Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભા.જ.પનાં પાયાના પથ્થર સમા ગુજરાતના પૂર્વ મુખ્યંમત્રી કેશુભાઇ પટેલના દુઃખદ અવાસનથી માર્ગદર્શક ગુમાવ્યા : ઉદયભાઇ કાનગડ

ગાંધીનગર સ્મશાન યાત્રામાં જોડાતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન

રાજકોટ,તા. ૨૯: ગુજરાતના જુની પેઢીના અગ્રિમ હરોળનાં નેતા ભા.જ.પના પાયાનાં પથ્થર સમા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થતાં એક માર્ગદર્શક ગુમાવ્યાનું ઉડા દુઃખની લાગણી સાથે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ જણાવ્યું હતું અને આ લોકપ્રિય નેતાને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, જૂની પેઢીના અગ્રીમ હરોળના રાજકીય આગેવાન શ્રી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન સબબ શ્રધ્ધાંજલિ પાઠવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, શ્રી કેશુભાઈના અવસાનથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રને ખુબ મોટી ખોટ પડી છે. તેઓ જનસંઘના સ્થાપકો પૈકીના એક હતા. તેઓ આર.એસ.એસ.ના ખુબ સક્રિય અને આગેવાન કાર્યકર હતા. સને ૧૯૬૭ થી ૧૯૭૩ સુધી રાજકોટ નગરપાલિકા તથા તા.૧૯/૧૧/૧૯૭૩ થી મહાનગરપાલિકાની રચના થતા નિયુકત કોર્પોરેટર તરીકે કાર્યરત રહ્યા હતા. સને ૧૯૭૭માં તેઓ રાજકોટ ખાતેથી સાંસદ તરીકે ચુંટાયા હતા. તેમજ કાલાવડ, ગોંડલ, તથા વિસાવદર ખાતેથી ૬ ટર્મ સુધી ગુજરાતના ધારાસભ્ય તરીકે ચુંટાઈ ખુબ સારી લોક સેવા કરેલ. તેઓ ફકત તેઓ ફકત ભારતીય જનતા પક્ષના જ આગેવાન નહિ પરંતુ તમામ વર્ગના સર્વમાન્ય આગેવાન તરીકે લોકોના પ્રશ્ને સતત જાગૃત પ્રહરી તરીકે લોકોના પ્રશ્નને વાચા આપી છે. દ્વાદસ જયોતિર્લિંગ પૈકી એક શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન તરીકે સોમનાથ મંદિરના વિકાસ માટે ઉમદા કાર્ય કરેલ છે.

તેઓએ સૌરાષ્ટ્રમાં ગોકૂળગ્રામ યોજના અને મોટી સંખ્યામાં ચેકડેમ બનાવી ગામડાઓના ઉત્થાન માટે કામ કરેલ છે. અંતમાં ઉદયભાઈ જણાવે છે કે, તેમના જવાથી ગુજરાતના રાજકારણમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેઓની સમાજસેવાની વિચારધારા ધ્યાને લઇ સમાજસેવાને આગળ વધારવી તેજ તેઓને સાચી શ્રધ્ધાંજલિ ગણાશે.નોંધનિય છે કે ઉદયભાઇ આ દુઃખદ સમાચાર સાંભળીને તુરત જ સદ્ગત કેશુભાઇની સ્મશાન યાત્રામાં ઉપસ્થિત રહેવા પહોંચ્યા હતા.

(3:27 pm IST)