Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજકોટ જેલમાં સ્ટોનકિલર બિમારીની વધુ દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

ભચાઉના કેદીએ દિવાલમાં માથુ પછાડતાં સારવારમાં: અન્ય એક કેદીને બિમારીની સારવાર માટે સિવિલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યોઃ સ્ટોનકિલર માથાકુટ કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૯: શહેરની સેન્ટ્રલ જેલમાં રખાયેલા સ્ટોન કિલર હિતેષ દલપતભાઇ રામાવત (ઉ.વ.૪૨)એ જેલમાં પોતાની બિમારીની વધુ પડતી દવા પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરી હતી.

સ્ટોન કિલરને સાથે બીજા બે દર્દી ભચાઉના સાયબર ક્રાઇમના ગુનાના આરોપી હરિશ્ચંદ્રસિંહ બળવંતસિંહ વાઘેલા (ઉ.વ.૪૦) તથા સંજય કરસનભાઇ (ઉ.વ.૩૨)ને પણ રાતે જેલમાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

હરશ્ચિંદ્રસિંહ નામના કેદીએ આક્ષેપ કર્યો હતો કે સ્ટોનકિલર હિતેષ માથાકુટ કરતો હોઇ પોતાને અરજી કરવી હતી. જે ન કરી શકતાં કંટાળીને દિવાલમાં માથુ પછાડ્યું હતું. અન્ય કેદી સંજયને બિમારી સબબ દાખલ કરાયો હતો. સ્ટોનકિલરનું નિવેદન નોંધવા તજવીજ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે રાજકોટ શહેરમાં લોકોની પથ્થર ફટકારી હત્યા નિપજાવતા સ્ટોન કિલરે ફફડાટ ફેલાવી રાખ્યો હતો. જેને છેલ્લે જામનગરમાંથી ઝડપી લેવાયો હતો.

(11:53 am IST)