Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વેપારીનું અપહરણ કરી ૩૦ લાખની ખંડણી માંગવાના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી રદ

રાજકોટ તા.૨૯: અપહરણ અને ૩૦ લાખની ખંડણી માંગવાના ગુન્હા સબબ પકડાયેલા આરોપીઓની જામીન  અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામે આરોપીઓ (૧) રમીજ સલીમ સેતા રે.જંગલેશ્વર રાજકોટ, (૨)અક્રમ હારૂન નારેજા રે. જંગલેશ્વર રાજકોટ (૩) સાજીદ સીદીક સૈયદ રે.ભાવનગર (૪)સીકંદર ઉ ર્ફે બાપુ રહે. જુનાગઢ (૫)ફેઝલ ઉર્ફે પાવલી હુસેનભાઇ પરમાર રહે.જસદણ (૬)વસીમ ઇકબાલ કથીરી રહે. જસદણ (૭)ઉદીતભાઇ શૈલેષભાઇ બાવળીયા રે.જસદણ દ્વારા ભંગારના વેપારી અસ્તાફ હુસેન માસુમઅલી નાથાણી ધંધો. લોખંડ ભંગારને વ્યવસાય રે.દેવબાગ ભાવનગરવાળાનુ અપહરણ કરી ખંડણી માંગવાનુ કાવતરૂ ઘડેલ અને તા.૧૫-૧૦-૧૯ ના રોજ ભોગબનનાર અલ્તાફહુસેન માસુમઅલી નાથાણી કે જેઓ અમદાવાદ મુકામે તેમના પુત્રને મળવા ગયેલ ત્યારે તમામ આરોપીઓ ભોગબનનાર આલીશાન મસ્જિદ મકરબા જુહાપુરા ખાતે  થી ગાડીમા અપહરણ કરી જસદણ પાસે પાંચ ટોબરા ડુંગર વિસ્તાર મુકામે લઇ આવેલ અને ત્યા રૂપિયા ૩૦ લાખની ખંડણીની માંગણી કરેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી નંબર (૧)રમીજ સલીમ સેતા રે.જંગેલેશ્વર રાજકોટ (૨) અક્રમ હારૂન નારેજા રે.જંગલેશ્વર રાજકોટ (૩) સાજીદ સીદીક સૈયદ રે.ભાવનગર તથા (૭)ઉદીતભાઇ શૈલેષભાઇ બાવળીયા રે.જસદણ વાળાઓએ જામીન ઉપર મુકત થવા જામીન અરજીઓ દાખલ કરેલ હતો.

કોર્ટ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલત દ્વારા એવુ ઠરાવવામાં આવેલ કે આરોપી વસીમ ઇકબાલ કથીરીના ઘરે જસદણ મુકામે આ તમામ આરોપીઓએ ભોગ બનનારનુ અપહરણ કરી ખંડણી માંગવાનુ પૂર્વ આયોજીત કાવતરૂ ઘડી અમદાવાદ મુકામેથી ફોરવ્હીલ ગાડીમા અપઅરણ કરી અને ૩૦ લાખની ખંડણીની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે. આરોપીઓએ સદરહુ ગુન્હાના કાવતરામા મહત્વનો ભાગ ભજવેલ હોય આરોપીઓ સામે પ્રથમ દર્શનીય પૂરતો પૂરાવો હોવાની હીકતો જણાઇ આવે છે. ગુન્હો ગંભીર પ્રકારનો હોવાનુ તેમજ મુખ્ય સૂત્રધાર વસીમ ઇકબાલ કથીરી તથા સહ આરોપી સીકંદર ઉર્ફે બાપુ રહે.જુનાગઢ વાળાઓને હજુ પકડવાના બાકી છે. આવા સંજોગોમાં જો આરોપીઓને જામીન મુકત કરવામાં આવે તો સાહેદો તથા પૂરાવા સાથે ચેડા થવાની સંભાવના છે તેમજ આવા પ્રકારના ગુન્હાઓને પ્રોત્સાહન મળે તેમ છે. જેથી આરોપીએ જામીન અરજીઓ નામંજુર રદ કરવાનો હુકમ કરેલ. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી બીનલબેન રવેસીયા તથા શ્રી અનિલ એસ.ગોગીયા એ રજુઆત કરેલ.

(3:34 pm IST)