Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સૌરાષ્ટ્રના ૪૦ લાખ હિન્દુ પરીવારોને રામ મંદિર નિર્માણ સાથે જોડવા માટે અભિયાન

રૂ. ૧૦, ૧૦૦ અને ૧૦૦૦ની દાન પાવતીઃ ૧પ જાન્યુઆરીથી ર૭ ફેબ્રુઆરી અભિયાન

 

વિશ્વ હિન્દુ પરીષદના ક્ષેત્રીય મહામંત્રી શ્રી અશોક રાવલે રાષ્ટ્રીય શાળા ખાતે પત્રકાર પરીષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં શ્રી રામ જન્મભુમી મંદિર નિર્માણ નિધિસંગ્રહ સમીતીના અગ્રણીઓ હરીભાઇ ડોડીયા, દેવજીભાઇ રાવત, હંસરાજભાઇ ગજેરા, કે.એન.મિસ્ત્રી વગેરે ઉપસ્થિત છે. પત્રકાર પરીષદની વ્યવસ્થામાં પરીષદના સ્થાનીક અગ્રણી નીતીશ કથીરીયા અને તેમની ટીમ સહયોગી બની હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૯ :.. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન પ ઓગસ્ટ-ર૦ર૦ ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના વરદ હસ્તે ૩૬ હિન્દુ પરંપરાના ૧૭પ  પ્રમુખ સંતોની,  સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ મુહૂર્તમાં કરવામાં આવ્યું.

વિહિપના ક્ષેત્રીય મહામંત્રીશ્રી અશોક રાવલ પત્રકારોને જણાવેલ કે મંદિર નિર્માણ માટે દેશના પ લાખ કરતાં વધુ ગામોમાંથી ૧૩ કરોડ હિન્દુ પરિવારો પાસે મંદિર માટે દાન લેવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ માટે આગામી મકરસંક્રાંતિ (૧પ જાન્યુઆરી) થી માધપૂર્ણિમા (ર૭ ફેબ્રુઆરી) દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં એક વ્યાપક નિધિસંગ્રહ અભિયાન ચલાવાશે જેમાં તમામ ધાર્મિક સંસ્થાઓ, મઠ, મંદિરો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિચાર ક્ષેત્રની તમામ સંસ્થાઓ જોડાશે. આ અભિયાન સૌરાષ્ટ્ર પ્રાંતના ૧૮ જિલ્લાના ૬૦૦૦ જેટલા ગામોના ૪૦ લાખ હિન્દુ પરિવારોને શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય સાથે જોડાશે. આ ઐતિહાસિક પ્રસંગે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ આંદોલનમાં બલિદાન આપનાર સૌ કારસેવકોને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ છીએ.

ગુજરાતમાં આ સમગ્ર અભિયાન શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિસંગ્રહ સમિતિ - ગુજરાતન માર્ગદર્શન હેઠળ ચાલશે. આ સમિતિમાં પૂજય સંતો તથા સમાજના ગણમાન્ય લોકો રહેશે. રાજયનો પ્રત્યેક હિન્દુ, આ મહાઅભિયાનમાં પોતાનું યોગદાન આપી શકે તે ઉદેશથી રૂ. ૧૦૦ અને રૂ. ૧૦૦૦ ની પાવતી બુકો સાથે રૂ. ૧૦ ની પાવતી બુકો પણ ઉપલબ્ધ રહેશે. શ્રીરામ જન્મભૂમિની પુનઃ પ્રાપ્તી માટેના ૪૯ર વર્ષના સંઘર્ષમાં હિન્દુ સમાજ અનેક બલિદાનો આપ્યા છે. આ બલિદાનો બાદ હવે આ મહાનકાર્યના અંતિમ તબકકામાં કાર્યકર્તાઓનું સમક્ષદાન અને પ્રત્યેક હિન્દુને ધન દાન કરવાની અપીલ છે. દાન કરતા મુખ્ય હેતુ જનસંપર્કનો છે.

ગુજરાત કક્ષાની શ્રીરામ જન્મભૂમિ મંદિર નીધિ સમર્પણ સમિતિ બનાવવામાં આવી છે. જેના અધ્યક્ષ પદે સુરતના ગોવિંદભાઇ ધોળકીયા, છે. રાજકોટ હરિભાઇ ડોડીયા, ઉપાધ્યક્ષ, તથા મુકેશભાઇ મલકાન, જયોતિન્દ્ર મહેતા, નલીનભાઇ વસા, હંસરાજભાઇ ગજેરા વગેરે સભ્યપદે છે.

પત્રકાર પરિષદમાં ડો. જીતેન્દ્ર અમલાણી, નિતેશ કથીરિયા, ભરત કુંવરીયા, પંકજ રાવલ, હાર્દિક ભરડવા, કૌશિક ટાંક, હિરમ શાહ, ત્રિલોક ઠાકર વિ. હાજર હતાં.(૪.૯)

મંદિર નિર્માણ ખર્ચ ૧પ૦૦ કરોડ, રામશિલા વખતના ૧પ કરોડનો ઉપયોગ

રાજકોટઃ વિહિપના ક્ષેત્રીય મહામંત્રી શ્રી અશોક રાવલે પત્રકારોના પ્રશ્નના જવાબમાં જણાવેલ અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણનો કુલ અત્યારે નક્કી કરવો મુશ્કેલ છે. વિરાટ કાર્ય ચાલુ છે. કુલ રૂ. ૧પ૦૦ કરોડના ખર્ચનો હાલનો અંદાજ છે. જનસંપર્ક સાથે દાન એકત્રીકરણ થશે. ભુતકાળમાં શ્રી રામ શિલા પૂજન વખતે ૮ કરોડ એકત્ર થયેલ. સમય જતા તે આંકડો રૂપીયા૧પ કરોડે પહોંચેલ. તેનો ઉપયોગ અત્યાર સુધીના પથ્થર ઘડતર સહીતના કામમાં થયો છે. પરીષદ, સંઘ વગેરેમાં સ્વયંસેવકો સમયદાન સાથે યથાશકિત નીધી પણ આપશે.

(2:53 pm IST)