Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દશેરાએ રાક્ષસ દહન સાથે આતશબાજી અને અદ્‌ભૂત લેસર શો

બુરે પર અચ્‍છે કી જયજયકાર, યહી હૈ વિજયાદશમી કા ત્‍યોહાર : વિ.હિ.પ. દ્વારા રેસકોર્ષમાં ૬૦ ફુટ ઉંચા રાક્ષસનું દહન કરાશે : લાઇટ એન્‍ડ સાઉન્‍ડ ઇફેકટ વચ્‍ચે રામાયણના પાત્રો જીવંત : જાહેર નિમંત્રણ

રાજકોટ તા. ૨૯ : વિશ્‍વ હિન્‍દુ પરિષદ - બજરંગદળ દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષસદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉચામાં ઉચા રાક્ષસના પુતળા બનાવવાની તૈયારીઓનો આરંભ થઈ ચુકયો છે. આગામી દશેરાના દિવસે તા. પને બુધવારે રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે ૭-૦૦ કલાકે રાક્ષસોના પુતળાનું દહન કરાશે. આ વર્ષે પ્રથમ વખત રાક્ષસ દહન અને આતશબાજી ઉપરાંત લેસર શોનું આયોજન કરાયેલ છે.

આ વર્ષે રાજકોટ મહાનગરમાં વિ.હિ.પ. - બજરંગદળ - દુર્ગાવાહીની દ્વારા ગુજરાતનો સૌથી ઉચો ૬૦ ફુટનો રાક્ષસ તથા અન્‍ય ૩૦-૩૦ ફૂટ ઉચા પૂતળા બનાવવામાં આવ્‍યા છે. આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.)થી નિષ્‍ણાંત કારીગરોને બોલાવવામાં આવે છે. જેમને કેટલા દિવસોની સખ્‍ત જહેમત અને સામગ્રીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીને આ પૂતળાઓનું નિર્માણ કરે છે.

આ વર્ષે રાજકોટ મહાનગરમાં ગુજરાતનો સૌથી ઉચો રાક્ષસ બનશે. કારીગરોની ખાસ ટીમ આ પુતળા બનાવી રહી છે. આ વિ.હિ.પ. દ્વારા પણ વર્ષોથી તેમની સેવા લેવામાં આવે છે. સળગી ઉઠે તેવી સામગ્રીના ઉપયોગથી બધા જ પૂતળાઓ બનાવવામાં આવે છે.

આટલા ઉંચા પૂતળા કોઈજાતના લોખંડ કે સ્‍ટીલના ઢાંચા વગર ઉભા કરવા સરળ નથી. આ તો કારીગરોનું કૌશલ્‍ય છે કે તેઓ દર વર્ષે વધુને વધુ હાઈટવાળા પુતળા બનાવવાનું સાહસ કરે છે.

આ વખતે સૌપ્રથમવાર સમગ્ર ગુજરાતમાં રાજકોટ ખાતે વિજયાદશમીના પર્વ નિમિતે લેસર શો નું આયોજન કરવામાં આવેલ છે આ લેસર શોમાં રામાયણના પાત્રોને સજીવ કરવામાં આવશે. જેમાં રામાયણમાં માતા સીતા અપહરણ તથા જટાયુ યુઘ્‍ધ તથા લંકા દહન તથા રામાયણનું આખરી યુઘ્‍ધ ખાસ લેસર શો દ્વારા ૪૦ ફુટની હાઈટ ઉપર દર્શાવવામાં આવશે. આ લેસર શોમાં ખાસ સ્‍વીર્ઝલેન્‍ડ બનાવટની લેસર લાઈટની સ્‍પેશીયલ ઈફેકટ સાથે આ શો યોજવામાં આવશે જેમાં મુખ્‍ય ચાર ખૂબ જ અતિ આધુનિક લેસર તથા ર૦ અન્‍ય લેસર લાઈટ દ્વારા આ શો કરવામાં આવશે. લેસર લાઈટ દ્વારા ડીમ શોના અદભૂત દ્રશ્‍યો જેમાં ફોગીંગ દ્વારા લેસર શો કરવામાં આવશે. તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્‍બીનેશન આ લેસર શો ના સંચાલક અમર ઠાકર દ્વારા કરવામાં આવશે.

આ સમગ્ર આયોજન તમામ જનતા માટે રાખવામાં આવેલ છે જેનો લાભ લેવા વિ.હિ.પ. રાજકોટ મહાનગર તરફથી સર્વેને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે. તેમ વિહિપના નિતેષ કથીરિયા જણાવે છે.

(4:07 pm IST)