Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રવિવારે વિશ્વ એઇડસ દિવસઃ રાજકોટમાં રાજયકક્ષાના કાર્યક્રમોઃ કોર્પોરેશનથી ચૌધરી હાઇસ્કુલ સુધી જનજાગૃતી રેલી

પત્રકાર પરીષદમાં વિગતો અપાઇઃ સિગ્નેચર કેમ્પેઇનઃ ગુજરાતની ૩૩ સંસ્થા-સેન્ટરોને સન્માનીત કરાશે : મેયર-સાંસદ ઉપસ્થિત રહેશેઃ દરેક જીલ્લામાં રેલી-પોસ્ટર પ્રદર્શન-રેડ રીબીન કેમ્પેનનું પણ આયોજન : રાજકોટ શહેર જીલ્લામાં પ૩૦૦ સહિત રાજયમાં હાલ ૬૦ હજારથી વધુ દર્દીઓ દર મહિને જીલ્લામાં ૧પ નવા ઉમેરાતા હોવાનું અનુમાન

૧ લી ડીસેમ્બરે રાજકોટમાં વિશ્વ એઇડસ દિન સંદર્ભે રાજયકક્ષાના યોજાનાર કાર્યક્રમ અંગે પત્રકાર પરીષદમાં માહીતી અપાઇ હતી.

રાજકોટ તા. ર૯ :.. સમગ્ર વિશ્વમાં ૧લી ડીસેમ્બરના રોજ 'વિશ્વ એઇડસ દિવસ' નિમિતે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત રાજયમાં પણ રાજયકક્ષાના કાર્યક્રમનું આયોજન રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. આ વર્ષે એઇડસ દિવસની થીમ (સામુદાયિક ભાગીદારી બદલાવ લાવશે.) રખાઇ હોવાનું પત્રકાર પરીષદમાં રાજકોટ ડીસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચઆઇવી સંસ્થાના શ્રી મહેન્દ્રભાઇ દવેએ જણાવ્યું હતું.

ગુજરાત સ્ટેટ એઇડસ કન્ટ્રોલ સોસાયટી (જીસેકસ), આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીગ વિથ એચ. આઇ. વી., એઇડસ (જીએસએનપી) ના સહયોગથી ડીસ્ટ્રીકટ એઇડસ પ્રિવેન્શન કંટ્રોલ (ડીએપીસીયુ) રાજકોટ તથા સ્થાનીક ટી. આઇ. સંસ્થાઓના સંયુકત ઉપક્રમે રાજકોટ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ. આઇ. વી. એઇડસ દ્વારા વિશ્વ એઇડસ દિવસ ર૦૧૯ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.

શ્રી અશ્વિનભાઇ મોલિયા (કાર્યકારી મેયર રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન) ની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ અંતર્ગત ૧ રવિવારના રોજ ૮ કલાકે જનજાગૃતિ રેલી (રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનથી પ્રારંભ થઇને ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે સમાપન' થશે. સમાપન સ્થળે સિગ્નેચર કેમ્પેઇન, જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થનાર છે. મુખ્ય સમારોહ કાર્યક્રમ ૧૦.૩૦ કલાકે ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે આયોજીત થયેલ છે. મહાનુભાવો દ્વારા ગુજરાતના ૩૩ સેન્ટરોને - સંસ્થાઓને ગત વર્ષે એચ. આઇ. વી. ક્ષેત્રે જિલ્લામાં સારી કામગીરી માટે એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

ગુજરાત સ્ટેટ એઇડસ કન્ટ્રોલ સોસાયટી (જીસેકસ), માર્ગદર્શન હેઠળ રાજયના અન્ય જિલ્લાઓમાં જી. એસ. એન. પી. ના જીલ્લા સ્તરીય સંગઠન દ્વારા સ્થાનીક સ્તરે લોકજાગૃતિ કાર્યક્રમો આયોજીત થનાર છે. જેમાં રેલી, પોસ્ટર પ્રદર્શન, એચ. આઇ. વી. સાથે જીવતા લોકો સાથે મીટીંગ, હિમાયત મીટીંગ, રેડ રીબીન કેમ્પેન, કારખાનાનાં કામદારો, તરૂણ વિદ્યાર્થીઓ અને કોલેજના યુવાનો સાથે જાગૃતિ કાર્યક્રમો વિશેષ રહેશે.

