Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

વિજયભાઇને સત્કારવા અનેરો ઉત્સાહ

રાજયના મુખ્યમંત્રીપદનું બીજી વખત સુકાન સંભાળ્યા બાદ પ્રથમવાર રાજકોટ આવી રહેલ : રાજકોટ નાગરીક અભિવાદન સમિતિના નેજા તળે તા.૩૧ના રવિવારે જાજરમાન અભિવાદન સમારોહઃ વિવિધ સંસ્થાઓ સાથે જોડાઇઃ ધીરૂભાઇ સરવૈયા હાસ્યરસ રેલાવશેઃ સત્યમ પાર્ટી પ્લોટમાં તડામાર તૈયારીઓ શરૃઃ ફૂલ બુકે કે શાલથી નહી ફ્રુટ, બાસ્કેટ અને પૂસ્તકો આપી કરાશે અભિવાદન

રાજકોટ તા.ર૯ : રાજયનાં મુખ્યમંત્રી પદનું બીજી વખત સુકાન સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહેલ  શ્રી વિજયભાઇ રૂપાણીનું સન્માન કરવા સમગ્ર રાજકોટ જાણે થનગની રહયું હોય એવો ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

આગામી તા.૩૧ના રવિવારે સાંજે ૬.૩૦ કલાકે સત્યમ પાર્ટી પ્લોટ, નાના મવા રોડ ખાતે શહેરના વિવિધ એસોસીએશનો, શહેરની સેવા સંસ્થાઓ તેમજ શહેરમાં અલગ અલગ ક્ષેત્રના સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જાજરમાન અભિવાદનનો એક કાર્યક્રમ રાજકોટ શહેર નાગરિક અભિવાદન સમિતિ દ્વારા આયોજન કરાયો છે.

એક અદના કાર્યકર તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાતના મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા છે. જેમાં તેમનો અથાગ પરિશ્રમ, પાર્ટી પ્રત્યેની નિષ્ઠા, વફાદારી, કુશળ, સંગઠક તરીકેની પ્રતિભા બહાર આવી  છે. સવા વર્ષમાં મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન સૌને સાથે રાખીને ગુજરાતનું હિત જોનાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૪૭પ જેટલા મહત્વના નિર્ણયો લઇ ગુજરાતના વિકાસને આગળ વધાર્યો છે.

એટલે જ રાજકોટ મહાનગરની વિધાનસભાની પશ્ચિમ બેઠક ઉપર પ૪૦૦૦ જેટલા મતોથી સરસાઇ મેળવી જીત હાંસલ કરી લોક હૃદયમાં અનેરૂ સ્થાન મેળવ્યું છે.

રાજકોટનાં પનોતા પુત્ર અને બાળપણથી  જ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વંય સેવક તરીકેનાં સંસ્કાર મેળવીઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં એક અદના કાર્યકર્તા તરીકે કામ કરી આજે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી બનવાનું સદભાગ્ય પ્રાપ્ત કરનાર શ્રી વિજયભાઇ રૂપાણીે જાહેર જીવનનું સમાજ જીવનનું આભુષણ છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે તેમજ રાજકોટના પ્રથમ નાગરીક તરીકેને તેમજ રાજયના સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના ચેરમેન, ગુજરાત રાજય પ્રવાસન નિગમ, ગુજરાત રાજયનાં મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન તરીકે સફળતા પુર્વક જવાબદારી નિભાવી ચૂકયા છે.

તેમણે સંગઠન ક્ષેત્રે પણ વિવિધ જવાબદારીઓ સફળતા પુર્વક નિભાવી છે. સૌરાષ્ટ્ર ભાજપના ઇન્ચાર્જ તરીકે રહી  સૌરાષ્ટ્રનું સંગઠન મજબુત બનાવવામાં બેનમુન યોગદાન રહયું છે. પ્રદેશ ભાજપના પ્રવકતા તરીકે તેમજ ચાર વખત ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે પણ રહી ચુકયા છે.

વિજયભાઇ રૂપાણી રાજય સભાનાં ાસંસદ તરીકે પણ છ વર્ષે ઉમદા કામગીરી કરી છે. રાજોટ વિધાનસભા  ૬૯નાં ધારાસભ્ય તરીકે પ્રથમ વખત જંગી બહુમતીથી વિજય થનાર વિજયભાઇ રૂપાણીને ગુજરાત રાજયનાં પાણી પુરવઠા, શ્રમ રોજગાર તેમજ વાહન વ્યવહાર જેવા મહત્વનાં કેબીનેટ મંત્રી બનાવીરાજય સરકારે પણ તેમની કાબેલીયતનો લાભ લીધો હતો.

ગુજરાત રાજયનાં સન્માનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની કકર્મભૂમી રાજકોટ રહી છે. રાજકોટનાં નગરજનો સાથે જેમનો જીવંત સંપર્ક રહયો છે. એવા વિજયભાઇ રૂપાણીનાં ઘડતરમાં દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, રાજયના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, સ્વ. શ્રી અરવિંદભા મણીયાર, સ્વ. ચીમનભાઇ શુકલ, કર્ણાટક રાજયના ગર્વનર શ્રી વજુભાઇ વાળા, સ્વ. શ્રી કાંતીભાઇ વદ્ય, પૂજય  યશવંતભાઇ ભટ્ટ, સ્વ. શ્રી સુર્યકાંતભાઇ આચાર્ય, સ્વ. શ્રી  નાથાલાલ જગડા, સ્વ. શ્રી પી.વી. દોશી સાહેબ (પપ્પાજી), લક્ષ્મણરાવજી ઇનામદાર (વકીલ સાહેબ), સુરેન્દ્રભાઇ પટેલ (સુરેન્દ્રકાકા), મદનદાસજી દેવી, દામલેજી, શ્રી પ્રવીણભાઇ મણીયાર, સ્વ. શ્રીમકરંદ દેસાઇ, પ્રો. એન.યુ. રાજયગુરૂ સહિતનાં અસંખ્ય મહાનુભાવોનો ફાળો રહયો છે.

