Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સંબંધીની ભલામણ માટે કોન્સ્ટેબલે પિત્તો ગુમાવ્યોઃ સાથી કર્મચારીઓને ગાળો ભાંડીઃ ખાતાકીય તપાસ

પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બનાવઃ કર્ફયુભંગની કાર્યવાહીમાં પોલીસમેનના સગાને લાવવામાં આવ્યા હોઇ તેની ભલામણ મામલે ડી-સ્ટાફ અને મહિલા કર્મી સાથે ડખ્ખોઃ ડિસીપ્લીન-મેનર્સ ભંગ થતાં કાર્યવાહી થશેઃ ઇન્ચાર્જ પીઆઇ કે. એ. વાળા

રાજકોટ તા. ૨૯: ગઇકાલે રાત્રે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સ્ટાફમાં અંદરોઅંદર થયેલી ગાળાગાળી અને ઝપાઝપીએ શહેરભરના પોલીસબેડામાં ચર્ચા જગાવી છે. આ મામલે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ગઇકાલે રાત્રે પ્રદ્યુમનનગર ડી. સ્ટાફ કોવિડ-૧૯ સંદર્ભના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવા એક વ્યકિતને પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતાં ત્યારે હરેશ કુકડીયા નામના કોન્સ્ટેબલે મારા સંબંધી છે તેની સામે કોઇ પગલા લેવાના નથી...તેમ કહીને ડી. સ્ટાફની રૂમમાં ધસી જઇ દેકારો મચાવ્યા બાદ નીચે બેસતાં મહિલા કોન્સ્ટેબલ સાથે પણ બેફામ ગાળાગાળી કરી હતી. આ વખતે સામ સામી ઝપાઝપી પણ થઇ હતી.

ડી. સ્ટાફના કર્મચારીઓ સાથી કર્મચારીની ભલામણ રાખતાં નથી તેવું બોલી પોલીસ ખાતાને ન છાજે તેવું વર્તન કોન્સ્ટેબલ હરેશે કર્યાનું બહાર આવ્યું છે.  ડી. સ્ટાફ જે વ્યકિતને કાર્યવાહી માટે લાવ્યા હતાં તે હરેશ કુકડીયાનો સંબંધી છે તેવું જાણતો પણ ન હોવાનું ઉપસ્થિત કર્મચારીઓમાં ચર્ચાઇ રહ્યું છે. દરમિયાન આ મામલે ઇન્ચાર્જ પીઆઇ કે. એ. વાળાનો સંપર્ક સાધતાં તેમણે જણાવેલ કે પોલીસ ફોર્સ માટે ડિસીપ્લીન અને મેનર્સના ભંગ સમાન આ ઘટનામાં હાલ તો સમાધાન થઇ ગયું છે. પરંતુ ખાતાકીય તપાસ જરૂર થશે.

(12:44 pm IST)