Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સરકારે મ્યુ. કમિશ્નરને સ્ટેન્ડીંગની સત્તા તો આપી પણ બજેટમાં હજુ લટકતી તલવાર

મ્યુ. કમિશ્નરને માત્ર ખર્ચની સત્તાઃ નીતિવિષયક નિર્ણય નહીં લઈ શકે તેવી સ્પષ્ટ નોંધ

રાજકોટ, તા. ૨૯ :. હાલમાં રાજ્યની ૬ મ્યુ. કોર્પોરેશનમાં મ્યુ. કમિશ્નર જ વહીવટદારની ફરજ બજાવે છે કેમ કે હાલમાં મ્યુ. કોર્પોરેશનોમાં રાજકીય પાંખની મુદત પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે આ વહીવટદારો પાસે સ્ટેન્ડીંગ કમિટીની સત્તા નહી હોવાથી ચાલુ વર્ષનું રિવાઈઝડ બજેટ અને નવા વર્ષનું બજેટ જાન્યુઆરીમાં કેમ તૈયાર કરવુ ? તે બાબતે મ્યુ. કમિશ્નરે સરકારનું માર્ગદર્શન માંગેલ પરંતુ સરકારે હાલના મ્યુ. કમિશ્નરોને સ્ટેન્ડીંગની સત્તા માત્ર ખર્ચ કરવા પુરતી આપતો પરિપત્ર મોકલ્યો છે તેમા નીતિવિષયક નિર્ણયો નહી લઈ શકાય તેવો ઉલ્લેખ હોવાથી બજેટ અંગે હજુ લટકતી તલવાર યથાવત છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ મ્યુ. કમિશ્નર કમ વહીવટદારોને સ્ટેન્ડીંગ કમિટીને જેટલો ખર્ચ કરવાની સત્તા છે તેટલો ખર્ચ કરવાની સત્તા આપતો પરિપત્ર આપી દેવાયો છે. જેથી કોઈ કિસ્સામાં ખર્ચની મંજુરીના વાંકે વિકાસકામો અટકી ન પડે પરંતુ આ પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે વહીવટદારો નીતિવિષયક નિર્ણય નહી લઈ શકે.

દરમિયાન હવે વહીવટી ગુંચ એવી ઉભી થઈ છે કે ચાલુ વર્ષનું રિવાઈઝડ બજેટ મંજુર કરવુ પડે તેમ છે પરંતુ આ નીતિવિષયક હોય તેનો નિર્ણય કેમ લેવો ? તે બાબતની દ્વિધા હજુ યથાવત છે.

(3:39 pm IST)