Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રા.લો. સંઘમાંથી ઢાંકેચા જુથના બે સભ્યોને હટાવાયા, બે નવી નિમણૂંક

જિલ્લા ભાજપ સમર્થિત શાસક જુથને ફટકો : ડી.કે.-બોઘરા આઉટ, કમાણી-જાડેજાને સ્થાન : ચેરમેન પદ માટે અરવિંદ રૈયાણી જુથ બહુમતી તરફઃ હજુ અવનવા રાજકીય-કાનૂની દાવપેચના ડોકિયા

રાજકોટ, તા. ર૯ : સહકારી ક્ષેત્રે કરોડોનું ટર્ન ઓવર ધરાવતી સંસ્થા રાજકોટ લોધીકા સહકારી સંઘના સંચાલક મંડળની ચૂંટણી થઇ ગયા બાદ હવે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પૂર્વે નવો ધડાકો થયો છે. રાજય સરકારે અગાઉ સરકાર નિયુકત પ્રતિનિધિ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા, મહામંત્રીઓ ભરત બોઘરા અન ભાનુભાઇ મેતાની નિમણૂંક કરેલ. તેની સામે અરવિંદ રૈયાણી જુથે સરકારમાંથી સ્ટે. મેળવેલ. સરકારે હવે ડી.કે. અને બોઘરાની નિમણૂંક રદ કરી નાખી તેના સ્થાને રૈયાણી જુથના ટેકેદાર મનાતા લોધીકા તાલુકાના ગૌરવસિંહ જાડેજા અને રાજકોટ તાલુકાના મુકેશ કમાણીની નિમણૂંક કરતા સહકારી ક્ષેત્રે હલચલ મચી ગઇ છે. સરકાર નિયુકત સભ્ય તરીકે ભાનુભાઇ મેતા યથાવત રહ્યા છે. સરકારી સભ્યોને મતાધિકાર મળે તો રૈયાણી જુથની સજ્જડ બહુમતી થઇ જશે. સરકારના તાજેતરના વલણથી અરવિંદ રૈયાણીનો ચેરમેન બનવાનો રસ્તો ખૂલ્યો છે. બન્ને જુથ તરફથી એકબીજાના સભ્યો વિરૂદ્ધ સામસામી અરજીઓ કરવાનું ચાલુ છે. હજુ પણ અવનવા રાજકીય અને કાનૂની દાવચેચ ખેલાય તેવી સંભાવના છે.

 

રા.લો. સંઘમાં ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીની નિમણૂંક ઢાંકેચા જુથ માટે ફટકારૂપ ગણાય છે. સરકારના આશિર્વાદ રૈયાણી જુથ સાથે હોવાનું સ્પષ્ટ થાય છે. બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી પછી બન્ને જુથ સંખ્યાબળની દૃષ્ટિએ લગભગ લગોલગ હતા-હવે રૈયાણી જુથનું પલ્લુ ભારે થયું છે. કલેકટર ટુંક સમયમાં રા.લો. સંઘના સુકાનીઓની ચૂંટણી માટે કાર્યવાહી હાથ ધરે તેવા નિર્દોષ છે. નીતિન ઢાંકેચા જુથ હવે શું કરે છે ? તેના તરફ સહકારી વર્તુળોની મીટ છે.

નવી નિમણુંકો બાબતે જિલ્લા ભાજપ અંધારામાં !

ખુદ પ્રમુખ -મહામંત્રીને સરકારે હટાવ્યાની અભૂતપૂર્વ ઘટના

રાજકોટ : રા.લો. સંઘમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા અને મહામંત્રી ભરત બોઘરાની હકાલ પટ્ટી કરીને તેના સ્થાને ગૌરવસિંહ જાડેજા તથા મુકેશ કમાણીની નિમણુંક કરાવવામાં રૈયાણી જુથ સફળ રહ્યું છે. સામાન્ય રીતે આવી નિમણુંકો જિલ્લા ભાજપ સાથે પરામર્શ કરીને થતી હોય છે. પણ આ નવી નિમણુંકો બાબતે જિલ્લા ભાજપનું તંત્ર અંધારામાં રહ્યું છે. સરકારે અગાઉ એક તરફી વાતથી નિમણુંકો કરી દીધેલ તે જ રીતે એક તરફી નિમણુંકો રદ કરી નાખી છે. પંચાયતોની ચૂંટણી ટાણે જ ભાજપના બે જુથો વચ્ચેનો વિખવાદ વધવાના અંધાણ છે.

(3:34 pm IST)
  • બપોરે ધોરાજીમાં ભૂકંપનો આંચકો : રાજકોટ - પોરબંદર હાઈવે ઉપર આવેલ રાજકોટથી ૧૦૦ કિ.મી. દૂર ધોરાજી શહેરમાં ૩:૪૫ વાગ્યે અત્યારે ભૂકંપનો જોરદાર આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ છવાઈ ગયેલ : અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા (કિશોર રાઠોડ, ધોરાજી) access_time 3:59 pm IST

  • હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST

  • ફ્રેન્ચ ઓપનમાં જબરો અપસેટ : એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર : ફ્રેન્ચ ઓપનમાં બ્રિટનના એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો છે : વાવરીન્કાએ મરે ને એક કલાક અને ૩૭ મિનિટમાં ૬-૧, ૬-૩, ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો access_time 3:11 pm IST