Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજકોટ એઇમ્સના સંચાલન માટે ૫૦૦૦નો સ્ટાફ જરૂરી : શ્રમદિપ સિન્હા

૭૫૦ બેડની એઇમ્સમાં અનેક વિભાગો શૈક્ષણિક કાર્ય શરૂ થશે : ડોકટરો - લેબ - પેરામેડીકલ - ફાર્મસી - કીચન - લોન્ડ્રી - મેડિકલ ગેસ સહિતના વિભાગ માટે મોટા પાયે સ્ટાફ નીમાશે : સિકયોરીટી - ભોજન - સફાઇ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની મદદ લેવાશે : ટુંક સમયમાં મોટા પાયે ભરતી થશે

રાજકોટ તા. ૨૯ : ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે જેનું ખાતે મુહુર્ત ૩૧ ડિસેમ્બરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં થશે. ૭૫૦ બેડની એઈમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરૂ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે ૫૦૦૦ થી વધુનો સ્ટાફ જરૂરી હોવાનું એઈમ્સના ડેપ્યુટી ડિરેકટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.

ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓપીડીથી લઈ ટ્રોમા સુધી ઇમરજન્સી કેસને હેન્ડલ  કરવામાં આવશે. ૨૦૦ એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે.શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે થશે.

આ ઉપરાંત સિકયોરિટી, ભોજન, સફાઈ સહીત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.

રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રી શ્રમદીપ સિંહાએ ઉમેર્યું હતું.

(3:00 pm IST)