Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વૈવિધ્યપૂર્ણ પાકથી કૃષિ સમૃધ્ધિ વધે : સેમીનાર સંપન્ન

નવરંગ કલબ દ્વારા ભરૂડી ખાતે જયંતીભાઇ ગજેરાની વાડીમાં તાલીમ સેમીનાર યોજાયો : જયંતીભાઇએ કરેલા કૃષિ પ્રયોગો ખેડૂતો માટે પ્રેરક છે

રાજકોટ તા. ૨૯ : નવરંગ નેચર કલબ દ્વારા વિવિધ ખેતી પાકના નિદર્શન અને તાલીમ સેમિનારનું આયોજન કરેલ. જેમાં સૌરાસ્ટ્રના ૪૦ ખેડૂતોએ ભાગ લીધો હતો.  લોકભારતી સણોસરાથી વિનિતભાઈ સવાણી (કૃષિ વૈજ્ઞાનિક) અને તેઓએ ખેતી બાબતે ખેડૂતો ને સ્થળ ઉપર માર્ગદર્શન અને મુંજવતા પ્રશ્નો પર નિરાકરણની ચર્ચા કરી, ઉપરાંત વડોદરા સ્થિત વીકિંગ ઇન્ડસ્ટ્રિ પ્રા.લી.ના વૈજ્ઞાનિકો એ વિવિધ પાકો માં જૈવિક ખાતર અને જૈવિક દવા વિષે વિગતે જાણકારી આપી.

ભાગ લેનાર ખેડૂતોને જૈવિક ખાતર અને જૈવિક દવાના સેમ્પલ આપી પોતાની વાડીએ ખેતી પાકોના થોડાભાગમાં અખતરા કરવા જણાવેલ.

વધુમાં વધુ ખેડૂતો જૈવિક (સજીવ) ખેતી કરતાં થાય અને ખેતીમાંથી વધુ આવક મેળવતા થાય તેવા હેતુથી નવરંગ નેચર કલબ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં ખેડૂત સેમિનારનું આયોજન કરશે.

જયંતીભાઈની માધવ ફાર્મ એન્ડ નર્સરી પર રાખેલ સેમિનારમાં આવેલ ખેડૂતો પોતાની વાડીએ જૈવિક ખેતી કરી વિવિધ પાકો ખાસ કરીને મિશ્ર ખેતી કરશે અને સેઢે વૃક્ષો વાવસે તેવું આયોજન કરેલ. આ સેમિનારમાં જે. વી. રોકડ (નિવૃત, ડી. સી. એફ.), વિનીત સવાણી (કૃષિ વૈજ્ઞાનિક, લોક ભારતી), ડો. સી. વી. બાલધા (પ્રિન્સિપાલ, કે. ઓ. શાહ કોલેજ, ધોરાજી),  અરવિંદભાઇ કસવાડા (કિશાન ક્રાંતિ સેલ),  શ્રીમતી અશ્મિતાબેન ડી. લાખાણી (જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ, રાજકોટ), નિલેશભાઈ દોશી, ભરતભાઇ જોશી,  નરેશભાઇ નકુમ, જીતુભાઈ (ખેડૂત અગ્રણી) ઉપસ્થિત રહ્યા હતા.  આ ખેડૂત સેમિનારને સફળ બનાવવા માટે જયંતિભાઈ ગજેરા અને વી. ડી. બાલાએ જહેમત ઉઠાવેલ.

ખેતી ખર્ચાળ થતી જાય છે અને વળતર ઓછું મળે છે, આવી વિકટ સ્થિતિમાં તાલાળા (ગીર)ના સુરવા ગામ ના પ્રગતિશીલ અને મહેનતુ ખેડૂત શ્રી જયંતીભાઈ ગજેરા હાલ રાજકોટ રહે છે. તેઓએ ખૂબ જ સંઘર્ષ અને પરિશ્રમ પછી વિવિધ ખેતી પાકોનું વાવેતર કરી ખૂબ કમાણી કરી છે.

તેઓ ભરૂડી (જી-રાજકોટ) ગામે ખેતીની જમીન ધરાવે છે, ત્યાં તેઓએ વિવિધ ખેતીના પ્રયોગો કરેલ છે, જે નીચે મુજબ છે.

