Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

થોરાળા રોડ પર 'હિટ એન્ડ રન': નિવૃત એસટી કંડકટર મુકેશભાઇ સોલંકીનું મોત

કેસરી પુલની દૂકાનેથી ઘરે જતા'તા ત્યારે કારનો ચાલક બાઇકને ઉલાળીને ભાગી ગયોઃ વણકર પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૯: નવા થોરાળા મેઇન રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં વિજયનગરમાં રહેતાં એસટીના નિવૃત કંડકટર વણકર વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ થોરાળાના વિજયનગરમાં રહેતાં મુકેશભાઇ દેવશીભાઇ સોલંકી (ઉ.૬૯) નામના વણકર વૃધ્ધ રાત્રે કેસરી પુલ પર આવેલી પોતાના પુત્રની મોબાઇલ રિચાર્જની દૂકાનેથી બાઇક હંકારી   ઘરે જતાં હતાં ત્યારે રાતે અગિયારેક વાગ્યે થોરાળા મેઇન રોડ પર કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં એએસઆઇ ગોકુળભાઇ વસાણી સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મુકેશભાઇ સોલંકી  ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. મુકેશભાઇ અગાઉ એસટીમાં કંડકટર હતાં. હાલમાં નિવૃત જીવન જીવતા હોઇ દિકરા સાથે દૂકાને સમય પસાર કરવા જતાં હતાં. રાત્રીના દૂકાનેથી ઘરે જતી વખતે રસ્તામાં કાળ ભેટી જતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:50 am IST)