Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

બેડી ફાટક પાસેના હનીટ્રેપના ગુનામાં મહિલા આરોપીના આગોતરા જામીન રદઃ અન્ય આરોપીની જામીન અરજી રદ

આરોપીઓ સામે રૂ. ૧૦ હજારમાં યુવતિ સપ્લાઈ કરવા અંગેનો પ્રથમ દર્શનીય કેસ છેઃ કોર્ટ

રાજકોટ, તા. ૨૯ :. અહીંના મોરબી રોડ જકાતનાકાથી આગળ જતા બેડી ફાટક પાસે રૂ. ૧૦ હજારમાં યુવતિનું નાઈટ સેટલમેન્ટ કરી આપવાના હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલ મુખ્ય મહિલા આરોપી દિવ્યાબેન ગુણવંતભાઈ મકવાણાએ સંભવિત ધરપકડ સામે કરેલ આગોતરા જામીન અરજીને એડી. સેસન્સ જજ શ્રી હિરપરાએ નકારી કાઢી હતી. જ્યારે અન્ય આરોપી અશોક ટીસાભાઈ કેરાળીયાની રેગ્યુલર જામીન અરજીને રદ કરી હતી.

આ બનાવ અંગે મૂળ જૂનાગઢના મેંદરડા ગામના વતની અને હાલમાં મોરબીમાં મકાન ભાડે રાખીને રહેતા દીપભાઈ સંજયભાઈ ગાજીપરાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

બનાવની વિગત મુજબ કુલ ચાર આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ રચીને આરોપી દિવ્યાબેને ફરીયાદીને નાઈટ સેટલમેન્ટ માટે યુવતિની સગવડ કરી આપવા રૂ. ૧૦ હજારની ડીલ કરી હતી અને ફરીયાદી પાસેથી પૈસા પડાવવા મોરબી જકાતનાકા પાસે કારમાં બેસી દિવ્યાએ રૂ. ૧૦ હજાર લઈ લીધેલ અને ત્યાર બાદ છોકરી બાબતે પોલીસમાં ફરીયાદ કરીને પકડાવી દેવાનું જણાવીને રૂ. બે લાખની માંગણી કરી હતી.

આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી દિવ્યાબેને આગોતરા જામીન અરજી કરી હતી જ્યારે અન્ય આરોપી અશોક કેરાળીયાએ રેગ્યુલર જામીન પર છુટવા અરજી કરી હતી.

આ કામે સરકારી વકીલ બિનલબેન રવેશીયા અને પરાગ એન. શાહે રજૂઆત કરેલ કે, આરોપીઓ સામે હનીટ્રેપમાં ફરીયાદીને ફસાવી મોટી રકમ પડાવવાનું કાવત્રુ ઘડવાનો પ્રથમ દર્શનીય સમાજ વિરોધી ગંભીર ગુનો હોય તેઓની જામીન માટેની અરજીને રદ કરવા રજૂઆત કરી હતી.

આ રજૂઆતને ધ્યાને લઈને અધિક સેસન્સ જજ શ્રી હિરપરાએ દિવ્યાબેનની આગોતરા જામીન અરજી અને અશોક કેરાળીયાની રેગ્યુલર જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. બિનલબેન રવેશીયા તથા પરાગ એન. શાહ રોકાયા હતા.

(2:50 pm IST)