Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેક માટે ૬ હેકટર જમીન સંપાદિત થશેઃ કલેકટર

ગઇકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇઃ કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશોઃ અમુક જમીન રેલ્વેએ સંપાદિત કરી લીધી છે : રાજકોટ તાલુકાના હડમતાળા-બેડી-ગૌરીદડ-ખોરાણા-રાજગઢ ગામના કુલ ૩૯ જેટલા સર્વેની જમીનોઃ વેલ્યુએશન હવે ફાઇનલ થશે : જમીન સંપાદન માટે રૂરલ પ્રાંતને કામ સોંપાયું છે : વાંધા-સુનાવણી બાદ જાહેરનામું: બે સર્વે સરકારી જમીનના છેઃ જે રેલ્વેને સોંપી દેવાશે

રાજકોટ તા. ર૯ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે ''અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલ્વે ડબલ ટ્રેક માટે ગઇ કાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મીટીંગ મળી હતી, અને તેમાં રેલ્વેના અધિકારીઓને બોલાવાયા હતા, અને જમીન સંપાદનનું કામ ઝડપથી પૂર્ણ કરવા અંગે મુખ્યમંત્રીએ સુચના આપી હતી.

મીટીંગ અંગે અને જમીન સંપાદન અંગે કલેકટરે જણાવેલ કે અંદાજે ૬ હેકટર એટલે કે ૬૦ હજાર ચો.મી.જમીન રેલ્વે માટે સંપાદિત કરાશે, આમા ૩૯ જેટલા સર્વે ખાનગી જમીનના છે, અને બે સર્વે સરકારી જમીનના છે, આ સરકારી જમીનની પ્રક્રિયા ટુંકમાં પૂર્ણ કરી રલ્વેને સોંપી દેવાશે.

કલેકટરે જણાવેલ કે મોટાભાગની ખાનગી જમીન રાજકોટ તાલુકા હેઠળની છે, અને સંપાદન કરવાનું કામ રાજકોટ રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશને સોંપાયું છે, તેઓ દ્વારા કાર્યવાહી થઇ રહી છે, તેમના દ્વારા વાંધા-દાવા-સુનાવણી પૂર્ણ થયા બાદ જાહેરનામું બહાર પડાશે, અને બાદમાં વેલ્યુએશન કરી વળતર ચુકવી જમીન સંપાદિત કરી રેલ્વેને સોંપી દેવાશે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટ તાલુકાના હડમતીયા, બેડી, ગૌરદડ, ખોરાણા, રાજગઢના કુલ ૩૦ જેટલા ખાનગી સર્વેની આ જમીનો આવે છે, આ જમીન સંપાદિત કરવાનું કામ હાલ પ્રાથમીક તબકકામાં છે. જે પૂર્ણ થયે વેલ્યુશન ફાઇનલ થશે.

સાધનોએ ઉમેર્યું હતું કે રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે એક ટ્રેક તો છે, બીજા ટ્રેક માટે જમીન સંપાદિત કરવાની છે, તથા અમુક લેવલે તો વર્ષોથી રેલ્વે દ્વારા જમીન સંપાદિત કરી પણ લીધી છે, પરંતુ આ ડબલ ટ્રેક કામગીરી ઝડપી બનાવવા ગઇકાલે મુખ્યમંત્રીએ સંબંધિત તમામ અધિકારીઓને સુચના આપી હતી.

(3:54 pm IST)