના ગોઠવવાનું શરૂ કરી દીધુ છે. ભાજપ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ વોર્ડ નં.૪માં પસંદગી કરનાર છે જે સ્થાનિક કક્ષાએ લોક પ્રતિનિધિત્વનો બહોળો અનુભવ ધરાવતો હોય ઉપરાંત જ્ઞાતિના સમીકરણોમાં પણ ફીટ બેસી શકે તેવો ઉમેદવાર હોય. જોકે કોંગ્રેસના ઉમેદવારની પસંદગી થઇ જાય પછી જ ભાજપે તેના ઉમેદવારને નક્કી કરવાનો વ્યૂહ અપનાવશે તેવી ચર્ચા છે.

નોંધનીય છે હાલ તુરંત વોર્ડ નં.૪ની પેટાચૂંટણી માટે અત્રે નોંધનીય છે કે, ભાજપમાંથી દેવદાનભાઇ કુંગસીયા, વિક્રમ ડાંગર તથા સુરેશ રૈયાણી સહિતના પાંચથી છ દાવેદારોના નામ ચર્ચામાં છે જયારે કોંગ્રેસમાંથી મીતુલ દોંગા, ડી.પી. મકવાણા સહિતના ૧પ દાવેદારના નામ ચર્ચાઇ રહ્યા છે.

કોંગ્રેસ

કોંગ્રેસ આ વોર્ડ નં.૪ની બેઠક બેઠક જાળવી રાખવા માટે કટિબદ્ધ છે કેમ કે આ વોર્ડમાં ત્રણ કોંગ્રેસ અને એકજ ભાજપના કોર્પોરેટર હતા જે પૈકી કોંગ્રેસના એક કોર્પોરેટરનું દુઃખદ અવસાન થતા બેઠક ખાલી પડી છે અને આ પેટાચૂંટણી યોજાઇ રહી છે માટે કોંગ્રેસ માટે આ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાનો જંગ સમાન છે. આથી જ કોંગ્રેસ આ વોર્ડમાં ટકોરાબંધ ઉમેદવાર મેદાનમાં ઉતારવા માંગે છે.

દરમિયાન કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ શહેર કોંગ્રેસ દ્વારા ૧પ થી વધુ ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કર્યું છે. જોકે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજ કોંગી નેતાઓ રાજકોટ આવી રહ્યા છે અને સૌરાષ્ટ્રની નગર પાલિકાઓની સામાન્ય તથા પેટાચૂંટણી બન્નેના ઉમેદવારોની સંદગીની પ્રક્રિયા માટે નિરીક્ષકોની નિમણૂકો કરી સેન્સ લેવાનું પણ શરૂ કરી દીધું છે. આથી હવે રાજકોટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પણ તેજ બનશે.

જોકે વોર્ડ નં.૪ની પેટાચૂંટણી માટે સ્થાનિક કક્ષાએ જે ઉમેદવાર નક્કી થશે તેને જ પ્રદેશ કક્ષાએથી મંજુરીની મહોર લગાવવામાં આવે તેવી શકયતા છે.

કોંગ્રેસના ટોચના વર્તુળોના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં વોર્ડ નં.૪ની પેટાચૂંટણી માટે ઉમેદવાર નક્કી  કરવા કવાયત શરૂ થઇ જશે.

(9:21 am IST)