૧) તેઓએ પહેલા ટમેટીનું વાવેતર કરેલ, આ ટમેટી વેલાના રૂપમાં માંડવા પદ્ઘતિથી ખેતી પાક લીધેલ, ટમેટી નો પાક પૂર્ણ થતાં તે જમીનમાં કરેલા વાવેલ, કારેલાંને માંડવા પર ચડાવી દીધેલ, કારેલાંની ખેતીમાં ૧ વિઘે અંદાજે ૧ લાખ ની આવક મેળવી.

૨) નેપીયર  હીરામણી બુલેટ ઘાસ, ૨.૫*૧.૫ ફૂટના અંતરે સારી ખેળ અને છાણિયું ખાતર નાખ્યા પછી આ ઘાસના કાતારાની વાવેતર કરેલ, દર ૫ દિવસે પાણી આપવામાં આવે છે, વાવેતર પછીના ૪ મહિના પછી ઘાસનું ઉત્પાદન સારૃં થઈ જાય છે, દર મહિને વાઢ આવે છે, આ ઘાસ પશુઓ ને ખૂબ ભાવે છે અને ઘાસનું પુષ્કળ ઉત્પાદન મળે છે, ઉપરાંત ઘાસની એક કાતરી ૨ રૂ લેખે ખેડૂતોને વેચે છે.

૩) દેશી ટીંડોરાની ખેતી, ૧૦*૧૦ ફૂટના અંતરે થાંભલા ખોડી ૮ ફૂટ ઊંચાઇના માંડવા બનાવવામાં આવે છે, આ દરેક થાંભલાએ ટીંડોરાના રોપા વાવવામાં આવે છે, પુષ્કળ ટીંડોરાનું ઉત્પાદન મળે છે, આ માંડવાની નીચે બુલેટ ઘાસનું વાવેતર કરી મિશ્ર પાક પદ્ઘતિ થી ઉત્પાદન મેળવે છે.

૪) કૃષ્ણફળ ૧૦*૧૦ ફૂટના અંતરે થાંભલા ખોડી ૮ ફૂટ ઊંચાઇના માંડવા બનાવવામાં આવે છે, આ દરેક થાંભલાએ કૃષ્ણફળના રોપા વાવવામાં આવે છે, પુષ્કળ કૃષ્ણફળનું ઉત્પાદન મળે છે, કૃષ્ણફળ ઓકટોબર મહિનામાં પાકે છે, એક વેલામાંથી અંદાજે ૧૫૦૦-૨૦૦૦ ફળ મળે છે, આ ફળ માંથી સ્વાદિષ્ટ સરબત બને છે જે પાંચન માટે શ્રેષ્ઠ છે, આ માંડવાની નીચે બુલેટ ઘાસનું વાવેતર કરી મિશ્ર પાક પદ્ઘતિ થી ઉત્પાદન મેળવે છે.

૫) વર્મીક કંપોસ્ટ (અળસીયાનું ખાતર), છાંયે ૧ મીટર * ૮ મીટરના બેડ બનાવી કે જેની ઊંડાઈ ૨ ફૂટ રાખી તેમાં ખેતીવાડીમાંથી નીકળતો નકામો કચરો અને છાણ ભરી દેવામાં આવે છે, તેમાં અળસીયા રાખી ઢાંકી દેવામાં આવે છે, અળસીયા આ બધો નકામો કચરો ખાઈ સારું ખાતર બનાવી આપે છે, આ ખાતર જયંતીભાઈ પોતાના ખેતીપાકમાં વાપરે છે.

૬) ડ્રેગનફ્રૂટ, તેઓએ થાઈલેન્ડથી ડ્રેગનફ્રૂટના રોપા મગાવી ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે વેચે છે, ડ્રેગનફ્રૂટની ખેતી આપણે ત્યાં સારી રીતે થઈ શકે છે, ડ્રેગનફ્રૂટમાં સિમેન્ટના થાંભલાની ચારે બાજુ એક એક રોપો વાવવામાં આવે છે, દોઢ વર્ષ પછી ઉત્પાદન મળવા માંડે છે, વિશેષ માવજતની કોઈ જરૂર નથી, આ ખેતીમાં સારી આવક મળે છે.

(3:37 pm IST)