Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

માં ઉમિયાના રથ સાથે રાજકોટમાં યુવાનોની સ્કૂટર રેલી

ઉંઝા ખાતે યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞનો સંદેશો શહેરમાં ઘેર ઘેર પહોંચાડાશે : તા.૮મીએ સવારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી પ્રસ્થાનઃ બપોરે ૧૨ કલાકે પાટીદાર ચોકમાં પૂર્ણાહુતીઃ રેલીના રૂટમાં સ્વાગતઃ શહેરના વિવિધ ઝોનની યુવા સંગઠન ટીમે રૂપરેખા તૈયાર કરીઃ અરવિંદભાઈ પટેલના નેજા હેઠળ તડામાર તૈયારીઓ

રાજકોટ તા.૨૯: આગામી ડિસેમ્બરમાં ઉંઝા ખાતે યોજાનારા કડવા પાટીદાર કુળદેવી માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો સંદેશો રાજકોટ શહેરમાં વસતા સમાજના ઘેર ઘેર પહોંચડવા શ્રી પટેલ સેવા સમાજ અને સમાજની અન્ય સંસ્થાઓના સક્રિય સહયોગથી આગામી તા. ૮ ડીસેમ્બર, રવિવારના રોજ શહેરમાં મા ઉમિયાના રથ સાથે શાનદાર સ્કૂટર રેલીનું આયોજન હાથ ધરાવામાં આવ્યું છે.

આ રેલીના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારમાં વસતા પાટીદાર સમાજના પ્રત્યેક ઘર સુધી લક્ષચંડી મહાયજ્ઞનો સંદેશો પહોંચતો કરવા રેલી તા. ૮ના રોજ સવારે ૮ કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી મા ઉમિયાની મહાઆરતી કરીને પ્રસ્થાન કરશે.

સમગ્ર સ્કૂટર રેલીનો હેતુ પરિપૂર્ણ કરવા માઇક્રો પ્લાનીંગ માટે તાજેતરમાં શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ ગ્રુપ)ના નેતૃત્વમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યુવા સંગઠન ટીમના કાર્યકર ભાઈ- બહેનો તેમજ શહેરમાં વિવિધ સામાજિક પ્રવૃતિ કરતા કડવા પાટીદારના વિવિધ સંગઠનના પદાધિકારીઓ અને અગ્રેસર કાર્યકરોની એક મીટીંગ યોજવામાં આવી હતી.

આ મીટીંગમાં સ્કૂટર રેલીનો રૂટ, સ્વાગત વ્યવસ્થા સહિતના મુદાઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સ્કૂટર રેલી સાથે મા ઉમિયાના રથનું રૂટ પર ઠેર ઠેર સ્વાગત થાય તેમજ અન્ય સમાજના લોકો પણ સ્વાગત કાર્યક્રમમાં જોડાય તે માટેનું પણ આયોજન કરાયું હતું.

સમગ્ર સ્કુટર રેલી દરમ્યાન ટ્રાફિકના નિયમોનું પાલન થાય, ભાવ-ભકિત અને શ્રધ્ધાનું નિર્માણ થાય તથા સમાજમા શિસ્ત અને સંપને ઉજાગર કરવામાં આવે તેવી ચીવટ રાખતી વ્યવસ્થાની ફાળવણી પણ ઝોન વાઇઝ તમામ યુવાનોએ સહર્ષ અને સ્વૈચ્છિક રીતે આ મીટીંગમાં ઉપાડી લેવામાં આવી હતી એવું શ્રી પટેલ સેવા સમાજના સંગઠન સમિતિના ચેરમેનશ્રી મનીષભાઈ ચાંગેલાએ જણાવ્યુ હતું.

પ્રસ્થાન બાદ, અંબીકા ટાઉનશીપ, વસંતવાટીકા, બાપા સીતારામ ચોક, ઉમિયા ચોક, મવડી ચોકડી, નાના મવા સર્કલ, સૂર્યમુખી હનુમાન, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, કિગ્ઝ હાઇટ, અમીન માર્ગ, બીગ બજાર, મારૂતી ચોક, કાલાવડ રોડ (આત્મીય કોલેજ), પુષ્કરધામ, યુનિ. રોડ, ઇન્દીરા સર્કલ, કોહિનૂર એપાર્ટમેન્ટ, રવિરત્ન પાર્ક ચોક, ધુલેશીયા હોસ્ટેલ, સાધુ વાસવાણી રોડ, જનકપુરી થઇને પાટીદાર ચોક પહોંચશે. જયાં ફરી માતાજીની ભવ્ય અને દિવ્ય મહાઆરતી કરી સમાપન કરાશે.

