Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સ્વમાં વિશ્વાસ રાખીએ- સર્વમાં વિશ્વાસ રાખીએ- સર્વોપરી ભગવાનમાં વિશ્વાસ રાખીએઃ બ્રહ્મવિહારી સ્વામી

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરે રવિવારે સાયંસભામાં ૮૦૦૦થી વધુ ભકતો- ભાવિકોએ લાભ લીધો

રાજકોટઃ વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પૂ. મહંતસ્વામી મહારાજના શુભાશીષથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે દર રવિવારે વિદ્વાન સંતોના પ્રેરક પ્રવચનોનો લાભ મળતો હોય છે જે અંતર્ગત બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય વિદ્વાન વકતા સંત પૂજય બ્રહ્મવિહારી સ્વામીએ 'બિલીવ ટુ અચીવ' વિષય પર પ્રેરક પ્રવચનનો લાભ આપ્યો હતો જેમાં ૮૦૦૦ જેટલા ભકતો-ભાવિકોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

પૂ. બ્રહ્મવિહારી સ્વામીના 'બિલીવ ટુ અચીવ'વિષય પર ઉદ્દબોધન આપતા મુખ્ય ત્રણ વાત જણાવેલ હતી. સૌ પ્રથમ Believe in Self એટલે કે સ્વમાં વિશ્વાસ રાખવો. બીજું Believe in Others એટલે કે સર્વમાં-બધામાં વિશ્વાસ રાખવો અને ત્રીજું Believe in God એટલે કે ભગવાનમાં વિશ્વાસ રાખશો તો તમે ધાર્યા કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી શકશો. વધુમાં તેઓએ હાલ આરબ દેશના અબુધાબી શહેરમાં નિર્માણ થઇ રહેલ બેનમૂન શિખરબદ્ઘ બી.એ.પી.એસ. મંદિરના ઇતિહાસની વાત કરતા જણાવ્યું હતું કે, પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ અને તેઓનો ભગવાનમાં વિશ્વાસ તેમજ તેઓની પ્રેરણા અને પરિશ્રમને કારણે જ હાલ મંદિરનું નિર્માણ કાર્ય શકય બન્યું છે.

ઉદ્દબોધનના અંશો :- (૧) તમારા શુભકાર્યમાં વિશ્વાસ કરો, વિશ્વ તમારામાં વિશ્વાસ કરશે. (૨) સ્વમાં વિશ્વાસએ જ સફળતા. સ્વમાં વિશ્વાસએ અશકયને શકય બનાવે છે. (૩) શુભસંકલ્પોથી દુનિયા બદલી શકે છે. (૪) વિચારમાં વિશ્વાસ મૂકવાથી ચમત્કાર થાય છે. (૫) સ્વમાં વિશ્વાસ રાખીએ, સર્વમાં વિશ્વાસ રાખીએ, સર્વોપરી ભગવાનમાં વિશ્વાસ રાખીએ. (૬) સંકલ્પ દ્રઢ હશે તો સિદ્ધિ મળે કે ના મળે દુનિયા તમને નવાજે છે. (૭) માણસ પોતાના મનનું વલણ બદલે એટલું એનું વ્યકિતત્વ બદલાય છે. (૮) જયાં સુધી બીજાના આધારે જીવો ત્યાં સુધી તમારો સંકલ્પ તમારો થતો નથી. (૯) જીવનશૈલી માનવ આધારિત છે, જીવનદોરી ઈશ્વર આાધારિત છે. (૧૦) દરેક સિદ્ધિ પાછળ દ્રઢ વિશ્વાસ રહેલો છે. (૧૧) ખરાબ વસ્તુ અને વ્યકિતથી દુર રહીએ છીએ તેમ ખરાબ વિચારોથી પણ દુર રહીએ.

(3:47 pm IST)