Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ફાયર NOC બાબતે નોટિસો ફટકારાતા સેવાભાવી હોસ્પિટલો સહિત ૮ને તાળા લાગશે

આવી હોસ્પિટલોમાં હવે દર્દી દાખલ નહી કરવા બોર્ડ લગાવી દેવાયા : શહેરની આરોગ્ય વ્યવસ્થા કથળવાની ભીતિ

રાજકોટ તા. ૨૯ : શહેરમાં ફાયર એન.ઓ.સી. બાબતે મહાનગરપાલિકાના તંત્રવાહકો દ્વારા હવે ફાયર એન.ઓ.સી. નહી મેળવનાર હોસ્પિટલોને તાળા લાગી જાય તેવા પ્રકારની આખરી નોટીસો આપતા ખળભળાટ મચી ગયો છે.

 

આ અંગે મહાનગરપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે ફાયર એન.ઓ.સી. નહી મેળવનાર હોસ્પિટલોને હવે આવી હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ નહી કરવા નોટીસો અપાઇ છે.

 

જેમાં સેવાભાવી અને વર્ષો જુની હોસ્પિટલોનો પણ સમાવેશ થતાં શહેરના આરોગ્ય તંત્ર કથળવાનો ભય ઉભો થયો છે. કેમકે આજે ૮ જેટલી હોસ્પિટલોને નોટીસો અપાઇ છે. જેમાં કોવિડ, બાળકોની, હૃદયની વગેરે જેવી હોસ્પિટલોનો સમાવેશ છે.

યાદીમાં જણાવાયા મુજબ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલો પાસે ફાયર ખાતાનું નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવવામાં આવેલ નથી, ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય અને ફાયર સેફટીના અપૂરતા સાધનો હોવાથી શહેરની ૮ હોસ્પિટલોને સીલ કરવા અંગેની નોટીસ આપવામાં આવી છે.

હાલ આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહી, તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ થયે આવી હોસ્પિટલો 'સીલ' કરી દેવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

શહેરની ૮ હોસ્પિટલોને સીલ કરવા અંગે નોટીસ આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કોવીડ હોસ્પિટલ, દશા શ્રીમાળી હોસ્પિટલ, નીદિત બેબીકેર હોસ્પિટલ, સન્માન મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, ડો. વિવેક જોષીની હોસ્પિટલ અને  સૌરાષ્ટ્ર ચિલ્ડ્રેન હોસ્પિટલ સહિત ૮ને નોટીસ આપવામાં આવી છે.

  • મ.ન.પા. દ્વારા હોસ્પિટલોને અપાયેલ આખરી નોટીસ તસ્વીરમાં દર્શાય છે.
(3:34 pm IST)