Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રૂ.૧ લાખ પ૭ હજારનો ચેક પાછો ફરતા મહાકાળી એગ્રોના માલીક સામે ફરીયાદ

રાજકોટ, તા. ર૯ : રાજકોટ શહેરમાં ધવલભાઇ નરભેરામભાઇ ગોપાણી એગ્રી ઇન્ડીયા કોર્પોરેશનના નામથી પ્લોટ નં. ૯, આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન-૬, મુ. કુચીયાદડ મુકામે જંતુનાશક દવાનું ફોર્મ્યુલેશન કરી હોલસેલમાં વેચાણ કરતા હોય અને તહોમતદાર મહાકાળી એગ્રોના પ્રોપરાઇટર દરજ્જે ચંદુભાઇ આર. કણજારીયા, મુ. સાપકડા, તા. હળવદ, જી. સુરેન્દ્રનગર મુકામે જંતુનાશક દવા રીટેઇલમાં વેચાણ કરવાનો ધંધો કરતા હોય અને તહોમતદારે ફરીયાદી પાસેથી તા. ૧-૪-ર૦૧૭ના રોજ જંતુનાશક દવાનું વેચાણ કરવાની ડીલરશીપ લીધેલ હોય અને તહોમતદાર ફરીયાદી પાસેથી ૯૦ દિવસની ક્રેડીટ લીમીટમાં જંતુનાશક દવાની ખરીદી કરતા હોય, જે બાદ ફરીયાદીએ તહોમતદાર પાસે ઉધારમાં ખરીદ કરેલ માલની બાકી રહેતી રકમ રૂ. ૧,પ૭,૦૭૯/-ની માંગણી કરતા તહોમતદારે ઉધારમાં ખરીદ કરેલ માલની કાયદેસરની લેણી રકમ સ્વીકારી ફરીયાદીના એગ્રી ઇન્ડીયા જોગ ચેક લખી સુપ્રત કરેલ, જે ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે તહોમતદાર ચંદુભાઇ આર. કણજારીયા સામે અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે તહોમતદાર વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજૂઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, તહોમતદારે ફરીયાદી પાસેથી ઉધારમાં ખરીદ કરેલ માલનું બાકી લેણુ સ્વીકારી તે લેણુ પરત ચૂકવવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઇ તહોમતદારે ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮૧ની કલમ-૧૩૮ હેઠળ ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ નામદાર અદાલતે તહોમતદારને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી એગ્રી ઇન્ડીયા કોર્પોરેશનના માલિક શ્રી ધવલભાઇ નરભેરામભાઇ ગોપાણી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સંજય એન. ઠુંમર રોકાયેલા હતાં.

(4:05 pm IST)