Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સંગીતના દિગ્ગજો રાજકોટમાં સપ્તસંગીતિની સુરધારા રેલાવશે

નીઓ ફાઉન્ડેશન દ્વારા ૩ થી ૯ જાન્યુઆરી હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમઃ પંડિત રાજન-સાજન મિશ્રા, પંડિત અજય ચક્રવર્તી, રાહુલ શર્મા, ડો. અશ્વિની ભિડે દેશપાંડે જેવા ધુરંધર સંગીતજ્ઞો જમાવટ કરશેઃ આ વખતે કયુ.આર કોડ વાળા ઓનલાઇન પાસની સીસ્ટમ્સ : રાજકોટ અને સૌરાષ્ટ્ર બહારના ૫૦ થી વધુ શહેરોમાંથી ઓહોહો.. ૫૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન થયા..! : ટ્રાફિક ને અડચણ રૂપ ન થાય તે માટે આ વખતે વિરાણી હાઇસ્કૂલમાં પાર્કીંગ વ્યવસ્થા : અનોખા સોફટવેર થકી સ્ટોર થશે લોકોનો ડેટાબેઇઝ

રાજકોટ, તા. ૨૯: છેલ્લા બે વર્ષથી નીઓ ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં સપ્તસંગીતિનું અદભુત આયોજન કરવામાં આવે છે ત્યારે આ ત્રીજા વર્ષે પણ હેમુગઢવી ઓડિટોરીયમમાં આગામી તા. ૩ જાન્યુઆરી થી તા. ૯ જાન્યુઆરી સુધી સંગીતના દિગ્ગજો રાજકોટમાં ફરી સપ્તસંગીતિની સુરધારા રેલાવશે. આ વખતે પં.રાજન-સાજન મિશ્રા, પં. અજય ચક્રવર્તી, ડો. અશ્વિની ભિડે દેશપાંડે - ગાયન જયારે શ્રી રાહુલ શર્મા - સંતૂર, શ્રી રવિ ચેરી ક્રોસિંગ - ફ્યુઝન બેન્ડ, પં.પ્રવિણ ગોડખીંડી અને પં. શશાંક સુબ્રમણ્યમ ની બાંસુરીમાં જુગલબંધી અને સુશ્રી વિધા લાલ તથા શ્રી અભિમન્યુ લાલ ની કથ્થક પ્રસ્તુતી જમાવટ કરશે.

આ અંગે શ્રી દિપકભાઇ રીંડાણીએ જણાવ્યું હતું કે, રાજકોટની શાસ્ત્રીય સંગીતપ્રેમી જનતાને કંઇ નવું પિરસવાના આશયે આ વર્ષે પણ નીઓ ફાઉન્ડેશન દ્વારા સપ્તસંગીતિમાં ધુરંધર સંગીતજ્ઞોની કલાનો લાભ મળશે. આ વખતે કાર્યક્રમમાં આવવા માટે ૫૦ થી વધુ શહેરોમાંથી ૫૦૦૦ થી પણ વધુ ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા હતા. જેમાં લોકો પાસેથી તેમને જે કલાકારને સાંભળવા હોય તે પ્રાથમિકતા મુજબ ક્રમ માંગવામાં આવ્યા હતા અને તે મુજબ અમે ઓનલાઇન પાસ એલોટ કર્યા છે જેથી તેની પ્રિન્ટ કાઢવાની રહેશે. આ વખતે પાસમાં એરલાઇન્સ ટીકિટમાં હોય છે તેમ કયુ.આર. કોડ સીસ્ટમ રાખવામાં આવી છે જેથી જયારે પણ લોકો એન્ટર થશે ત્યારે તેના પાસ સ્કેન કરવામાં આવશે તેથી તે વ્યકિતની એન્ટ્રી સીધીજ નીઓના ડેટાબેઇઝમાં રજીસ્ટર થશે. પહેલીવાર પાસની એન્ટ્રી થશે તેજ માન્ય ગણાશે.

ડૂપ્લિકેટ પાસવાળાની એન્ટ્રી માન્ય રહેશે નહીં. સાથો સાથ ગેટની બહાર ભિડ ન જામે તે માટે ૫૦-૫૦ ના બેચમાં લોકોને અંદર મોકલવામાં આવશે. ૮.૧૫ વાગ્યે ગેઇટ ઓપન થશે અને ૮.૪૫ વાગ્યા સુધીમાં બધાએ સ્થાન લઇ લેવાનું રહેશે. આ વખતે ખાસ સોફ્ટવેર પણ તૈયાર કરાયો છે જેની મદદથી દર ૧૫ મીનિટે એન્ટ્રી લેનાર વ્યકિત થી લઇ દરેક વ્યકિત કે જે પાસ લઇ ગઇ છે તે આવે છે કે નહીં અને કેટલા સમયમાં સૌથી વધુ લોકો આવે છે તે અને દરરોજ કેટલા લોકો આવે છે તેની નોંધ રહેશે.

