Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બેડીનાકાના ભરવાડ જગુભાઇ બાંભવા વોકિંગમાં નીકળ્યા ને હૃદય બેસી ગયું

બેભાન હાલતમાં મવડીની સોમનાથ સોસાયટીના કુંભાર તુલસીભાઇ ચિત્રોડા અને થોરાળાના ઇશ્વરલાલ રાઠોડે દમ તોડ્યો

રાજકોટ તા. ૨૯: અલગ-અલગ જગ્યાએ ચાર બનાવમાં બેભાન થઇ જતાં  બે આધેડ અને એક વૃધ્ધ તથા એક પરિણિતાના મોત નિપજ્યા હતાં. બેડીપરામાં રહેતાં જગુભાઇ કડવાભાઇ બાંભવા (ઉ.વ.૪૫) નામના ભરવાડ આધેડ રાતે વોકીંગ કરવા નીકળ્યા હોઇ બેડીનાકા પાસે હાર્ટએટેક આવીજતાં બેભાન થઇ પડી ગયા હતાં. બનાવની જાણ થતાં એ-ડિવીઝનના એએસઆઇ ડી. બી. ખેર સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જગાભાઇ (જગુભાઇ) ફ્રુટનો ધંધો કરતાં હતાં. તેઓ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને સંતાનમાં બે પુત્ર તથા ત્રણ પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં મવડી ચોકડી પાસે સોમનાથ સોસાયટી-૨માં રહેતાં તુલસીભાઇ વશરામભાઇ ચિત્રોડા (સોરઠીયા પ્રજાપતિ કુંભાર) (ઉ.૪૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતક કડીયા કામ કરતાં હતાં અને બે બહેન તથા ચાર ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ત્રીજા બનાવમાં થોરાળા કુબલીયાપરામાં રહેતાં ઇશ્વરલાલ જીવણલાલ રાઠોડ (ઉ.૬૨) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

ચોથા બનાવમાં સહકાર રોડ પર ઘનશ્યામનગર-૮માં રહેતાં સાધનાબેન રાઘવેન્દ્ર ચોૈહાણ (ઉ.૨૫) ઘરે બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ ગત સાંજે સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં ભકિતનરના હેડકોન્સ. રસિકભાઇ ગઢાદરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:06 pm IST)