Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

આગ લાગવાની ઘટનામાં ઓકિસજન લીક હતુ કે કેમ તે ખાસ જોવાશે : એ.કે.રાકેશ

એફએસએલ અને ઈલેકટ્રીક ઈન્સ્પેકટરનો પ્રાથમિક રીપોર્ટ સાંજ સુધીમાં આવી જશે : ફાઈનલ રીપોર્ટ આવતા બે દિવસ લાગશે : સરકારમાં અમે ત્રણ થી ચાર દિવસમાં રીપોર્ટ કરીશુ : કોઈપણ ઈકિવઝમેન્ટમાંથી આગ લાગી હોય શકે છે તેવુ પ્રાથમિક તારણ જણાવતા એ.કે.રાકેશ : ઉદય શિવાનંદ હોસ્પિટલ અને ગોકુલ હોસ્પિટલને નોટીસ તથા પોલીસ ફરીયાદ અંગે રીપોર્ટ બાદ નિર્ણય : આગ અંગેના સરકારના સોંપવાના રીપોર્ટમાં ભવિષ્યમાં આવી ઘટના ન બને અને ઓકિસજન વધારે હોય ત્યાં વધારે કાળજી લેવાય તેવા ધોરણો નક્કી કરવા રીપોર્ટમાં આવરી લેવાશે : દરેક હોસ્પિટલના માણસોને દર પંદર દિવસે અને મહિને આગ સામે ખાસ તાલીમ અપાય તેવુ પણ રીપોર્ટમાં જણાવાશે

પ્રથમ તસ્વીરમાં રાજકોટ આવેલા અધિકારી મુખ્ય સચિવ શ્રી એ.કે.શર્મા તથા બીજી તસ્વીરમાં પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલ અને અંતિમ તસ્વીરમાં કલેકટર શ્રી રેમ્યા મોહન, રાહુલ ગુપ્તા અને મનોજ અગ્રવાલ તથા એ.કે.રાકેશ વિગતો આપતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૮ : રાજકોટની કોવિડ હોસ્પિટલની ભયાનક આગની ઘટના અંગે તપાસમાં આવેલા અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે આજે બપોરે ૧૨ વાગ્યે મીટીંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કેે અમે આગની ઘટના અંગે કલેકટર સાથે ચર્ચા અને મંત્રણા કરી છે. એફએસએલ અને ઈલેકટ્રીક ઈન્સ્પેકટરના રીપોર્ટની રાહ રહ્યા છીએ. એ રીપોર્ટ આવ્યા બાદ નિર્ણય કરાશે. તેમણે જણાવેલ કે પ્રાથમિક રીપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જાય તેવી શકયતા છે. ફાઈનલ રીપોર્ટ આવતા બે દિવસ આવશે અને સરકારમાં ૩ થી ૪ દિવસમાં રીપોર્ટ આપી દઈશુ.

શ્રી એ.કે.રાકેશે જણાવેલ કે ભવિષ્યમાં આવી કોવિડ હોસ્પિટલમાં કે અન્ય કોઈ હોસ્પિટલમાં આવી આગની ઘટના ન બને અને હોસ્પિટલોમાં ઓકિસજન વધારે હોય છે ત્યારે વધારે કાળજી લેવાય તેવા ધોરણો નક્કી કરવા અંગે રીપોર્ટમાં સરકારને ભલામણ કરાશે. તેમજ દરેક હોસ્પિટલના માણસોને તાલીમ ચોકસાઈપૂર્વક અપાઈ અને દર પખવાડીયે અને દર મહિને તાલીમ અપાતી જ રહે તેવી કાર્યવાહી થાય તેવો પણ રીપોર્ટમાં ભલામણ કરાશે. તેમણે જણાવેલ કે અત્યારે પ્રાથમિક નિષ્કર્ષ એવુ નીકળી રહ્યુ છે કે કોઈ પણ ઈકિવઝમેન્ટમાંથી આગ લાગી હોય શકે છે. બાકી ત્યાં વાયરીંગ અને ઈન્વેન્ચરી લાઈન બધુ બરાબર હતી તેમાં કોઈ ફોલ્ટ નથી.

ઓકિસજન સાથે આગ લાગેલી હોય તેવા અકિલાના સવાલના જવાબમાં તેમણે જણાવેલ કે આ મુદ્દો અમે તપાસમાં આવરી લીધો છે. ઓકિસજન લીક હતુ કે કેમ તે તપાસ થઈ રહી છે. હોસ્પિટલના ડો.તેજસ કરમટા અને તેના સ્ટાફની પણ પૂછપરછ થઈ રહી છે.

તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ઓકિસજન હાઈ ટેમ્પરેચર ઉપર હોય અને તે લીક થતુ હતુ કે કેમ તે અંગે પણ તપાસ થઈ રહી છે.

તેમણે કીધુ કે સીસીટીવી ફૂટેજ પણ મેળવાયા છે અને શોર્ટ સર્કીટ કે ત્યારબાદ કોઈપણ બ્લાસ્ટ હોસ્પિટલમાં થયો નથી. તેમણે જણાવેલ કે ગોકુલ હોસ્પિટલને નોટીસ અને પોલીસ ફરીયાદ અંગે તેમણે જણાવેલ કે રીપોર્ટ આવી ગયા બાદ ચોક્કસ કારણો જાણ્યા બાદ નોટીસ ફટકારાશે અને પોલીસ ફરીયાદ અંગે નિર્ણય લેવાશે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કલેકટર શ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ, ડીડીઓ શ્રી રાણાવસીયા વગેરે સાથે રહ્યા હતા.

(3:19 pm IST)