Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગ્રામ પંચાયત ચૂંટણીનું જાહેરનામુ : આજથી તા. ૪ ડીસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે : રાજકોટની કુલ ૫૪૬ ગ્રામ પંચાયત

નાયબ મામલતદારોને R.O.ની જવાબદારી : મામલતદાર - પ્રાંત દ્વારા સુપરવિઝન : ૧૯ ડિસેમ્બરે મતદાન : ઉમેદવારોએ સાદા કાગળમાં લેણુ - ગુન્હો સહિતના મુદ્દે એકરારનામુ કરવું પડશે

રાજકોટ તા. ૨૯ : રાજકોટ સહિત રાજ્યભરની ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે સવારે ૧૧ વાગ્યે વિવિધ પ્રાંતો દ્વારા પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતો માટે જાહેરનામુ બહાર પડયું છે, રાજકોટ જિલ્લાની કુલ ૫૪૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજથી તા. ૪ ડીસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, તા. ૬ સુધી ફોર્મની ચકાસણી થશે, ૭મી સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે અને ૧૯મી ડીસેમ્બરે મતદાન તથા ૨૧મીએ મતગણત્રી થશે.

રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારો માટે ફોર્મ ભરવા સમયે સરળતા જાહેર કરી છે, ઉમેદવારોએ શૌચાલય, લોન, ગુન્હો સહિતના મુદ્દે કોઇ દાખલા આપવાની હવે જરૂરીયાત નથી, પરંતુ ફોર્મ ભરવા સમયે ઉમેદવારોએ એક સાદા કાગળમાં ઉપરોકત તમામ મુદ્દે ખાસ એકરારનામુ આપવું પડશે.

૧૯મીએ મતદાન યોજાશે, તેમાં ઇવીએમ નહી પરંતુ મતપેટી વપરાશે, રાજકોટ જિલ્લામાં કુલ ૨૭૦૦ મતપેટી ઉપલબ્ધ કરાવાઇ છે, રાજકોટ જિલ્લામાં કુલ ૮ લાખ ૭૦ હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

(10:27 am IST)