Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

એઇમ્સ ખાતમુહૂર્ત : કાલે એરપોર્ટથી એઇમ્સ સુધી રીહર્સલ : કુલ ૧૫ કમીટી

એરપોર્ટથી ખંઢેરી સુધી એઇમ્સના પ્રચાર - પ્રસાર માટે વડાપ્રધાન - મુખ્યમંત્રીના ફોટા સાથેના ૫૦ બેનરો મુકાશે : જુદા-જુદા ડીપાર્ટમેન્ટના કુલ ૨૦૦ના સ્ટાફના ઓર્ડરો : કાલે કલેકટર સ્થળ વીઝીટ કરશે : મુખ્ય કાર્યક્રમ માટે રાજકોટ રૂરલ પ્રાંતને હવાલો : ટ્રાફિક - વાહન વ્યવહાર માટે RTOને જવાબદારી : ફૂડ - નાસ્તા માટે અને ફૂડ ચેકીંગ અંગે ફૂડ ખાતાના અધિકારી ફળદુને જવાબદારી

રાજકોટ તા. ૨૯ : ગુરૂવારે રાજકોટ એઇમ્સનું ખાતમુહૂર્ત છે, વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહુર્ત અને સીએમ, ડે. સીએમ સહિતના મહાનુભાવો હાજર રહેનાર હોય કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આજે પત્રકારોને માહિતી આપતા એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે એરપોર્ટથી એઇમ્સ સુધી સવારે ૧૦ વાગ્યે પોલીસ તંત્ર અને સીએમના સિકયુરીટી સ્ટાફ તથા અન્ય અધિકારીઓનું ખાસ રીહર્સલ યોજાશે.

તેમણે જણાવ્યું હતું કે, કલેકટરના અધ્યક્ષપદ હેઠળ કોર કમિટિ સહિત કાર્યક્રમને સફળ બનાવવા કુલ ૧૫ જેટલી કમિટિની રચના કરાઇ છે, કલેકટરની કોર કમિટિમાં કલેકટર ઉપરાંત એઇમ્સના ડે. ડાયરેકટર, મ્યુ. કમિશનર, પોલીસ કમિશનર, ડીડીઓ, એડી. કલેકટર, ડીએસપી છે. આ ઉપરાંત અન્ય ૧૫ કમિટિમાં મુળ કાર્યક્રમની જવાબદારી રાજકોટ રૂરલ પ્રાંત, મંડપ માટે કાર્યપાલક ઇજનેર અને એઇમ્સનો સ્ટાફ, ટ્રાફિક - રૂટ માટે રાજકોટ એસીપી અને આરટીઓ, એરપોર્ટ ખાતે રાજકોટ સીટી પ્રાંત-૧, મહેમાનોના એકેમોડેશન માટે ડીએસઓ, વાહન વ્યવહાર - ટ્રાફિક માટે આરટીઓ અને પોલીસ, બેઠક વ્યવસ્થા - આમંત્રણ અંગે રાજકોટ સીટી પ્રાંત-૨ અને મામલતદાર કથિરીયા, સલામતી - સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વડા, આરોગ્ય અંગે સિવિલ હોસ્પિટલના મેડમરૂપાલી, પ્રેસ મીડીયા માટે માહિતી ખાતુ, કંટ્રોલ રૂમ અંગે મામલતદાર, પાસ વિતરણ - સ્ટાફ માટે રાજકોટ રૂરલ પ્રાંત, પ્રચાર - પ્રસાર માટે ડે. કલેકટર સ્ટેમ્પ ડયુટી શ્રી પૂજા જોટણીયા, ફૂડ - નાસ્તા માટે ફુડ ચેકીંગ - સેમ્પલ માટે ફૂડ અધિકારી શ્રી ફળદુને જવાબદારી સોંપાઇ છે.

શ્રી પંડયાએ જણાવેલ કે, પ્રચાર - પ્રસાર માટે એરપોર્ટથી એઇમ્સ સુધી વડાપ્રધાન-સીએમના ફોટાવાળા ખાસ ૫૦ બેનરો લગાવાશે. વિવિધ ડિપાર્ટમેન્ટના થઇને કુલ ૨૦૦ કર્મચારીઓના સ્પે. ડયુટી માટે ઓર્ડરો નીકળ્યા છે તથા કાલે કલેકટર અને અન્ય અધિકારીઓ સવારે ખાસ સ્થળ વિઝિટ કરી જરૂરી સૂચનાઓ આપશે.

(3:02 pm IST)