Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોરોના કહેર વચ્ચે પાણીના ધાંધીયાઃ કાલથી પાંચ વોર્ડમાં વિતરણ બંધ

વોર્ડ નં. ૧૩ અને ૩માં ગંદુ પાણી વિતરણ થતા દેકારો

વોર્ડ નં. ૧૩માં દુષિત પાણી પ્રશ્ને વોર્ડ ઓફીસે મહિલાઓનો હંગામો : રાજકોટ : આજ રોજ વોર્ડ ૧૩માં ફરી દુષિત પાણીને કારણે મહિલાઓ હંગામો કર્યો હતો. જાગૃતિબેન, ડાંગર દ્વારા ગઇકાલે કામગીરી કરાવી દીધેલ પરંતુ સમસ્યા યથાવત રહેતા આજે મહિલાઓમાં રોશ અને ઉગ્રતા જોવા મળેલ જાગૃતિબેન, ડાંગર સવારથી સ્થળ ઉપર હાજર રહી તમામ ડ્રેનેજ સાફ કરાવેલ પરંતુ નિરાકરણ આવેલ નથી. ત્યારે કોર્પોરેટર દ્વારા ચીમકી આપવામાંં આવેલ છે કાલ સુધીમાં સમસ્યા દૂર નહીં થઇ જાય તો ગંદાપાણી સાથે કમિશનરને આવેદન આપશુ અને ટેબલ ઉપર બોટલો મુકવા આવશે. તસ્વીરમાં વોર્ડ ઓફીસે એકત્રીત થયેલ મહિલાઓ દર્શાય છે.  :  પોપટપરામાં ગંદા પાણીનું વિતરણ  : વોર્ડ નં. ૩ નાં પોપટપરા વિસ્તારમાં  ૧૦ દિવસથી ગટર જેવા ગંદા પાણીનું વિતરણ થઇ રહ્યું છે જે તસ્વીરમાં દર્શાય છેે.

રાજકોટ, તા., ૨૯: શહેરમાં એક તરફ કોરોના કહેર વર્તાવી રહયો છે ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણીના ધાંધીયા સર્જાતા હોય લોકોમાં આ બાબતે જબરો રોષ જોવા મળી રહયો છે. આવતીકાલથી બે દિવસમાં કુલ પાંચ વોર્ડમાં પાણીકાપ જાહેર કર્યો છે.

આ અંગે વોટર વર્કસ વિભાગની સતાવાર યાદીમાં જણાવાયંુ છે કે રાજકોટ મહાનગર પાલીકાના ભાદર પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાદર ડેમ પાસે લીલાખા ગામ નજીક ૯૦૦ એમએમપી લાઇન તેમજ ભાદર ડેમની આઉટ ગોઇગ લાઇન પર મુકવામાં આવેલ ફલોમીટર લીકેજ હોવાથી રીપેરીંગની કામગીરી માટે કાલે

તા.૩૦ ને બુધવારના રોજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત ગુરૂકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના (વોર્ડ નં. ૭ પાર્ટ, ૧૩ પાર્ટ) તેમજ તા.૧ ઓકટોબરને ગુરૂવારના રોજ ઢેબર રોડ (વોર્ડ નં.૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

આમ આ પ્રકારે રીપેરીંગ માટે એકી સાથે પાંચ જેટલા વોર્ડમાં કાલથી બે દિવસ માટે ઓચિંતો પાણીકાપ જાહેર કરાયો છે.

બીજી તરફ શહેરના વોર્ડ નં. ૩ ના પોપટપરા વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી ગંદા પાણીનું વિતરણ થઇ રહયું આ બાબતે વિસ્તારવાસીઓમાં જબરો દેકારો બોલી ગયો હતો. તેવી જ રીતે વોર્ડ નં. ૧૬માં પણ હજુ સુધી દુષીત પાણી વિતરણ થતુ હોઇ આજે પણ બહેનોનાં ટોળાએ વોર્ડ ઓફીસે જઇને હંગામો મચાવી અને અધિકારીઓને ઉગ્ર રજુઆતો કરી હતી.

આમ કોરોના સંક્રમણ વચ્ચે પાણીના ધાંધીયાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને શુધ્ધ પાણી વિતરણ થાય તેવી માંગ ઉઠી રહી છે.

(3:08 pm IST)