આ રૂટ દરમિયાન, અંબીકા ટાઉન શીપ, ઉમિયા ચોક, રૂદ્રાક્ષ, મારૂતી ચોક, પુષ્કરધામ, ઇન્દીરા સર્કલ, રવિરત્ન ચોક, જનકપુરી ખાતે મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને પૂજા-અર્ચન કરવામાં આવશે. લક્ષચંડી યજ્ઞમાં સામેલ થવા રાજકોટથી ૧૧૮ સાયકલ સવારો જવાના છે. આ તમામ સાયકલીસ્ટો પણ આ રેલીમાં જોડાશે. ભાઈઓ ઉપરાંત બહેનો તેમજ દંપતિ પણ રેલીમાં જોડાય શકે તેવું આયોજન કરાયું છે. પાટીદાર પેન્થર ગ્રુપના પ્રમુખ શ્રી કૌશીકભાઈ ગોવાણીએ સમગ્ર કાર્યક્રમની સવિસ્તાર માહિતી આપી હતી.

રેલીમાં મહત્તમ સંખ્યામાં લોકો જોડાય તે માટે અત્યારથી જ રેલીમાં સામેલ થવા ઇચ્છુકોની નોંધણી શરૂ કરવામાં આવી છે. આ નોંધણી તા. ૨ ડીસેમ્બરના રોજ બંધ થશે. આ પહેલા નોંધણી કરાવી લેવા અનુરોધ કરાયો છે. રેલીમાં સામેલ થવા ઇચ્છુકો પોતાના વિસ્તારમાં જ કાર્યરત સમાજના કાર્યકરો પાસે નોંધણી કરાવી શકે તેવું આયોજન ઘડવામાં આવ્યું છે. ઉપરાંત આ માટે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી પટેલ સેવા સમાજની ઓફિસ (મો. ૯૪૦૮૧ ૭૫૧૧૧)નો પણ સંપર્ક સાધી નોંધણી કરાવી શકાશે. શ્રી પ્રફુલભાઈ શેખાત, રસીકભાઈ કાવઠીયાએ સમગ્ર રૂટ વ્યવસ્થાની જાણકારી આપી હતી તેમજ સ્વાગત પ્રવચન શ્રી કિશોરભાઈ ઘોડાસરાએ કરેલ હતું.

સમગ્ર રેલી એકતા અને સંવાદિતાનું પ્રતિક બની રહે તે માટે રેલીમાં સામેલ થવા ઇચ્છુક તમામ મહિલાઓ માટે લાલ રંગની સાડી, યુવતીઓ માટે લાલ રંગનો ડ્રેસ કે કૂર્તિ તેમજ યુવાનો માટે કોઇપણ રંગનો ઝભ્ભો એવો ડ્રેસ કોડ પણ નકકી કરવામાં આવ્યો છે. ટ્રાફિકના નવા નિયમો મુજબ તમામ સ્કૂટર ચાલકો હેલમેટ સાથે જ વાહન ચલાવે હેલમેટ સિવાય કોઇને સ્કૂટર ચાલક તરીકે રેલીમાં સામેલ કરાશે નહીં.

આ મીટીંગમાં શ્રી અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર સમાજ શિસ્તપ્રિય અને નિયમોનો પાલનકર્તા સમાજ હોવાની સવાંર્ગી છાપ જનસમૂદાય અનુભવે, સમાજના તમામ લોકોમાં એકસૂત્રતા અને સંપનો સંદેશો પ્રસરે અને ઉંઝા ખાતે વધુમાં વધુ લોકો દર્શનાર્થે પહોંચે તે માટે રાજકોટમાં ઘેર ઘેર સંદેશો પહોંચાડવાના ઉમદા હેતુને પાર પાડવા રાજકોટના સમાજના યુવાનો - યુવતિઓ બહોળી સંખ્યામાં રેલીમાં જોડાય તે જરૂરી છે. કડવા પાટીદાર સમાજના આયોજનો હંમેશા તમામ માટે પ્રેરણારૂપ રહ્યાં છે ત્યારે આ રેલી પણ સૌ માટે પ્રેરક બને તેવા સૌ સાથે મળી પ્રયાસ કરે તેવું આહવાન પણ શ્રી અરવિંદભાઈ પટેલે કર્યું હતું.

આ પ્રસંગે શ્રી પટેલ સેવા સમાજ - રાજકોટના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, નરોતમભાઈ કણસાગરા, નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ પટેલ, ભગવાનજીભાઈ કનેરીયા, જમનભાઈ વાછાણી, જગદીશભાઈ પરસાણીયા, ગોવિંદભાઈ સવસાણી, રમેશભાઈ ઘોડાસરા, અશોકભાઈ દલસાણીયા, ઇશ્વરભાઈ વાછાણી, ચેતનભાઈ રાછડીયા, હરીભાઈ કલોલા વગેરે મીટીંગમાં હાજર રહેલ હતા.

આ બાઇક રેલીને સફળ બનાવવા માટે ઉમા યુવા સંઠનનના શ્રી વિશાલ વાછાણી, હરેશભાઈ પાડલીયા, વિજયભાઈ ગોધાણી, જયેશભાઈ ત્રાંબડીયા, ડેનીશ કાલરીયા વગેરે જહેમત ઉઠાવેલ. આભારદર્શન સંજયભાઈ ખીરસરીયાએ કરેલ હતું.

(4:06 pm IST)