Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કેવડાવાડીના કિંમતી પ્‍લોટનો બનાવટી દસ્‍તાવેજ બનાવવાના ગુનામાં આરોપીનો છૂટકારો

રાજકોટ, તા.૨૯: સને - ૧૯૯૯ના અરશામા રાજકોટના પરાબજાર વિસ્‍તારના રહીશ જયપ્રકાશ કાનાભાઇ કાનગડ દ્વારા કેવડાવાડીના રહીશ દામજીભાઇ જુઠાભાઇ પાનસુરીયા વિરૂધ્‍ધ બનાવટી દસ્‍તાવેજોના આધારે મિલ્‍કતની ગેરકાયદેસર નોંધ કરાવી તેમા ગેરકાયદેસર પ્રવેશ કરી પ્‍લોટ પચાવી જવા સંબંધે કરેલ ફરીયાદ વાળો કેસ ચાલી જતા રાજકોટના એડી.ચીફ.જયુડી. મેજીએ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો દેવકુવરબેન જીવરાજભાઇના માલીકીના પ્‍લોટવાળી ખરાબાની જમીન ગણી જુઠાભાઇ માવજીભાઇ પાનસુરીયા પાસેથી પટવસુલ લઇ મામલતદાર દ્વારા સને - ૧૯૫૫ના અરશામાં ૧૯૫ વાર જમીન આપેલ જેના આધારે ૧૯૫ વાર જમીનના બદલે ૧૬૬ વારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સીટી સર્વેમાં ગેરકાયદેસર નોંધ કરાવી લઇ જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી ગુનો આચરવા સંબંધે જેને પ્‍લોટ ફાળવવામાં આવેલ તે જુઠાભાઇના પુત્ર દામજીભાઇ જુઠાભાઇ પાનસુરીયા સામે દેવકુવરબેનના કુલમુખત્‍યાર જયપ્રકાશ કાનાભાઇ કાનગડ દ્વારા ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

ઉપરોકત હકીકતો તથા તપાસ અધીકારીએ આપેલ પુરાવો લક્ષે લેતા ૧૯૫ વાર જમીનના બદલે ૧૬૬ વાર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બનાવટી દસ્‍તાવેજના આધારે સીટી સર્વેમાં નામ ચડાવી ગેરકાયદેસર જમીન દબાણ કરી આરોપીએ ગુનો આચરેલ હોવાનુ પુરવાર કરવામાં ફરીયાદ પક્ષ સદંતર નીષ્‍ફળ ગયેલ હોવાનુ માની આરોપી દામજીભાઇ પાનસુરીયાને નિર્દોષ ઠેરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામના તહોમતદાર દામજીભાઇ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા રોકાયેલ હતા.

(4:01 pm IST)