Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ટ્રાફિક જામ હતો તે વખતે કોન્સ્ટેબલ અને ત્રણ વોર્ડન વાતોના ગપાટા મારતા'તાઃ ચારેય સસ્પેન્ડ

ઉચ્ચ અધિકારીઓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા મથી રહ્યા છે, બીજી તરફ અમુક સ્ટાફ બેદરકાર! : ત્રિકોણબાગ પાસે ટ્રાફિક જામ હતો છતાં ચારેય બેધ્યાન રહ્યાઃ જેસીપી સિધ્ધાર્થ ખત્રીનું આકરૂ પગલું

રાજકોટ તા. ૨૯: શહેરની સોૈથી મોટી ટ્રાફિક સમસ્યાનું તબક્કાવાર નિરાકરણ લાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત કાર્યરત છે અને તેમાં સફળતા પણ મેળવી રહ્યા છે ત્યારે બીજી તરફ અમુક નીચેના સ્ટાફને જાણે કામગીરીમાં રસ ન હોય તેવું જણાઇ રહ્યું છે. ગઇકાલે સાંજે પાંચેક વાગ્યે ત્રિકોણબાગ પાસે ટ્રાફિક જામ હતો ત્યારે પોતાનો પોઇન્ટ છોડીને ટ્રાફિક કોન્સ્ટેબલ અને ત્રણ ટ્રાફિક વોર્ડન સાઇડમાં ઉભા રહી મિત્રો સાથે વાતોના ગપાટા મારતાં નજરે ચડતાં જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ આકરી કાર્યવાહી કરી ચારેયને તાકીદની અસરથી ફરજમાં અને માનદ સેવામાં નિષ્કાળજી બદલ સસ્પેન્ડ અને મુકત કરવા હુકમ કર્યો છે.

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવ અને લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરતાં થાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી સતત કાર્યરત છે. આઇ-વે પ્રોજેકટ અંતર્ગત પણ પોલીસ ટ્રાફિક જામના દ્રશ્યો કયાંય હોય તો ચેમ્બરમાં બેઠા-બેઠા નિહાળી શકતાં હોઇ તાકીદે જે તે સ્થળે જરૂર મુજબ વધુ સ્ટાફ મોકલી ટ્રાફિક જામ દૂર કરાય છે. ગત સાંજે જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખત્રીની નજરે ત્રિકોણ બાગ ઢેબર રોડ પોઇન્ટનું એક દ્રશ્ય ચડ્યું હતું. જ્યાં ટ્રાફિક જામ હોવા છતાં ફરજ પરના ટ્રાફિક કોન્સ્ટેબલ અને ત્રણ વોર્ડન પોઇન્ટ છોડી મિત્રો સાથે ગપાટા મારતાં જોવા મળ્યા હતાં. આવી બેદરકારી દાખવનારા ચ આ ચારેયને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. બેદરકારી હવે જરાપણ ચલાવી લેવામાં નહિ આવે તેવું આ કાર્યવાહીને જોતાં સમજાઇ રહ્યું છે.

(3:59 pm IST)