Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઇવનીંગ પોષ્ટમાં રવિવારે 'એક શામ મુકેશ લતા કે નામ'

સુનિલભાઇ પંજવાણી અને હંસાબેન ગજજર નવા જુના ગીતો રજુ કરી શ્રોતાઓને ડોલાવશે

રાજકોટ તા. ૨૯ : સીનીયર સીટીઝન ઇવનીંગ પોષ્ટ પાર્ક ખાતે આગામી તા.૧ ના રવિવારે 'એક શામ મુકેશ લતા કે નામ'  નું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કમલેશભાઇ ભારદીયા અને નવનીતભાઇ હિંડોચાએ જણાવેલ કે સરગમ કલબ સંચાલિત ઇવનીંગ પોષ્ટ ખાતે જાહેર જનતા માટે તા. ૧ ના રવિવારે સાંજે પ.૩૦ વાગ્યે 'એક શામ મુકેશ લતા કે નામ' લાઇવ સંગીત સંધ્યાનું આયોજન કરાયુ છે.

આમ તો આ સ્થળે જુના નવા ફિલ્મી ગીતો કરાઓકે સાથે પડદાપર ચલચિત્ર સાથે ઓરીજનલ સમકક્ષ સંગીત તથા હાઇફાઇ ડીઝીટલ સાઉન્ડ અને લાઇટસ સાથે રજુ થાય છે.

ત્યારે રવિવારની સંધ્યાને સલુણી બનાવવા ખુબ જાણીતા સીંગર સુનિલભાઇ પંજવાણી વોઇસ ઓફ મુકેશને નિમંત્રિત કરાયા છે. જેઓ અત્યાર સુધીમાં ૨૦૦૦ થી વધુ સ્ટેજ પ્રોગ્રામ કરી ચુકયા છે. લગભગ ૪૦ વર્ષની ગાયન ક્ષેત્રે છે. નૌશાદજી, ઓ.પી.નૈયર, કલયાણજી આણંદજી, મન્નાડે, ઉષા, ઉત્થુપ, શારદાજી, અમિતકુમાર, સોનુ નિગમ, કવિતા કૃષ્ણમુર્તિ, સધાના સરગમ તથા અન્ય નામાંકિતો સાથે પરફોર્મ કરી ચુકયા છે.

એજ રીતે આ પ્રોગ્રામમાં હંસાબેન ગજજર કે જે વોઇસ ઓફ લતાજી તરીકે જાણીતા છે તે ચુનંદા કર્ણપ્રિય ગીતો રજુ કરશે. સમગ્ર આયોજન જાણીતા સીંગર કમલેશ ભારદીયા (મો.૯૮૨૪૨ ૧૪૪૮૬), ફ્રેન્ડઝ મ્યુઝીકલ ગ્રુપના શ્રીમતી નીલાબેન હિંડોચા, નવનીતભાઇ હિંડોચા (નિવૃત ઇન્કમટેક્ષ, મો.૯૭૨૬૧ ૯૯૭૯૯), સુરેશભાઇ મારૂ (નિવૃત્ત પોલીસ ઓફીસર), શ્રીમતી જીજ્ઞાશાબેન ગજજર, સુરેશભાઇ વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુણવંતભાઇ ડેલાવાળા પ્રમુખ સરગમ કલબ, રાજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ ઇવનીંગ પોષ્ટ તેમજ ઇવનીંગ પોષ્ટના અન્ય હોદેદારો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં પ્રવેશ વિનામુલ્યે છે. રસ ધરાવતાઓએ આ માટેના પાસ ગેઇટ ઉપરથી મેળવી લેવાના રહેશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કમલેશભાઇ ભારદીયા અને નવનીતભાઇ હિંડોચા નજરે પડે છે.

(3:47 pm IST)