અત્રે એ નોંધનીય છે કે રાજયમાં ૩૩૩૮૬ -પુરૂષ તથા રર૮૯૬ સ્ત્રી અને ૩૬૭પ -બાળકો સહિત કુલ ૬૦૧૦પ એઇડસથી પીડીત દર્દીઓ છે, જયારે રાજકોટ શહેર - જીલ્લામાં ૩ર૯૦ -પુરૂષ, ૧૭૭૩ -સ્ત્રી, અને ૩૩ર-બાળકો સહિત કુલ પ૩૯૯ દર્દીઓને એઇડસ હોવાનું જાહેર કરાયું છે.

એ જાણવુ જરૂરી છે કે, દરમિહને રાજકોટ શહેર - જીલ્લામાં ૧પ આસપાસ નવા દર્દીઓ એઇડસ અંગે ડીટેકટ થાય છે, જો કે, આમાં મતમતાંતર એવો છે કે આ દર્દીને કયારે એઇડસ થયો, અથવા તો બીજા જીલ્લાના પણ હોય શકે છે, હાલ સીવીલ હોસ્પીટલ સહિત તમામ જીલ્લાની હોસ્પીટલમાં એઇડસ અંગે દવા પુરતી છે, અને તે લાઇફ ટાઇમ લેવી પડે છે, પત્રકાર પરીષદમાં જગદીશભાઇ પટેલ, રાજેશ કાલાવડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આરડીએનપી પ્લસ સંસ્થા પરીચય

રાજકોટઃ આર.ડી.એન.પી. પ્લસ (રાજકોટ ડીસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઇવી એઇડસ સંગઠનની સ્થાપના ૩ જી માર્ચ ર૦૦પના રોજ એચઆઇવી પોઝીટીવ લોકો દ્વારા રાજકોટ જીલ્લામાં એચઆઇવી સાથે જીવતા લોકોના લાભાર્થે કરવામાં આવી. રાજકોટ જીલ્લામાં એચઆઇવી સાથે જીવતા પપ૦૦ થી વધુ લાભાર્થીઓનો અવાજ અને ચહેરો બની કાર્યરત છે. આર.ડી.એન.પી.પ્લસ એ એચ.આઇ.વી. પોઝીટીવ લોકો દ્વારા, લોકો માટે, લોકોનું સામુદાયીક સ્વયંસેવી સ્વૈચછીક સંગઠન છે. વિશવ એઇડસ દિવસ ર૦૧૯ની રાજયકક્ષાની વિશ્વ એઇડસ દિવસ-ર૦૧૯ની રાજયકક્ષાની ઉજવણીના આ વર્ષે રાજકોટ જીલ્લા ખાતે રાખવામાં આવેલ છે જેના ભાગ રૂપે સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સંસ્થાની ઓફીસ ખાતે એક એચઆઇવી એઇડસના મુદાને ધ્યાને રાખીને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેરની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ડ્રોઇંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ ચિત્ર દ્વારા પોતાના વિચારો એચઆઇવી એઇડસ રોગથામ, નિદાન અટકાયત તેમજ તેમાં આપણી ભાગીદારી આ તમામ મુદાને ઉજાગર કરતા સુંદર ચિત્રો દોરવામાં આવેલ. આ ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ વિદ્યાર્થીઓને ૧ લી ડીસેમ્બરે રાજયકક્ષાના કાર્યક્રમમાં પ્રોત્સાહન ઇનામ તથા સર્ટીફીકેટ આપવામાં આવશે. જયારે અન્ય તમામ ભાગ લેનાર  સ્પર્ધકને આશ્વાસન ઇનામ આપવામાં આવશે.

(3:34 pm IST)