આ વખતે પણ રાજકોટની ઉગતી પ્રતિભાને સ્ટેજ પુરૂ પાડવાનું આયોજન કરાયું છે. જેમાં ભાવિક માંકડ (ગાયન), દેવાંશી ભટ્ટ (ગાયન) અને કલાશ્રી ગ્રૂપ નું કથ્થક પર્ફોમન્સ રાખવામાં આવ્યું છે. બીજી એક ખાસ બાબત એ છે કે ટ્રાફિકને અડચણરૂપ ન થાય અને રોડ પર પાર્કિંગ ન થાય તે માટે આ વખતે વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. સપ્તસંગીતિના ૫૦ અને એજન્સીના મળી કુલ ૧૫૦ થી વધુ લોકોનો સ્ટાફ આ દિવસોમાં જહેમત ઉઠાવશે.

નીઓ ફાઉન્ડેશન રાજકોટના ડિરેકટર્સ સર્વ શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી પરાક્રમસિંહજી જાડેજા, શ્રી વિક્રમભાઇ સંઘાણી, શ્રી હિરેનભાઇ સોઢા, શ્રી અતુલભાઇ કાલરિયા અને શ્રી દિપકભાઇ રીંડાણી ના અમુલ્ય સહયોગથી આ કાર્યક્રમ સંભવ થવો શકય બન્યું છે. એ ખાસ ધ્યાન રખાયું છે કે જે લોકોએ જે દિવસને ઓનલાઇન સિલેકશનમાં પ્રાથમિકતા આપી હોય તે બધા લોકો આ કાર્યક્રમ માણી શકે તેવી કોશીશ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પેટ્રન્સ અને ટ્રસ્ટીઓનું માન રાખી સમગ્ર કાર્યક્રમ વિનામુલ્યે યોજાવા જઇ રહ્યો છે. સપ્તસુરના મહાસાગરમાં ડૂબકી લગાવવા થનગનતા રાજકોટવાસીઓ માટે આ વર્ષ પણ વધુ એક યાદગાર વર્ષ બની રહેશે.(૩૭.૭)

બે વર્ષમાં ૨૫ સ્કુલમાં એકસેલન્સ સેન્ટર કાર્યરત થશે

ગયા વર્ષે સપ્તસંગીતિ દરમિયાન નીઓ દ્વારા જાહેરાત કરવામાં આવેલી કે આગામી વર્ષે અમે વધુ ૪ મનપાની સરકારી શાળામાં એકસેલન્સ સેન્ટર કાર્યરત કરીશું. જેનું વચન પાળી કુલ ૬ શાળામાં નીઓ રાજકોટ એકસેલન્સ સેન્ટર કાર્યરત કરાયું છે. જેમાં એક કલાસમાં બેન્ચ, ટી.વી., હેડફોન, વાઇફાઇ, અને ૩૦ લેપટોપ બાળકો માટે કાર્યરત કરાય છે. એક એકસેલન્સ કલાસ બનાવવા પાછળ ૧૦ લાખ જેટલો ખર્ચ થાય છે. આનાથી બાળકોનું ભણતરનું સ્તર સુધરે છે. તેને તણાવ મુકત ખુશખુશાલ વાતાવરણ મળે છે. ધો. ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન નો અત્યાધુનિક અને સરળ સોફ્ટવેર પણ ઉપલબ્ધ કરાવાયો છે. આગામી બે વર્ષમાં ૨૫ સ્કૂલમાં આવા એકસેલન્સ સેન્ટર શરૂ કરવાની નીઓની યોજના છે. (આલેખનઃ પ્રશાંત બક્ષી)(૩૭.૫)

આ કલાકારો મનોરંજન પીરસશે

૩ જાન્યુ. - પં. રાજન - સાજન મિશ્રા (ગાયન)

૪ જાન્યુ. - રવિ ચેરી ક્રોસિંગ (ફ્યુઝન બેન્ડ)

૫ જાન્યુ. - પં. અજય ચક્રવર્તિ (ગાયન)

૬ જાન્યુ. - શ્રી રાહુલ શર્મા (સંતૂર)

૭. જાન્યુ. - ડો. અશ્વિની ભિડે દેશપાંડે (ગાયન)

૮. જાન્યુ. - પં. પ્રવિણ ગોડખીંડી અને પં. શશાંક સુબ્રમણ્યમ (બાંસુરી જુગલબંધી)

૯. જાન્યુ. - સુશ્રી વિધા લાલ અને શ્રી અભિમન્યુ લાલ (કથ્થક).(૩૭.૫)

(11:50 am IST)