Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મેયર પોતાના વોર્ડમાં જ રસ્તા રીપેર નથી કરાવતા : કોંગ્રેસ

વોર્ડ નં. ૧૨માં શહેર કોંગ્રેસનું ખાડા બુરો અભિયાન : અશોક ડાંગર, મહેશ રાજપૂત, ભાનુબેન સોરાણી, પ્રદિપ ત્રિવેદીની આક્ષેપબાજી

રાજકોટ તા. ૨૯ : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતના આગેવાનોએ આક્ષેપો કરતા જણાવેલ કે, સમિતિ દ્વારા આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદીપભાઈ ડવના વોર્ડ નં.૧૨ માં પુનીત નગર ૮૦ ફૂટ રોડ પર ખોડલ ચોક ખાતે ખાડા બુરો અભિયાન યોજવામાં આવ્યો હતો તે સ્થળે ખાડાની અંદર પાવડો નાખતા જોવા મળ્યું હતું કે ૧ થી ૧.૫ ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પડી ગયેલા છે.

રાજકોટ શહેરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજય જોવા મળે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રની મોન્સુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી છે તેમજ રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સુન કામગીરી કરવાની હોય તે ફકતને ફકત કાગળ ઉપર કરેલી સ્પષ્ટ દેખાય છે તેમજ જે ડ્યુરીંગ મોન્સુન કામગીરી કરવાની થતી હોય તે કામગીરી પણ મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા ઉદાસીનતાથી કરવામાં આવે છે અને કોઈ જ કામગીરી નક્કર રીતે કરેલી દેખાતી નથી.

પક્ષના કાર્યકરો સાથે મળી શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ પુનીતનગર ૮૦ ફૂટ મેઈન રોડ પરના ખોડલ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ખાડા બુરવામાં આવ્યા છે.    રાજકોટ શહેરમાં ખાડા ખબડા પડેલ હોય વરસાદ થયા ના આજે ૧૯ દિવસ જેવો સમય વીતી જવા છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ ખાડા બુરવા નીકળેલ છે.

આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો કાર્યકરો સાથે મળી ને શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેર ના પુનીતનગર ૮૦ ફૂટના રોડ પર આવેલ ખોડલ ચોક પાસેના રસ્તા પરના ખાડા ને બુરવામાં આવ્યા હતા જેથી આ ઘોર નિંદ્રા માં સુતેલું રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પદાધિકારીઓ હોય કે અધિકારીઓ જાગે. રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, આઈ.ટી.સેલ ના ઝોન ઇન્ચાર્જ ભાર્ગવભાઈ પઢીયાર, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા, પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, કનકસિંહ જાડેજા, આગેવાનો અજીતભાઈ વાંક, મનીષભાઈ વાગડિયા, ધીરૂભાઈ સંઘાણી, છગનભાઈ ગજેરા, ગોપાલભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ, અજીતસિંહ જાડેજા, સંદીપભાઈ ભંડેરી, ગિરજાશંકર દવે, જયેશભાઈ ખુંટ, અશોકભાઈ મારકણા તેમજ સુરેશભાઈ સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી ખાડા બુરો અભિયાન વોર્ડ નં.૧૨ ખાતે કરવામાં આવેલ હતું તેવું રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(3:24 pm IST)