Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

'ટ્રાઇ' સામે કેબલ ઓપરેટરો કાળઝાળ : સાંજથી પ્રસારણ ઠપ્પ

'પસંદગીની ચેનલનું જ પેમેન્ટ' જેવા નિયમથી ઓપરેટરો કરતા ગ્રાહકોને વધુ નુકશાન : હાલ રૂ.૨૦૦ થી ૩૦૦ માં જેટલી ચેનલો જોવા મળતી તેટલી જોવા હવે રૂ.૭૦૦ થી ૮૦૦ ચુકવવા પડશે : એક જ ઘરમાં દરેક સભ્યોની અલગ પસંદગીની ચેનલોના ખર્ચા સરવાળે વધી જશે : ટ્રાઇ ફેર વિચારણા કરે તેવી કેબલ ઓપરેટરોની માંગણી

રાજકોટ તા. ૨૯ : ગ્રાહકોએ હવે પસંદગીની ચેનલોના જ પૈસા ચુકવવા પડશે તેવા 'ટ્રાઇ' દ્વારા શરૂ કરાયેલ નવા ગતકડા જેવા નિયમો સામે કેબલ ઓપરેટરોમાં ભારે રોષ છવાયો છે.

આ અંગે સૌરાષ્ટ્ર કચ્છ કેબલ ઓપરેટર એસોસીએશનના આગેવાનોએ આજે 'અકિલા' ખાતે આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે 'આલાકેટ' અને 'બુકેટ' જેવા પેકેજો આપી ગ્રાહકોને ખંખેરવાના ધંધા ટ્રાઇ દ્વારા શરૂ કરાયા છે. અત્યાર સુધી કેબલ ઓપરેટરો જે ચેનલો રૂ. ૨૦૦ થી ૩૦૦ માં બતાવતા હતા, તેટલી જ ચેનલો જોવા હવે ગ્રાહકોએ રૂ.૭૦૦ થી ૮૦૦ ચુકવવા પડશે.

છેલ્લા પાંચ છ વર્ષથી કેબલ ઓપરેટરો 'ટ્રાઇ' ની મનમાનીનો સામનો કરતા આવ્યા છે. પરંતુ હવે હદ થઇ છે. ૨૦૧૩ માં ડીઝીટલાઇઝેશન થયુ અને સેટટોપ બોકસ આવ્યા તો એ નિયમોને પણ કેબલ ઓપરેટરો અનુસર્યા જ છે. ત્યાં હવે ફરી પસંદગીની ચેનલના ચુકવણાના નવા નિયમો માથે થોપવા પ્રયાસ કરાઇ રહ્યો છે. આવુ કરીને ગ્રાહકો અને કેબલ ઓપરેટરોને આમને સામને મુકવા જેવુ જ થશે.

એક જ ઘરના અલગ અલગ સભ્યો અલગ અલગ ચેનલો પસંદ કરે તો વાત કયાં પહોંચે? વળી પસંદગીની ચેનલ સાથે પેકેજમાં અન્ય ચેનલો ભેગી આવે તે લટકામાં? પેકેજમાં જે વધુ ચેનલો મફત દર્શાવવાની વાત છે તે તો ફ્રી ટુ એર હોય છે. કેબલ ઓપરેટરો પણ આવી ચેનલો તો મફત બતાવતા જ હતા.

આવા નવા નિયમોથી કેબલ ઓપરેટરોને તો પ % જ માર્જીનની નુકશાની છે. જયારે ગ્રાહકોને વધુ નુકશાનીનો માર પડે તેવી સ્થિતી નિર્માણ પામશે.

વળી આવા નિયમો તૈયાર કરતા પૂર્વે કેબલ ઓપરેટરો સાથે બેઠક યોજી તેઓને માહીતગાર કરવાની તસ્દી પણ ટ્રાઇ દ્વારા લેવામાં આવી નથી. ગ્રાહકોને પણ પુરી જાણકારી અપાઇ નથી. ખાસ કરીને ગ્રામીણ ગ્રાહકોની મુશ્કેલી વધી જશે તેનો કોઇ વિચાર કેમ કરાતો નથી? તેવા સવાલો કેબલ ઓપરેટરોએ ઉઠાવ્યા છે.

આ સંદર્ભે કેબલ ઓપરેટરો દ્વારા આજથી લડતના ભાગરૂપે સાંજે ૭ થી કાલે રવિવાર રાત્રે ૧૦ સુધી 'બ્લેક આઉટ' મનાવી પ્રસારણ ઠપ્પ કરી દેવાશે. ટીવીના પડદા કાળા ઠીમ જ રહેશે. રાજય વ્યાપી શરૂ થયેલ અભિયાનમાં સૌરાષ્ટ્ર કચ્છના કેબલ ઓપરેટરોએ સંગઠીત થઇ અવાજ ઉઠાવવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં કેબલ ઓપરેટરોની સમસ્યા વર્ણવતા સૌરાષ્ટ્ર કચ્છ કેબલ ઓપરેટર એસો.ના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ (મો.૯૮૭૯૫ ૧૮૩૬૯) અને કેબલ ઓપરેટર સભ્યો નિલેશ ભટ્ટ, ફારૂક જોધપુરા, આનંદ વાગડીયા, રણછોડભાઇ સભાડ, જુવાનસિંહ ગોહીલ, વિરમભાઇ સાંબડ, અમિતભાઇ પટેલ, ભરતભાઇ બાંભવા, જેન્તીભાઇ રૈયાણી, ઇશ્વરભાઇ સોલંકી, માનસીંગભાઇ મકવાણા, ભગીરથસિંહ જાડેજા, ગુણવંતસિંહ જાડેજા, મહેશ મકવાણા, અશ્વિન વોરા, એલ. વી. ચુડાસમા, નરેશ કધળીયા, નિલેશ ગઢવી, અબાસ એસ. માકડા, દિનેશભાઇ કવૈયા, અશોકભાઇ મારૂ, હુશેન એન. માકડા, વિપુલભાઇ પંડયા, રાજશી મેર, હિતેશભાઇ રાયચુરા, ગુલાબસિંહ, દિગુભા એડવોકેટ, જીતુભાઇ બોરીચા, ધવલ બી. વ્યાસ, હરપાલસિંહ રાઠોડ, અશોક ડાંગર, મહેશ ડાંગર, નિર્મલસિંહ ઝાલા, હિતેશભાઇ વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(4:14 pm IST)