Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

રાજકોટ જિલ્લામાં પીવાના પાણી માટે રૂ,12 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર: ૧૪૪ ગામોને આવરી લેવાયા

આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણી સ્થિતિની આગોતરી સમીક્ષા કરાઈ

રાજકોટ :શહેરની આસપાસના ગામો ઉપરાંત જિલ્લામાં આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણી સ્થિતિની આગોતરી સમીક્ષા કરવામા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ૧૨૦૩.૩૨ લાખનો માસ્ટર પ્લાન સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો.જેમાં રાજકોટ જિલ્લાના ૧૪૪ ગામોને આવરી લેવાયા છે બાકીના ગામોમાં નર્મદા આધારિત અથવા તો સ્થાનિક સ્ત્રોત આધારિત પાણી વિતરણ વ્યવસ્થા હોવાથી ઉનાળા દરમિયાન કોઇ તકલીફ નહીં પડે તેવી વિગતો આ બેઠકમાં રજૂ થઇ હતી.

 

  માસ્ટર પ્લાનમાં રાજકોટ તાલુકાના ૨૫, પડધરીના ૨૬, લોધિકાના ૧૨, ગોંડલ તાલુકાના ૬, કોટડા સાંગાણીના ૮, જસદણના ૯, વિંછીયાના ૯, જેતપુરના ૧૨, ધોરાજીના ૧૪, ઉપલેટાના ૧૪ તથા જામકંડોરણા તાલુકાના ૯ ગામોને આવરી લેવામાં આવ્યા છે. ૨૦૦ એમએમ બોર પાવર પમ્પ આધારિત ૭૭ ગામો, ડીપ ટ્યુબ વેલ આધારિત ૧૬, વ્યૈક્તિ યોજનાના નવીનીકરણ આધારે ૫, પાણી પુરવઠા યોજના વિસ્તરણ આધારે ૧૧, કૂવાને ઉંડા ઉતારવા અથવા નવા કૂવા બનાવવાના આયોજનમાં ૨૭ ગામોને આવરી લેવામાં આવ્યા છે.

 

રાજકોટ જિલ્લાને કૂલ ૧૨ મોટા જળાશયોમાંથી પીવાનું પાણી મળે છે. રાજકોટ શહેર, જેતપુર, અમરનગર સહિતને પીવાનું પાણી પૂરૂ પાડતા ભાદર ડેમમાં ૨૩૨૮ એમસીએફટી પાણી ભર્યું છે. આ ડેમમાંથી ૩૧-૭-૨૦૧૯ સુધી પાણી મળે એમ છે. જ્યારે, જેતપુર શહેર તથા બીજા ગામો માટે નર્મદા કનેક્ટિવિટી (એનસી-૩૭) લાઇનનું કામ પણ ચાલે છે જે ત્રણ ચાર માસમાં પૂર્ણ થઇ જશે. એ પૂર્ણ થાય એટલે ગામોને તેના સ્ટોરેજ ટેન્ક સુધી નર્મદાના પાણી મળી જશે. ભાદર ડેમ-૨નું પાણી ૩૧-૮-૧૯ સુધી મળશે. આજી ડેમ-૧ને સૌની યોજના અંતર્ગત પાણીથી ભરી શકાય એમ છે. બાકીના મચ્છુ-૧, મોજ, વેણુ, ફોફળ ડેમ જુનજુલાઇ-૨૦૧૯ સુધી ચાલે એમ છે.

 તાલુકા પ્રમાણે આયોજનમાં રાજકોટ તાલુકા માટે રૂ. ૩૨૬ લાખ, પડધરી માટે ૨૧૮ લાખ, લોધિકા માટે ૮૧ લાખ, ગોંડલ માટે ૫૧ લાખ, કોટડા સાંગાણી માટે ૬૬ લાખ, જસદણ માટે રૂ. ૬૯ લાખ, વિંછીયા તાલુકા માટે રૂ. ૮૦ લાખ, જેતપુર માટે રૂ. ૬૨ લાખ, ધોરાજી માટે રૂ. ૭૮ લાખ, ઉપલેટા માટે રૂ. ૯૮ લાખ અને જામકંડોરણા માટે રૂ. ૭૧ લાખનું આયોજન સરકારમાં મોકલવામાં આવશે.

(12:06 am IST)