Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સસરા સામે પત્રકારત્વનું પરાક્રમ !

આ મૂલ્યનિષ્ઠ પત્રકારે ૯પ વર્ષની વયે 'સાહસ' નામની પત્રિકા ફરી શરૂ કરી ! : મનસુખભાઇ 'પંચાલ વિજય' અખબાર ચલાવતા હતાઃ સગાઇ મુંબઇ ધનાઢય પરિવારની દીકરી સાથે થઇઃ સસરા ''આડા માર્ગે'' ચાલતા હોવાની જાણ થતા, જમાઇ મનસુખભાઇએ સસરા વિરૂધ્ધ સમાચાર છાપ્યાઃ સસરાએ મુંબઇ બોલાવીને માર્યા અને સગાઇ તોડી નાખી

 

રાજકોટ તા. ર૬ : સાહસવીર મનસુખભાઇ પંચાલ મૂળ પત્રકાર જીવ છે તેઓ 'પંચાલ વિજય' નામનું અખબાર ચલાવતા હતા. એક મજેદાર કિસ્સો તેમણે કહ્યો તેઓ કહે છે કે, મારા પિતાશ્રીને સોનાનો વ્યવસાય હતો અમે સુખી પરિવાર તરીકે ઓળખ ધરાવતા હતા. મનસુખભાઇ કહે છે કે, મારી સગાઇ મુંબઇના એક ધનાઢય પરિવારની દીકરી સાથે થઇ હતી. સગાઇ બાદ મને જાણ થઇ કે, ધનાઢય સસરાનું ચારિત્ર્ય '''આડી લાઇને' છે  આ અંગેની સ્ટોરી મેં બનાવીને ''પંચાલ વિજય'' અખબારમાં છાપી. આ પરાક્રમ બાદ સસરાએ મનસુખભાઇને મુંબઇ તેડાવ્યા. ત્યાં માર માર્યોઅને સગાઇ તોડી નાખી...

મનસુખભાઇ કહે છ કે, નૈતિકતા સાથે મેં કયારેય બાંધછોડ કરી નથી. સગાઇ તૂટયા બાદ ફરીથી સગાઇ-લગ્ન ન કરવાનો સંકલ્પ કરીને જુદા વિચારથી જિંદગી વહાવી.

૯૭ વર્ષની વયે મનસુખભાઇને ભુતકાળ યાદ છે તેઓ કહે  છે, ''અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના પિતાશ્રી ગુણવંતભાઇ સાથે આત્મિયનાતો હતો.મારૃં અખબાર અહીં છપાતું હતું. ઉપરાંત રાજકોટમાં લુહાર જ્ઞાતિની બોડિંર્ગ બનાવવાની પ્રેરણા પણ મને શ્રી ગુણવંતભાઇ ગણાત્રાએ આપી હતી.

થાક નામનો શબ્દ મનસુખભાઇના જીવનમાં આવ્યો નથી. નિવૃત્તિની તો વાત જ નહિ. ૯પવર્ષની વયે તેઓએ ફરીથી પત્રકારત્વ શરૂ કર્યું હતું. ''સાહસ પત્રિકા'' નામનું અખબાર ચલાવે છે. આ પત્રિકા ભગવતી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગરના સહયોગથી પ્રકાશિત થાય છે. જો કે મનસુખભાઇએ જણાવ્યું હતું કે, હવે એક અંક પ્રકાશિત કરીને પત્રિકાને વિરામ આપવાની ઇચ્છા છે.

(11:26 am IST)