Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

દિવાળીની રાતે દેવપરા પાસે યુપીના બે મિત્રો પર ફાયરીંગનો ભેદ ખુલ્યોઃ પટેલ શખ્સ નિતેશની ધરપકડ

ભકિતનગર પોલીસે કલાકોમાં ભેદ ઉકેલી પટેલ શખ્સને દબોચ્યો : ઘર પાસે જે ગાળો બોલતા'તા એ ભાગી ગયા ને નિર્દોષ મિત્રો ઘાયલ થઇ ગયા

રાજકોટ : જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટી-૨માં રહેતો અને કારખાનામાં મજૂરી કરતો અવધેશ ઉમાશંકર ચોૈહાણ (રજપૂત) (ઉ.વ.૧૮) નામનો મુળ યુ.પી.નો યુવાન દિવાળીની રાતે પોતાના મિત્ર  સુગ્રિવ ઉમાશંકર ચોૈહાણ (ઉ.૧૭)ને પોતાના બાઇકમાં બેસાડી ઘરેથી દેવપરામાં ફટાકડા લેવા જવા નીકળ્યો હતો. બંને દેવપરા રોડ ખ્વાજા ચોક પાસે પહોંચ્યા ત્યારે કોઇએ ફાયરીંગ કર્યાનો અવાજ આવ્યો હતો. અવધેશને અને સુગ્રિવ બંનેને પગમાંથી લોહી નીકળવા માંડતા તેણે બાઇક ઉભુ રાખીને જોતાં એક શખ્સ નેફામાં કંઇક સંતાડતો જોવા મળ્યો હતો અને ભાગી ગયો હતો. ભકિતનગર પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી ફાયરીંગ કરનાર શખ્સ નિલકંઠ પાર્ક ૮૦ ફુટ રોડ પર બ્લોક નં. સી-૯૬/૧માં રહેતાં નિતેશ ઉર્ફ બેરોજ બચુભાઇ ખુંટ નામના પટેલ શખ્સની ધરપકડ કરી છે.

ફાયરીંગ કોણે કર્યુ? તેની માહિતી ઘાયલો પાસે કે પોલીસ પાસે ન હોઇ પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે જેની પાસે હથીયાર પરવાનો હોય તેવા શખ્સ અંગે તપાસ શરૂ કરી હતી. દરમિયાન નિતેશ ખુંટ પાસે હથીયાર પરવાનો હોવાની માહિતી મળતાં તેને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરતાં પહેલા તો પોતે કંઇ જાણતો ન હોવાનું રટણ કર્યુ હતું. પણ અંતે તેણે પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી ફાયરીંગ કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી હતી. ઘર નજીકથી ફૂટેલો કાર્ટિસ પણ મળી આવ્યો હતો. પોતાના ઘર પાસે કોઇ ગાળો બોલતા હોઇ ગુસ્સો આવતાં પોતે પિસ્તોલ લઇને ગયો હતો. પણ તે વખતે ગાળો બોલનારા ભાગી ગયા હતાં અને એ જ વખતે બાઇક પર યુપીના બે શખ્સ નીકળતાં તે પણ ગાળો બોલનારા ભેગા હોવાનું સમજી ભડાકો કરી દીધો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડે તાકીદે ગુનાનો ભેદ ઉકેલવા સુચના આપતાં  પી.આઇ. વી. કે. ગઢવી, અને ટીમના પીએસઆઇ પી. બી. જેબલીયા, એએઅસાઇ જયુભા પરમાર, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગામારા, મહેન્દ્રસિંહ ડોડીયા, સલિમભાઇ મકરાણી, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત, મયુરસિંહ પરમાર, મનિષભાઇ સિરોડીયા, રવિભાઇ પટગીર સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

(2:43 pm IST)