Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

અકસ્માતમાં થયેલ ગંભીર ઈજાના કેસમાં વ્યાજ સહિત ૧ કરોડથી વધારે વળતર મંજુર કરતી કલેઈમ ટ્રીબ્યુનલ

માંગ્યા કરતા વધારે વળતર મંજુર કરતી અદાલતઃ શકવર્તી ચુકાદો

રાજકોટઃ આ કેસની હકીકત એવી છે કે તા.૦૩/૭/૨૦૧૨ના રોજ ઈજા પામનાર પંકજભાઈ ધુસાભાઈ ફળદુ ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસે લોખંડના પાઈપનું કરતા ડેલા પાસે ઉભા હતા. ત્યારે ટ્રક લોખંડનો ડેલો પંકજભાઈ ફળદુ પર પડેલ અને જેના કારણે પંકજભાઈ ફળદુને શરીરે ગંભીર પ્રકારની ઈજા થયેલ અને મણકા ભાંગી ગયેલ.

બનાવ અંગે પંકજભાઈ ધુસાભાઈ ફળદુએ પોતાના વકીલશ્રી રાજેશ આર.મહેતા મારફતે રાજકોટ કલેઈમ ટ્રીબ્યુનલમાં અકસ્માત વળતર મેળવવા રૂ.૩૦,૦૦,૦૦૦ નો કલેઈમ દાખલ કરેલ જે કલેઈમ ચાલી જતા કલેઈમ ટ્રીબ્યુનલે ૫૭,૭૬,૬૦૦/-  ૯ ટકા  વ્યાજ સહીત તથા ખર્ચ સહીત ચુકવવા એટલે કે આશરે ૧ કરોડ ૧ લાખ વ્યાજ સહીત વળતરની રકમ ચુકવવા ન્યુઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની સામે  હુકમ ફરમાવેલ છે. આ કેસમાં મહત્વના મુદ્દા જોઈએ તો વિમા કંપની તરફે જુદા- જુદા અનેક બચાવો લેવામાં આવેલ અને ઈજા પામનારની આવક સંબંધેની તકરાર ઉઠાવવામાં આવેલ અને કેસ ચાલતા સમયે વિમા કંપની તરફે વિસ્તૃત ઉલટ તપાસ કરવામાં આવેલ. આ કેસમાં અરજદારની આવક સાબીત કરવા સુપ્રીમ એન્ટરપ્રાઈઝના માલીકની જુબાની લેવામાં આવેલ ઉપરાંતમાં અરજદારને રહેલ કાયમી ખોટ સાબીત કરવા ડોકટરશ્રીની જુબાની લેવામાં આવેલ તમામ મુદ્દાઓ પુર્ણ થયા બાદ નામદાર અદાલતે અરજદારના એડવોકેટ શ્રી રાજેશ આર.મહેતા તથા વિમા કંપની ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની વિસ્તૃત દલીલ અને એપેક્ષ કોર્ટના જુદા- જુદા ચુકાદાઓ રજુ કરવામાં આવેલ.

અરજદારના એડવોકેટ શ્રી આર.આર. મહેતા દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે ઈજા પામનાર ગંભીર ઈજાના કારણે આખી જીંદગી કંઈ જ કામકાજ કરી શકે તેમ નથી અને કોઈ જ આવક મેળવી શકે તેમ નથી. ઉપરાંતમાં તેની દેખરેખ સારસંભાળ રાખવા એક વ્યકિતની જરૂર પડે તેમ હોય તેમજ ભવિષ્યમાં પણ દવા સારવારનો ખર્ચ ચાલુ રહે તેમ છે. ઉપરાંતમાં હાલનો બનાવ ટ્રક ડેલા સાથે અથડવાના કારણે તે ડેલો ઈજા પામનાર ઉપર પડતા હાલનો આ બનાવ બનેલ હોય અને એવા સંજોગોમાં વિમા કંપનીએ પોતાનો બચાવ લેતા નામદાર કોર્ટને એવી રજુઆતો અને દલીલો કરેલ કે હાલનો આ બનાવ ટ્રકની બેદરકારીના કારણે બનવા પામેલ નથી તથા ડેલો પડવાના કારણે ઈજા પામનારને ઈજા થયેલ છે. જેથી આ કલેઈમ રદ થવા પાત્ર છે. પરંતુ આવા સંજોગોમાં પણ અરજદારના વિદ્વાન વકીલ શ્રી રાજેશ આર.મહેતાની દલીલો નામદાર અદાલતે માન્ય રાખેલ અને પુરેપુરી એટલે કે ૧૦૦ ટકા જવાબદારી ટ્રકની ઠરાવીને વિમા કંપની વળતર ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

અરજદારે વળતર મેળવવા ત્રીસ લાખનો કલેઈમ દાખલ કરેલ. પરંતુ અરજદારને થયેલ ઈજા દવાનો ખર્ચ અને રજુ થયેલ પુરાવો અને દલીલ ધ્યાને લઈ નામદાર એપેક્ષ કોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ માંગ્યા કરતા પણ વધારે રકમ આપી શકાય તેવી દલીલ કરેલ.

ઉપરોકત તમામ હકીકત ધ્યાને લઈ રાજકોટની સ્પેશયલ કલેઈમ ટ્રીબ્યુનલના જજ શ્રી ડી.કે.દવે સાહેબ ઈજા પામનારને રૂ. નામદાર કોર્ટ ચુકવવા રૂ.૫૭,૭૬,૬૦૦/- ૯ટકા વ્યાજ સહીત તથા ખર્ચ સહીત ચુકવવા એટલે કે આશરે ૧ કરોડ ૧ લાખ વ્યાજ સહીત વળતરની રકમ ચુકવવા ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની સામે હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત તમામ હકીકતો ધ્યાને લઈ રાજકોટના મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ (સ્પેશ્યલ કોર્ટે) અરજદારના એડવોકેટ શ્રી રાજેશ આર.મહેતાની દલીલો માન્ય રાખી વિમા કંપનીએ લીધેલા બચાવો સાબીત થઈ શકેલ તેમ ન હોય જેથી નામદાર ટ્રીબ્યુનલે ઈજા પામનારની તરફેણમાં હુકમ ફરમાવેલ આ કેસમાં ઈજા પામનાર વતી સીનીયર એડવોકેટ શ્રી રાજેશ આર.મહેતા રોકાયેલા હતા.

(2:52 pm IST)