Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

દેવનગરમાં કુલદીપ, કરણ અને તેની બહેન શોભના પર ત્રણ શખ્સોનો તલવાર-ધોકાથી હુમલો

સોસાયટીના નાકે બીજા શખ્સો સાથે થયેલા ડખ્ખાનો ખાર રખાયોઃ ઉમંગ, ભુરો અને અજય સામે ફરિયાદ

રાજકોટ તા. ૨૯: નાના મવા રોડ દેવનગર-૩માં રાત્રીના અગિયારેક વાગ્યે  બે કુટુંબી ભાઇ અને એક બહેન પર ત્રણ જેટલા શખ્સોએ સોસાયટીના નાકે કોઇ સાથે ચડભડ થઇ હોઇ તેમાં આ બે ભાઇઓ વચ્ચે પડતાં ખાર રાખી તલવારથી હુમલો કરવામાં આવતાં ત્રણેયને ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

દેવનગર-૩માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં કુલદીપ ખીમજીભાઇ ખરા (ઉ.૨૩), તેના કુટુંબી મામાના દિકરા કરણ દેવશીભાઇ બગડા (ઉ.૨૧) તથા મામાની દિકરી શોભના રામજીભાઇ બગડા (ઉ.૧૯) રાતે અગિયારેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે ઉમંગ સોલંકી, ભુરો ઉર્ફ મહાવીર અને અજયએ તલવાર-લાકડી સાથે ધસી આવી હુમલો કરી ત્રણેયને ઇજા કરી હતી. તેમજ ઢીકા-પાટુનો માર પણ મારતાં સારવાર માટે સિવિલ હોસિપટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢકે હોસ્પિટલે પહોંચી કરણ બગડાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. કરણે ફરિયાદમાં જણાવ્યું છે કે સોસાયટીના નાકે ઉમંગ સહિતના શખ્સોને કોઇની સાથે ઝઘડો થયો હતો. તેમાં પોતે અને કુલદીપ વચ્ચે પડ્યા હોઇ તે બાબતનો ખાર રાખી ઉમંગ સહિતના શખ્સો ધોકા-તલવાર સાથે ધસી આવ્યા હતાં અને હુમલો કરી ભાગી ગયા હતાં.

(1:06 pm IST)