Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડકમાં વધારોઃ સવારે ઝાકળવર્ષા

ધીમે-ધીમે છવાતું શિયાળા જેવું વાતાવરણઃ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ

રાજકોટ તા. ર૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે અને મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ઠંડકનો અહેસાસ યથાવત રહે છે.

આવા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ભેજનું પ્રમાણ વધતા ઝાકળવર્ષા થઇ હતી અને શિયાળા જેવું વાતાવરણ છવાયું હતું.

છેલ્લા બે ત્રણ દિવસથી દરરોજ વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકની અસર વર્તાય છે. જો કે વાતાવરણ ખુશનુમા રહેતું હોવાથી લોકો વહેલી સવારે મોર્નીંગ વોકીંગ કરવા નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.

જો કે આખો દિવસ શિયાળા જેવું વાતાવરણ અનુભવાતું નથી. સવારે સૂર્ય નારાયણનાં દર્શન થતાની સાથે જ વાતાવરણ હુંફાળું થઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

વહેલી સવારે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરે છે તો બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડવા લાગે છે.

બપોરના સમયે આકરા ઉનાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળાએ દસતક આપી દીધા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પવનની ગતિ વધતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટ સહિતના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ર૦ ડીગ્રીની અંદર પહોંચી ગયો છે.

નવરાત્રીના તહેવાર પુરા થતાની સાથે જ શિયાળાએ રફતાર પકડી હોય તેમ માહોલમાં ટાઢોડું છવાઇ રહેલ છે. રાજકોટમાં ગઇકાલે લઘુતમ ૧૯.૪ અને મહતમ ૩પ.૩ ડીગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ ૭ર ટકા, સાંજે ૩૮ ટકા રહેવા પામેલ અને પ્રતિ કલાક ૧૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. રાજકોટ ઉપરાંત કેશોદમાં ૧૯.૬, ભાવનગરમાં ૧ડ, મહુવામાં ૧૯.૧, પોરબંદરમાં રર, વેરાવળમાં ર૩.પ દ્વારકામાં ર૪, ઓખામાં લઘુતમ રપ.૧ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાના અણસાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

(11:30 am IST)