રાજકોટ શહેરનાં વિવિધ ક્ષેત્રમાં કામકરતા શહેરના શ્રેષ્ઠીઓની નાગરીક અભિવાદન સમિતિ તેમજ માર્ગદર્શક કમિટી બનાવવામાં આવી છે. જેમનાં દ્વારા આગામી તા.૩૧-૧રને રવિવાર રોજ અભિવાદન કાર્યક્રમ યોજાશે. આ નાગરીક અભિવાદન સમિતમાં મુકેશ દોશી - દિકરાનું ઘર, ગુણવંતભાઇ ડેલાવાળા સરગમ કલબ,ડી.વી. મહેતા - જીનીયસ ગ્રુપ, જયેશ ઉપાધ્યાય બોલબાલા, કિરીટભાઇ આદ્રોજા - એંજલ ગ્રુપ, બી.કે. વડોદરીયા - પંચશીલ સ્કુલ, યોગેશ પુજારા રઘુવીર સેના, ઉપેન મોદી જૈન અગ્રણી, શૈલેષભાઇ જાની - ગીતાંજલી, મહેન્દ્રભાઇ ફળદુ - કલબ યુવી, ખોડુભા જાડેજા - ઘંટેશ્વર, જતીન ભરાડ - ભરાડ ઇન્સ્ટીટયુટ, ભુપેન્દ્રસિંહ વાઘેલા, આર્ટ ઓફ લિવિંગ, અજય પટેલ - ન્યુ એરા, ધ્રુવીક પટેલ બિલ્ડર એસોસીએશન, વી.પી. વૈષ્ણવ, ચેમ્બર ઓફ કોમર્સ સહિતના આગેવાનોને કમિટીમાં સમાવેશ થયો છે.

ઉપરાંત માર્ગદર્શક કમિટિમાં રમેશભાઇ ટીલાળા - પ્રમુખ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો., બીપીનભાઇ હદવાણી પ્રમુખ મેટોડા જીઆઇડીસી, યોગેશભાઇ પુજારા - પુજારા ટેલીકોમ, કૌશીકભાઇ શુકલ - મેનેજિંગ ટ્રસ્ટી, વી.વી.પી. એન્જનીયરીંગ કોલેજ, જીતુભાઇ ચંદારાણા, મારવાડી કોલેજ, શીવલાલ બારસીયા - પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, ધનસુખભાઇ વોરા - પ્રમુખગ્રેટર ચેમ્બર, જીવણભાઇ પટેલ, આજી વસાહત, ચીમનભાઇ લોઢીયા - સોની અગ્રણી, ભાયાભાઇ સાવલીયા - સોની અગ્રણી, ડો. અતુલભાઇ પંડયા - જાણીતા તબીબ, ચંદ્રકાંત શઠ - જૈન અગ્રણી, નલીનભાઇ ઝવેરી - આત્મીય કોલેજ, જીતુભાઇ દેસાઇ - જૈન માર્ગદર્શન પુરૂ પાડશે.

કાર્યક્રમનાં પ્રારંભે સૌરાષ્ટ્ર -ગુજરાતનું હાસ્ય જગતનું ઘરેણુ ધીરૂભાઇ સરવૈયા હાસ્ય રસ પીરસશે. રાજકોટ શહેરના મુખ્ય - મુખ્ય એસોસીએશનો તેમજ રાજકોટ શહેરની મુખ્ય સેવા સંસ્થાઓ સહિત પ૧ સંસ્થાઓથી વધુ સંસ્થાઓ વિજયભાઇ રૂપાણીનું અભિવાદન કરશે. આ કાર્યક્રમની વિશેષતા સન્માન બુકે, હાર, પુષ્પગુચ્છ શાલથી નહી પરંતુ  ફ્રુટ બાસ્કેટ અને સુંદર પુસ્તકથી વિજયભાઇ અભિવાદન કરવામાં આવશે. કાર્યક્રમના બીજા દિવસે આ ફ્રુટ બાસ્કેટ સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓને વિતરણ કરાશે.

આ કાર્યક્રમાં સામેલ થવા ઇચ્છતા રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો કાર્યક્રમનો પાસ ૩૦પ, ગુરૂરક્ષા કોમ્પ્લેકસ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ, ઉપરથી મેળવી લેવાનો રહેશે. જો કે આ કાર્યક્રમ રાજકોટ શહેરની તમામ સામાજિક સંસ્થાઓ,  એસોસીએશન, ધાર્મિક મંડળો, અલગ અલગ ક્ષેત્રમાં  કામ કરતા લોકો માટે જાહેર કાર્યક્રમ છે. પાસ વગર પણ કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે.

રાજકોટ નાગરીક અભિવાદન સમિતિ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં વિવિધ એસો. તથા સંસ્થાઓને નિમંત્રીત કરવા, સ્ટેજ ડેકોરેશન લાઇટ સાઉન્ડ, મંડપ, પ્રેુસ મીડીયાચ, વિભાગ, પાર્કિગ તેમજ ટ્રાફીકની વ્યવસ્થા, સાંસ્કૃતિક રજીસ્ટ્રેશન સમિતિ પ્રચાર પ્રસાર સહિતની વિવિધ સમિતિઓ દ્વારા કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહયો છે.

(3:26 pm IST)