Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

અમદાવાદના સોની વેપારીને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા અને ર કરોડ ૧૫ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૨૯: બે કરોડથી પણ વધુ રકમનો ચેક રીટર્નના કેસમાં અમદાવાદ મુકામે પરિષ્કર-૨, ખોખરા સર્કલ પાસે આવેલ મેસર્સ તુષાર જવેલર્સના માલીક તુષાર રાજેન્દ્રપ્રસાદ જોષીને અદાલતે એક વર્ષની સજા અને ર કરોડ ૧૫ લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત  એવી છે કે, રાજકોટના જાણીતા વેપારી ડી.એમ.જવેલર્સના માલીક જયેશ ધીરજલાલ રાણપરાએ અમદાવાદ મુકામે આવેલ મેસર્સ તુષાર જવેલર્સના માલીક તુષાર રાજેન્દ્રભાઇ જોષીને તેઓની માંગણી મુજબ અલગ અલગ સમયે ૧૪૨૮ ગ્રામ કે જેની કંમત રૂ.૨,૧૮,૮૯,૫૬૦નો સોનાને માલ મોકલેલ હતા જે લેણી રકમ પેટે તુષાર રાજેન્દ્રભાઇ જોષીએ મેસર્સ તુષાર જવેલર્સના માલીક દરજજે ધંધાકીય વ્યવહારપેટે રૂ.૨,૧૫,૦૦,૦૦૦નો ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતાં ફરીયાદીએ જયુડી.મેજી.કોર્ટ, રાજકોટમાં સને-૨૦૧૮ ની સાલમાં ફરીયાદ તેમના એડવોકેટ મારફત કરેલ હતી.

 આ ફરીયાદના અનુસંધાને આરોપી કોર્ટમાં હાજર થઇ સમાધાનના વિવિધ બહાનાઓ તળે અવારનવાર મુદતો લઇ સમાધાનપેટે ફરીથી ચેકો આપેલ હતા જે ચેકો પણ પરત આવેલ હતા અને આરોપી પણ કોર્ટની અંદર સતત ગેરહાજર રહેતા હતા. આ સમય દરમિયાન અદાલતે આરોપીની વર્તણુકને ધ્યાને લઇ આગળની કાર્યવાહી ચાલુ રાખતાં ફરીયાદ પક્ષ દ્વારા અલગ અલગ હાઇકોર્ટોના જજમેન્ટો રજુ કરેલ હતા અને કાયદેસરનું વેપારી લેણું છે તે અંગેના પુરાવાઓ રજુ કરતાં મેસર્સ તુષાર જવેલર્સના માલીકને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ફરીયાદીને ચેક મુજબની રકમ રૂ.૨,૧૫,૦૦,૦૦૦ ફરીયાદીને અલગથી વળતરની રકમ ચુકવવાનો હુકમ કરેલ હતો અને જો આરોપી, ફરીયાદીને વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ સજાનો હુકમ કરેલ હતો.

આ કેસમાં મુળ ફરીયાદી તરફે ધારાશાસ્ત્રીઓ કમલેશ એન.શાહ, જીજ્ઞેશ  એન.શાહ, ભરત એચ.સંઘવી, સુરેશ સી.દોશી, નાસીર એચ.હાલા, જતીન એન.પંડ્યા, તુષાર એન.ધ્રોલીયા, ધવલ જે.પડીયા તથા જીગર બી.સંઘવી રોકાયેલા હતા.

(3:33 pm IST)