Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

૮ વાહનચોરીનો ભેદ ઉકેલતી એ-ડિવીઝન પોલીસઃ આજી જીઆઇડીસીના તપેન્દ્ર દરજીને પકડી લીધો

એસટી બસ સ્ટેશનમાંથી એક બાઇક સાથે પકડાયા બાદ વિશેષ પુછતાછમાં પ્ર.નગર, થોરાળા, ભકિતનગર, તાલુકા પોલીસ મથકની ચોરીઓ કબુલીઃ અમુક વાહનોના આગલા વ્હીલ સહિતના પાર્ટ કાઢી વેંચી નાંખ્યા : પીઆઇ એન. કે. જાડેજાની ટીમના પીએસઆઇ પી. પી. ચાવડા, જયપાલસિંહ, હરદેવસિંહ, રાહુલભાઇ અને હરપાલસિંહની બાતમી

રાજકોટ તા. ૨૯: શહેરમાં અલગ-અલગ જગ્યાએથી ૮ બાઇકની ચોરી કરી અમુકમાંથી વ્હીલ સહિતના પાર્ટ કાઢી વેંચી નાંખનારા આજી જીઆઇડીસીમાં રહેતાં દરજી શખ્સ તપેન્દ્ર હિમતભાઇ પરિયારને એ-ડિવીઝન પોલીસે પકડી લઇ વાહનો કબ્જે લીધા છે. આ શખ્સ અગાઉ પણ વાહનચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયાનું ખુલ્યું છે.

એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એસટી બસ સ્ટેશનમાં બાઇક સાથે ઉભેલા શખ્સ પાસે જે બાઇક છે તે ચોરાવ છે. તેના આધારે તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ તપેન્દ્ર પરિયાર દરજી જણાવ્યું હતું. તેની પાસેના બાઇક અંગે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ આ બાઇક ચોરી કર્યાનું કબુલ્યું હતું. વધુ પુછતાછ થતાં તેણે કેટલાક સમય દરમિયાન એ-ડિવીઝન પોલીસ મથક, પ્ર.નગર, થોરાળા, ભકિતનગર અને તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાંથી કુલ આઠ બાઇકની ચોરી કર્યાનું કબુલ્યું હતું.

આ પૈકીના અમુક બાઇકમાંથી તેણે આગલા વ્હીલ કાઢી વ્હીલ વેંચી દઇ મોજશોખમાં પૈસા વાપર્યાનું કબુલ્યું હતું. પોલીસે તેની પાસેથી આઠ બાઇક કબ્જે કર્યા છે. મોજશોખ માટે તે ચોરીઓ કરવાની ટેવ ધરાવે છે. અગાઉ પણ આવા ગુનામાં પકડાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના હેઠળ પી.આઇ. એન. કે. જાડેજાની ટીમના પીએસઆઇ પી. પી. ચાવડા, જયપાલસિંહ હરદેવસિંહ, રાહુલભાઇ, હરપાલસિંહ જયુભા અને નિરવભાઇ ખિમાણીની ટીમે આ કામગીરી કરી હતી. એસટી ચોકીના પી.પી. ચાવડા અને સ્ટાફ વિશેષ તપાસ કરે છે.

(3:36 pm IST)