Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

૧લી ફેબ્રુઆરી સુધી શાળા આરોગ્ય તપાસણીઃ ૩.૨૦ લાખ બાળકોની તપાસ થશે

ગંભીર બિમારીવાળા બાળકોને સરકારી ખર્ચે સારવાર અપાશેઃ અભિયાનમાં સહયોગ આપવા મેયર બીનાબેન આચાર્ય-સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ-આરોગ્ય ચેરમેન જયમીનભાઇની વાલીઓને અપીલ

રાજકોટ તા.૨૯: રાજય સરકારનાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧લી ફેબ્રુઆરી સુધી શહેરની આંગણવાડીથી લઇ હાઇસ્કૂલ સહિતની શાળાઓનાં કુલ ૩.૨૦ લાખ બાળકોનાં આરોગ્યની ચકાસણી થનાર છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરની યાદીમાં જણાવાયું છે કે, આ અંતર્ગત આંગણવાડી, શાળાઓ, હાઇસ્કૂલો વગેરે તમામને આવરી લઇ, બાળકો,તરૂણો, કિશોરીઓની આરોગ્ય તપાસ કરી, જરૂર જણાયે પાંડુરોગ, વિટામીન 'એ'ની ઉણપ, ગોઇટર, ચામડીના રોગો, કાનમાં પરૂ, શ્વસનતંત્રના રોગ, દાંતનો સડો, તાણ-આંચકીના રોગ, દ્રષ્ટિની ખામી, સાંભળવામાં તકલીફ, હદય, કીડની, કેન્સર, થેલેસેમીયા મેજર, અન્ય રોગોની સારવાર તથા રેફરલ સેવાઓ આપવામાં આવે છે.

આ વર્ષે આ કાર્યક્રમ હેઠળ તા.૨૪ નવેમ્બરથી લઇને તા. ૧-૧૯ ફેબ્રુઆરી સુધીમાં રાજકોટ શહેરના ૨,૪૭,૩૭૪ બાળકો તથા ૭૨,૮૪૪ કિશોરો મળીને કુલ ૩,૨૦,૨૧૮ની આરોગ્ય તપાસણી કરવામાં આવનાર છે.

આ તપાસણીમાં ૫૦ મેડીકલ ઓફિસરો, ૧૬૧ એ.એન.એમ./જી.એન.એમ., ૨૫ ફાર્માસિસ્ટ, ૨૧ લેબોરેટરી ટેકનીશ્યન, ૧૧,૫૫૧ શિક્ષકો, આઇ.સી.ડી.એસ. વિભાગના મુખ્ય સેવિકાઓ,/ કોઓર્ડીનેટર ૪, આંગણવાડીવર્કર તથા હેલ્પરો ૫૯૧ તથા ૩૫૨ અર્બન આશા વગેરે ભાગ લેશે. જે માટે વોર્ડ દીઠ ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. જે માટે તમામને તાલીમ આપવામાં આવેલ છે.

આ વર્ષે ૮૯૨ પ્રાથમિક શાળાના ૨,૧૭,૫૦૦ બાળકો,તથા ૨૮૩ માધ્યમિક શાળાના ૭૨,૮૪૪ બાળકો, તેમજ ૧૩ મદ્રેસા, ચિલ્ડ્રન હોમ, અનાથ આશ્રમ વગેરેના બાળકોની સંખ્યા ૨,૨૦૭ બાળકોનાં આરોગ્યની ચસકાણી થશે.

આ કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં સોમવારથી શનિવાર સુધી જુદી-જુદી કામગીરી કરાવવામાં આવશે. સોમવારે સાફસફાઇ, પાણીના સ્ત્રોતની ચકાસણી, ઓૈષદ્યીય વૃક્ષારોપણ, તથા પીવાના પાણીના નમુના લેવામાં આવશે. મંગળવારે બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરાવવામાં આવશે. બુધવારે મહામમતા દિવસ દરમ્યાન બાળતંદુરસ્તી હરીફાઇ, તંદુરસ્ત સગર્ભા હરીફાઇ, વાનગી હરીફાઇ, પોૈષ્ટિક વાનગી હરીફાઇ, દાદા-દાદી મીટીંગ નાના-નાની મીટીંગ યોજવામાં આવશે. ગુરૂવારે મેડીકલ ઓફિસરશ્રીઓ દ્વારા આરોગ્ય તપાસ થશે. શુક્રવારેતજજ્ઞ ડોકટરો દ્વારા જરૂર જણાયે ખામીવાળા બાળકોની તબીબી તપાસ કરવામાં આવશે. શનિવારે વોર્ડની એક પ્રાથમિક શાળા તથા હાઇસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.

(3:52 pm IST)