Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જિલ્લા પંચાયતના વિકાસમાં વહીવટી તંત્ર અડચણરૂપઃ કોકડુ ગુંચવતો 'ગોળગોળ' જવાબ

સામાન્ય સભા બાબતે 'ખો' મળતા અધિકારીઓને નિશાને લેતા અર્જુન ખાટરિયાઃ વિકાસ કમિશનર પાસેથી જવાબ મેળવવાના મુદ્દે સવાલઃ પ્રમુખ ફરી ડી.ડી.ઓ.ને પત્ર લખશે

રાજકોટ તા.ર૯ : જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ સમર્પિત બાગીઓની સામસામી લડાઇ ચાલી રહી છે. તેમાં વધારામાં વહીવટી તંત્ર પણ વિવાદમાં ઢસડાયુ છે. સામાન્ય સભા બોલાવવા બાબતે પ્રમુખે લખેલા પત્રના જવાબમાં જિલ્લા વિકાસ અધિકારીએ મોકલેલ પત્રને શાસક જુથના અગ્રણી અર્જુન ખાટરિયાએ ગોળગોળ ગણાવી વહીવટી તંત્ર પંચાયતના વિકાસમાં અડચણરૂપ બની રહ્યાનો આક્ષેપ કર્યો છે.

પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સામે ભાજપે મૂકેલી અવિશ્વાસ દરખાસ્તના ફેસલા માટેની સામાન્ય સભા સામે ચંદુભાઇ શીંગાળાએ સ્ટે.મેળવ્યો છે. આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી માટે ૭ જાન્યુઆરી નકકી થઇ છે. દરમિયાન પંચાયત સિંચાઇ-સહકાર તથા મહિલા બાળ કલ્યાણ સમિતિની મુદત પૂરી થઇ જતા પ્રમુખે અલ્પાબેન ખાટરિયાએ રાબેતા મુજબની સામાન્ય સભા બોલાવવા અંગે માર્ગદર્શન માંગતો પત્ર ડી.ડી.ઓ.ને લખેલ ડી.ડી.ઓએ આ પ્રશ્ને વિકાસ કમિશનરનું માર્ગદર્શન માંગેલ લાંબા સમયથી વિકાસ કમિશનર તરફથી જવાબ ન આવતા ડી.ડી.ઓ.એ પ્રમુખને પોતાની રીતે કાનૂની માર્ગદર્શન મેળવી આગળ વધવાના મતલબનો લેખિત જવાબ આપી દીધો છે. હાલના સંજોગોમાં અવિશ્વાસ દરખાસ્ત સિવાઇના મુદ્દે સામાન્ય સભા યોજી શકાય કે નહિ ? તે પ્રશ્ન અનુતર જ રહ્યો છે.

આજે અર્જુન ખાટરિયાએ અકિલાને જણાવેલ કે અમે સ્પષ્ટ અભિપ્રાય માંગ્યો હોવા છતા ડી.ડી.ઓએ 'ગોળગોળ' જવાબ આપી કાનૂની માર્ગદર્શન મેળવવાની જવાબદારી અમારા પર ઢોળી છે. અવિશ્વાસ દરખાસ્ત રજુ થઇ તે વખતે વિકાસ કમિશનરનું તાત્કાલિક માર્ગદર્શન મેળવી શકતુ વહીવટી તંત્ર અત્યારે કેમ વિકાસ કમિશનર પાસેથી સમયસર જવાબ મેળવી શકતુ નથી? વહીવટી તંત્રનું ભેદભાવભર્યું વલણ વિકાસમાં અડચણરૂપ છે. વહીવટી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહિ આ અંગે અમે ફરી ડી.ડી.ઓ.ને. પત્ર લખશું.

(1:09 pm IST)