Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

છોટુનગર ઝૂપડપટ્ટીમાં ઓસરીમાં ખાડા ખોદી સંઘરી રખાયેલો દારૂ અને આથો શોધી કઢાયો

૪૭૭૦ના મુદ્દામાલ સાથે મણી અને વનિતાની ધરપકડઃ નવનિયુકત પી.આઇ. કે. એ. વાળા અને ટીમની દારૂના ધંધાર્થીઓ પર ધોંસ

રાજકોટઃ દારૂના ધંધાર્થીઓ પોલીસથી બચવા અનેક નુસ્ખા અપનાવતા હોય છે, આમ છતાં પોલીસની ઝપટે આવી જાય છે. રૈયા રોડ છોટુનગર ઝૂપડપટ્ટીમાં ગાંધીગ્રામ પોલીસ મથકના નવનિયુકત પીઆઇ કે. એ. વાળા અને ટીમે સાંજે દરોડો પાડી બે મહિલા મણી દામજીભાઇ વાજેલીયા (ઉ.૪૫) તથા વનિતા રવિ વાજેલીયા (ઉ.૨૦)ને રૂ. ૭૦૦ના દેશી દારૂના આથા, ૭ કેરબા અને રૂ. ૪૦૦૦ના ૨૦૦ લિટર દારૂ મળી રૂ. ૪૭૭૦ના મુદ્દામાલ સાથે પકડી લીધી હતી.

નવી વાત એ છે કે આ મહિલા બુટલેગરોએ પોતાના ઝૂપડાની ઓસરીમાં ખાડા ખોદી તેની અંદર દારૂ અને આથાના નાના કેરબા છુપાવી રાખ્યા હતાં અને ઉપર કોથળા પાથરી માથે રેતીના નાના નાના ઢગલા કરી દીધા હતાં. જેથી બહારથી પોલીસ આવી તપાસ કરે તો રેતીના ઢગલા જોઇ જતી રહે. જો કે બંને આ રીતે દારૂ-આથો સંઘરતી હોવાની બાતમી કોન્સ. ગોપાલ પાટીલ અને દિગ્વીજયસિંહ ગોહિલને મળતાં પી.આઇ. કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, સંતોષભાઇ મોરી, શૈલેષભાઇ કગથરા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ, હિતેન્દ્રસિંહ ઝાલા અને અમીનભાઇ કરગથરાએ દરોડો પાડ્યો હતો. તસ્વીરમાં પોલીસની ટીમ અને ખાડા અંદર છૂપાવેલો આથો જોઇ શકાય છે.

(1:04 pm IST)