Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૦૦ રેસિડેન્ટ તબિબોની હડતાલ મોકુફઃ કાળી રિબીન પહેરી વિરોધ યથાવત

રાજકોટઃ રાજ્યભરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર દ્વારા આજથી ઓપીડી સેવા બંધ રાખી હડતાલ શરૂ કરવામાં આવવાની હતી. પરંતુ રાજકોટ, ભાવનગર, વડોદરાના તબિબોએ સરકાર ઝડપથી નિર્ણય લાવશે એ આશા સાથે દર્દીઓના હીતમાં હડતાલ પર ઉતરવાનું મોકુફ રાખ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના જેડીયુ (જુનિયર ડોકટર એસો)એ જણાવ્યું છે કે અમે કાળી રિબીન પહેરી વિરોધ દર્શાવવાનું યથાવત રાખ્યું છે. હડતાલ પર ઉતરી ઓપીડી સેવા બંધ રાખવાનું મુલત્વી રાખ્યું છે. સુરતમાં આરોગ્ય મંત્રી સાથે ઓલ ગુજરાત જુનિયર ડોકટર્સ એસોસિએશને ઓૈપચારીક વાત કરી રજૂઆત કરી હોઇ અઠવાડીયામાં જ સમસ્યા ઉકેલાઇ જશે તેવી ખાત્રી અપાઇ હોઇ હાલ હડતાલ મોકુફ રખાઇ છે. રાજકોટ જેડીયુના ડો. રવિ કોઠારીના કહેવા મુજબ રાજકોટ સિવિલમાં સોૈરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતાં હોઇ તેમને કોઇ તકલીફ ન પડે તે કારણે દર્દીઓના હિતમાં અમે હડતાલથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો છે. પીજી મેડિકલ કાઉન્સેલીંગ એક મહિનો સ્થગીત કરી દેવામાં આવતાં દેશભરમાં રેસિડેન્ટ તબિબોએ આંદોલન શરૂ કરવા નિર્ણય કર્યો હતો. તે અંતર્ગત આજથી હડતાલ પાડવાની હતી. પણ રાજકોટમાં હડતાલ મોકુફ રહી છે.

(11:25 am IST)