Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રૂડા નવી ઓફીસ બનાવશેઃ ૧૧ માસના કરાર ઉપર ઇજનેરો-રીટાયર્ડ મામલતદાર-નાયબ મામલતદારની ભરતી

ચેરમેન ઉદીત અગ્રવાલે આપેલી વિગતોઃ રૂડા ૩ નવા પાર્ટી પ્લોટ બનાવી ભાડે આપશે... : ADB ૪ર૯ કરોડની લોનના પ્રથમ હપ્તામાંથી રૂડાના (પર) માંથી ર૪ ગામોને પીવાના પાણીની યોજના : રૂડા નવો એસ્ટેટ વિભાગ શરૂ કરી ખુલ્લા પ્લોટની જાળવણીની કાર્યવાહી કરશે...

રાજકોટ તા. ર૮ : રૂડાના ચેરમેન અને મ્યુ.કમીશ્નર શ્રી ઉદીત અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે રૂડા નવી અદ્યતન બહુમાળી ઓફીસ બનાવવા જઇ રહ્યું છે, હાલશ્રોફ રોડ ઉપર ૭ માળની કચેરીમાં રૂડા બેસે છે, પરંતુ રૂડા પાસે માત્ર ૪ માળ જ છે, સાતમાં માળે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા, ગ્રાઉન્ડ ફલોર ઉપર પાણી પૂરવઠાની લેબોરેટરી, છઠ્ઠા માળે પાણી પૂરવઠા અને ટાઉન પ્લાનીંગ કચેરી છે, આથી રૂડા પાસે પોતાના સ્ટાફ માટે પૂરતી જગ્યા ન હોય અને ટુંક સમયમાં ટેકનીકલ અને નોન ટેકનીકલ ર૭ જગ્યા માટે ૧૧ માસના કરાર માટે ભરતી કરવાની હોય સ્પેસ બહુ ઓછી હોય રૂડા હવે સ્થળ નિરિક્ષણ કરી પોતાની નવી ઓફીસ બનાવશે.

તેમણે ર૭ જગ્યા અંગે કહ્યું કે, આ માટે ૧૬ર અરજી આવી છે. જેમાં સીવીલ ઇજનેર-ર,મીકેનીકલ ઇજનેર-ર, ઇલેકટ્રીક ઇજનેર-ર, અને આ તમામના એક એક આસિ.ઇજનેર સહિત કુલ ૯ ઇજનેર, બે રીટાયર્ડ મામલતદાર, અને ૩ ડે.મામલતદાર અને અન્યો ૧૧ માસના કરાર ઉપર ફરજ ઉપર લેવાશે.

તેમણે જણાવેલ કે, રૂડા નવો એસ્ટેટ વિભાગ શરૂ કરવા જઇ રહ્યું છે, આ વિભાગનો સ્ટાફ રૂડાના તમામ ખૂલ્લા પ્લોટની જાળવણી કરશે.

તે ઉપરાંત રૂડા કાલાવાડ રોડ ઉપર ૩ હજાર ચો.મી.ના નવા પાર્ટી પ્લોટ બનાવશે, જેની બાઉન્ડ્રી-સ્ટેજ ઉભા કરી ભાડે દેવાશે, અને આર્થિક આવક વધારાશે.

તેમણે મહત્વની વિગતો આપતા જણાવેલ કે, રૂડાના (પર) ગામોની પીવાના પાણીની યોજના અને અન્ય વિકાસ કામો અંગે એશીયન ડેવલપમેન્ટ બેન્કની જે ૪ર૯ કરોડની લોન મંજૂર થઇ છે, તેનો પ્રથમ ફેઝ મળી જતા પ્રથમ તબકકે રૂડાના ર૪ ગામોને પીવાના પાણીની યોજનાનું કામ શરૂ કરી દેવાયું છે, તેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થઇ છે, ટેકનીકલ બીડ પૂર્ણ થયા બાદ હવે ફાયનાન્સિયલ બીડ ખોલાશે, અને પર ગામોના વિકાસ માટે અલગથી ટેકનીકલ સ્ટાફ-પેટા સ્ટાફ અંગે પણ કાર્યવાહી થશે.

(3:26 pm IST)