Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સાગરનગરમાં ગૂંડાગીરી કરનારાઓની ખો ભુલાવી દેતી પોલીસ

ગઇકાલે ઝુબેર નામનો શખ્સ રસ્તામાં બાઇક રાખી ઉભો હોઇ જગાભાઇ ઠુંગાએ સાઇડમાં લેવાનું કહેતાં ડખ્ખોઃ નિર્દોષ પબાભાઇ ભરવાડ અને કડુ પહેરીને નીકળેલા નિલેષ દેવીપૂજકને પણ ભરવાડ જ્ઞાાતિનો સમજી તેને પણ માર મારી વિસ્તારમાં ભય ફેલાવી દીધો'ર્તો :આજીડેમ પોલીસે ઝુબેર સમા, જાવેદ અજમેરી, યુવરાજસિંહ જાડેજા અને મુર્તુઝા મિર્ઝાની આગવી ધરપકડ કરી આગવી ઢબે કાયદાનું ભાન કરાવ્યું: ઘણા દિવસો પછી લોકોને પોલીસની આવી કામગીરી જોવા મળતાં ટોળા ઉમટી પડ્યા :ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જાડેજાની રાહબરીમાં આજીડેમ પીઆઇ પી.એન. વાઘેલા અને ટીમે કાયદાનું ભાન કરાવ્યું

જે ચાર શખ્સોને પકડવામાં આવ્યા તેની સાથે પીઆઇ પી. એન. વાઘેલા તથા પીએસઆઇ સિસોદીયા, પીએસઆઇ સોનારા અને ટીમ તથા બપોરે આ ચારેય શખ્સોને સાગરનગર વિસ્તારમાં લઇ જવામાં આવ્યા ત્યારે ચારેયએ લોકોની હાથ જોડી માફી માંગી હતી તે દ્રશ્યો તસ્વીરમાં જોઇ શકાય છે. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જાડેજા, પી.આઇ. પી.એન. વાઘેલા, પી.આઇ. આર. એસ. ઠાકર અને તેમની ટીમો આ કાર્યવાહીમાં જોડાઇ હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: જુના માર્કેટ યાર્ડ પાછળ સાગર નગરમાં ગઇકાલે એક મુસ્લિમ શખ્સ રોડ પર બાઇક રાખીને ઉભો હોઇ તેને ભરવાડ યુવાને સાઇડમાં લેવાનું કહેતાં તેના પર હુમલો કર્યો હતો. એ પછી આ શખ્સે બીજા ત્રણ જણા સાથે મળી જે કડા પહેરીને નીકળે તેને મારકુટ શરૂ કરી હતી. જેમાં એક નિર્દોષ ભરવાડ યુવાન તથા એક દેવીપૂજક યુવાન પણ ઝપટે ચડી ગયા હતાં. આજીડેમ પોલીસેે ગુનો નોંધી તાકીદે ચાર શખ્સને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.  

વિગત એવી છે કે મંછાનગરમાં રહેતાં અને સંત કબીર રોડ પર અગાઉ ચાની હોટેલ ચલાવતાં તેમજ હાલમાં સાગર નગરના ખુણે ગરબી ચોકમાં નવી હોટલનું કામ શરૂ કર્યુ હોઇ ત્યાં જઇ રહેલા જગાભાઇ લખુભાઇ ઠુંગા (ઉ.૪૦) નામના ભરવાડ યુવાન પર ગઇકાલે ઝુબેર તથા સાથેના ત્રણ શખ્સોએ  હુમલો કરી પાઇપ તથા ઢીકા-પાટુનો માર મારી તેમજ ઝુબેરે વાંસામાં છરી ઝીંકી દેતાં સારવાર લેવી પડી હતી. આજીડેમના પીએસઆઇ પી. એમ. સોનારાએ તેની ફરિયાદ નોંધી હતી.

જગાભાઇના કહેવા મુજબ ઝુબેરને ઝીંઝરા લેવા બાબતે કોઇ ભરવાડ શખ્સ સાથે માથાકુટ થઇ હતી. એ લોકો એ ભરવાડ શખ્સને શોધતા હતાં. રસ્તામાં વાહન રાખીને ઉભા હોઇ સાઇડમાં લેવાનું કહેતાં ડખ્ખો કરી હુમલો કર્યો હતો. એ પછી આ શખ્સોએ જે કોઇ કડા પહેરીને નીકળે તેની સાથે ડખ્ખા શરૂ કર્યા હતાં. જેમાં પબાભાઇ ભરવાડ નામના યુવાનને પણ માર માર્યો હતો. એ પછી માલધારી સોસાયટીનો નિલેષ મગનભાઇ વાઘેલા (ઉ.૨૭) નામનો દેવીપૂજક યુવાન કામે જવા નીકળતાં તેણે હાથમાં કડુ પહેર્યુ હોઇ તેને પણ ભરવાડ સમજી લાકડી-પાઇપથી માર માર્યો હતો.

બાદમાં આ વિસ્તારમાં ચારેયએ દેકારો મચાવી રોડ વચ્ચો વચ્ચ પોતાના વાહનો રાખી દઇ જે કોઇ કડા પહરેલા નીકળે તેને ગાળો દેવાનું અને માથાકુટ કરવાનું શરૂ કરી આતંક મચાવ્યો હતો. જેને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બનાવને પગલે વાત વધુ ગંભીર બની જાય તેમ જણાતાં પોલીસના ધાડેધાડા ઉતારાયા હતા. પણ ડખ્ખો કરનારા ચારેય ભાગી ગયા હતાં. રાતભર દોડધામ કરી ચારેયને શોધી કાઢવામાં આવ્યા હતાં.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચના તથા ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, એસીપી ઇસ્ટ પ્રદિપસિંહ જાડેજાની રાહબરી હેઠળ આજીડેમના પી.આઇ. પી.એન. વાઘેલા તથા ટીમના પીએસઆઇ કે. જી. સિસોદીયા, પીએસઆઇ સોનારા, કનકસિંહ, મહિપાલસિંહ, જયદિપસિંહ, શૈલેષભાઇ સહિતની ટીમે રાતભર દોડધામ કરી સવારે ચારેય શખ્સો   ઝુબેર બસીરભાઇ સમા, જાવેદ ઉર્ર્ફ દુરો હનીફભાઇ અજમેરી, યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા અને મુર્તુઝા વહાબભાઇ ર્મિઝા બેગ (રહે. બધા દુધની ડેરી પાસે)ને ઝડપી લીધા હતાં. આજે બપોરે આ ચારેયને તેણે જ્યાં ગઇકાલે ગુંડાગીરી આચરી હતી એ સાગર નગર વિસ્તારમાં લઇ જઇ આગવી ઢબે પુછતાછ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. ચારેયએ હાથ જોડી લોકોની માફી માંગી  હતી.  બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર અને ટીમ પણ હાજર રહી હતી.

(5:05 pm IST)