Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વધુ ૭ કિલો કોલ્‍ડસ્‍ટોરેજમાં સંગ્રહેલી મીઠાઇ પકડાઇ

શહેરના ક્રિમ વિસ્‍તાર જાગનાથ, યાજ્ઞિક રોડ, સરદારનગર મેઇન રોડ ખાતે મનપાની દૂર શાખાનું ચેકીંગ : સંગમ કતરી-સ્‍પે. કેશર ધારી-કોપરા ના મેસુબના નમૂના લેવાયા : ૧૯ વેપારીઓને લાયસન્‍સ અંગે નોટીસ

રાજકોટ, તા. ર૯ :  મનપાની ફૂડ શાખા દ્વારા નવરાત્રી દશેરાના તહેવારો અનુસંધાને શહેરના અલગ-અલગ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો -વિક્રતાઓને ત્‍યાં મીઠાઇ, ફરસાણ, દુધ, ઘી સહિતની વસ્‍તુઓનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્‍યારે જાગનાથમાં આવેલ શ્રી રામકૃષ્‍ણ ડેરી ફાર્મમાંથી ૭ કિલો વણવપરાયેલ કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખેલ મીઠાઇ નાશ કરી સંગમ કતરી-મીઠાઇનો નમૂનો લેવામાં આવેલ. જયારે ડો. યાજ્ઞિક રોડ ખાતેની રઘુનંદન જયસીયારામ પેંડાવાળાને ફલોરીંગ દિવાલ રીપેરીંગ કરવા, ઉત્‍પાદન સ્‍થળે ચોખ્‍ખાઇ રાખવા તથા મીઠાઇ ઉપર યુઝ બાય ડેટ નાખવા નોટીસ આપવાની સાથે સ્‍પે. કેશર ધારી અને મીઠાઇના નમૂના લેવામાં આવેલ. સરદાર નગર મેઇન રોડની શ્રીજી'સ સ્‍વીટસ ખાતેથી પણ કોપરાના મેસુબ-મીઠાઇના નમૂના લેવાયેલ.

મનપાની સતાવાર યાદી મુજબ નવરાત્રિ તથા દશેરાના તહેવારોમાં મીઠાઈનું વ્‍યાપક પ્રમાણમાં વેંચાણᅠ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્‍પાદન કરાતા સ્‍થળોનું ચેકિંગ કરવામાં આવેલ. જેના અનુસંધાને ‘રામ ક્રૃષ્‍ણ ડેરી ફાર્મ', સ્‍થળ - ૨૨ ન્‍યુ જાગનાથ, મહાકાળી મંદિરવાળી શેરી, રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્‍થળ પર કોલ્‍ડ સ્‍ટોરેજમાં સંગ્રહ કરેલ વણવપરાયેલી મીઠાઇનો કુલ ૭ કિલો જથ્‍થો અનહાયજિનિક રીતે સ્‍ટોરેજ કરેલ હોય જથ્‍થો ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્‍થળ પર નાશ કરવામાં આવેલ.

તેમજ FSS Act -2006 હેઠળ લાયસન્‍સિંગ કન્‍ડિશન મુજબ સ્‍થળ પર હાયજિનિક સ્‍ટોરેજ રાખવા, ફલોરિંગ -દીવાલો રિપેરિંગ કરવા, ઉત્‍પાદન સ્‍થળોએ ધૂળ-ચિકાસ દૂર કરવા, કામદારોના મેડિકલ સર્ટિફિકેટ સમયાન્‍તરે રજૂ કરવા, મીઠાઈઓ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે પેઢીના માલિક કિશનભાઈ મુકેશભાઈ ખોયાણીને નોટિસ આપવામાં આવેલ તથા સ્‍થળ પરથી સંગમ કતરી -મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

તેમજ ‘રઘુનંદન જયસિયારામ પેંડાવાળા' સ્‍થળઃ-કન્‍યા છાત્રાલય સામે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્‍થળ પર ચેકિંગ દરમિયાન, ફલોરિંગ-દીવાલો રિપેરિંગ કરવા, ઉત્‍પાદન સ્‍થળે ધૂળ-ચિકાસ દૂર કરવા, બીનજરૂરી સામાન દૂર કરવા, મીઠાઈઓ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે પેઢીના સંચાલક ચંદ્રેશભાઈ નાનજીભાઇ પટેલને નોટિસ આપવામાં આવેલ તથા સ્‍થળ પરથી સ્‍પે. કેશર ઘારી-મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

ઉપરાંત ‘શ્રીજી'સ સ્‍વીટ્‍સ', સ્‍થળ -સરદારનગર મેઇન રોડ, રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્‍થળ પર ચેકિંગ દરમિયાન ફૂડ લાઇસન્‍સ સ્‍થળ પર જોઇ શકાય તે રીતે દર્શાવવા તથાᅠ મીઠાઈઓ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે પેઢીના માલિક રવિભાઈ એચ. રાયઠ્ઠાને નોટિસ આપવામાં આવેલ તથા સ્‍થળ પરથી કોપરાનો મેસુબ-મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

નમુનાની કામગીરી

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ સંગમ કતરી મીઠાઇ (લુઝ): સ્‍થળ - ‘રામ કૃષ્‍ણ ડેરી ફાર્મ' -ન્‍યુ જાગનાથ - ૨૨, મહાકાળી મંદિરવાળી શેરી, રાજકોટ. સ્‍પે. કેશર ઘારી (મીઠાઇ -લુઝ): સ્‍થળ - ‘રઘુનંદન જયસિયારામ પેંડાવાળા'- કન્‍યા છાત્રાલય સામે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ તથા ‘કોપરાનો મેસુબ (મીઠાઇ -લુઝ): સ્‍થળ -‘શ્રીજી'સ સ્‍વીટ્‍સ'-ટ્રેડ સેન્‍ટર શોપ નં.૫, સરદારનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી નમુના લેવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે શ્રી ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન, એજી ચોક -કાલાવડ રોડ (હોકર્સ ઝોન) વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૯ પેઢીને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.ᅠ

જેમાં V K લચ્‍છી & શરબત, V K આઇસગોલા, ચામુંડા લચ્‍છી  &  શરબત, ચાંદની પાણીપુરી, ચામુંડા અમેરિકન મકાઇ, બાલાજી છોલે ભટુરે, બાલાજી નાસ્‍તા ગૃહ, ચામુંડા ખીચું, ઝેનીશ ખીચું , પલવી મેકચીકન ફૂડ હબ, પલવી પરોઠા હાઉસ, GJ -3 મેગી હાઉસ, શ્રી હરી સિધ્‍ધી વડાપાઉ, સેન્‍ડવિચ સેન્‍ટર , રત્‍નગઢવાલી પાણીપુરી, શિવમ સાઉથ ઇન્‍ડિયન, ક્રિષ્‍ના ફૂડ, શિવ શંકર પાણીપુરી તથા બાલાજી પાણીપુરીને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

ઉપરોક્‍ત તમામ કામગીરી નાયબ કમિશ્નર (હેલ્‍થ) આશિષ કુમારની સૂચના અન્‍વયે ડેઝીગ્નેટેડ ઓફિસર એ. એન. પંચાલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલ.

(4:01 pm IST)