Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

માર્કેટ યાર્ડ પાસે ટ્રેકટર 'કાળ' બન્યું: ત્રણ બહેનના એકના એક ભાઇ સુમિતનું મોતઃ પિત્રાઇ ભાઇને ઇજા

દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડમાં રહેતાં દેવીપૂજક પરિવારના રાહુલ રાઠોડ (ઉ.૧૮) અને સુમિત રાઠોડ (ઉ.૧૬) ટુવ્હીલર પર બેસી ઇમિટેશનનું કામ કરવા જતા'તા ત્યારે બનાવઃ સુમિતે ઘટના સ્થળે દમ તોડ્યોઃ રાહુલ સારવારમાં

અરેરેરે મારા લાડકવાયાને કો'ક પાછો લાવો... માતાનું આક્રંદ ઘટના સ્થળે 'કાળ' બનેલું ટ્રેકટર, તેની નીચે ફસાયેલુ ટુવ્હીલર, સુમિતનો નિષ્પ્રાણ દેહ અને તેનું માથું ખોળામાં લઇ આક્રંદ કરી રહેલી જનેતા તથા અન્ય તસ્વીરમાં શોકમય પિતા-બહેન અને બીજા સ્વજનો તથા સુમિતનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. તેમજ ઇન્સેટમાં ઘાયલ થયેલો રાહુલ રાઠોડ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: જુના માર્કેટ યાર્ડ નજીક પેટ્રોલ પંપ પાસે જીવલેણ અકસ્માતમાં દૂધ સાગર રોડ પર હાઉસીંગ બોર્ડમાં રહેતાં ૧૬ વર્ષના દેવીપૂજક તરૂણનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિત્રાઇ ભાઇનો ઇજા સાથે બચાવ થયો હતો. બંને ભાઇ ઘરેથી ટુવ્હીલરમાં ઇમિટેશનનું કામ કરવા જવા નીકળ્યા ત્યારે ટ્રેકટર કાળ બન્યું હતું. મૃત્યુ પામનાર તરૂણ ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો એક જ લાડકવાયો હતો. સ્વજનોના કરૂણ આક્રંદથી અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ દૂધ સાગર રોડ ગુ.હા. બોર્ડ કવાર્ટર શેરી નં. ૩માં રહેતો રાહુલ ઉત્તમભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.વ.૨૦) અને તેના કાકાનો દિકરો ભાઇ સુમિત દિપકભાઇ રાઠોડ (ઉ.વ.૧૬) સંત કબીર રોડ પર ઇમિટેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થતાં આજે સવારે નિત્યક્રમ મુજબ બંને ટુવ્હીલર પર બેસી કામે જવા નીકળ્યા હતાં. આ વખતે માર્કેટ યાર્ડ નજીક પેટ્રોલ પંપની સામે પહોંચ્યા ત્યારે ટ્રેકટરની ઠોકરે ચડી જતાં બંને ભાઇઓ રોડ પર ફંગોળાઇ ગયા હતાં.

જેમાં સુમિતને માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતાં. જ્યારે રાહુલનો મુંઢ ઇજાઓ સાથે બચાવ થતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં સુમિતના માતા રેખાબેન, પિતા દિપકભાઇ શામજીભાઇ રાઠોડ, બહેનો સહિતના સ્વજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સુમિત ત્રણ બહેનનો એક જ ભાઇ હતો અને માતા-પિતાનો લાડકવાયો હતો. મતા-પિતા બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. માતાએ અરેરેરે મારા લાડકવાયાને કો'ક પાછો લઇ આવો...એવા વેણ સાથે આક્રંદ કરતાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને થોડીવાર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

(3:13 pm IST)