Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સુ-સ્વાગતમ્

કાલે નરેન્દ્રભાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખુલ્લુ મુકશેઃ સાંજે સભા

રાજકોટને દુલ્હન જેવો શણગારઃ ચોકે-ચોકે અનેરી સજાવટઃ ૪ વાગ્યે ચૌધરી હાઈસ્કૂલમાં ઉદ્બોધનઃ રાજકોટની સૌ પ્રથમ રૈયાધાર પી.પી.પી. આવાસ યોજનાનું લોકાર્પણ અને સીસીટીવી આઇ-વે પ્રોજેકટ (૨)નો પ્રારંભ પણ વડાપ્રધાન કરશેઃ પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો જાહેર કરાઇ

મ્યુ. કોર્પોરેશન દ્વારા  નિર્માણ કરેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રધાન મંત્રી આવાસ યોજના અને આઇ-વે પ્રોજેકટ ફેઇઝ-૨નું  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આવતીકાલે તા. ૩૦નાં ખુલ્લુ મુકવામાં આવનાર છે ત્યારે આ અંગે વિસ્તૃત વિગતો માટે  યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર ંબંછાનિધિ પાની દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ સાથે તસ્વીરમાં કલેકટર રાહુલ ગુપ્તા, પલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જીલ્લા પોલીસ વડા બલરામ મીણા, જીલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસીયા, સાસંદ મોહનભાઇ કુંડારીયા તથા ધનસુખભાઇ ભંડેરી, ગોવિંદભાઇ પટેલ,લાખાભાઇ સાગઠીયા, નીતીનભાઇ ભારદ્વાજ, કમલેશ મીરાણી, ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ઉદય કાનગડ, અશ્વિન મોલીયા, દલસુખભાઇ જાગાણી, અજય પરમાર, મનીષ રાડીયા, ભીખાભાઇ વસોયા, ભાનુબેન બાબરીયા સહિતનાં અધિકારી-પદાધિકારીઓ નજરે પડે છે.(તસ્વીર-અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૯ : રાજકોટ માટે ફરી એક વખત અનેરો શુભ અવસર આવી પહોંચ્યો છે. ગત સાલ 'સૌની યોજના' હેઠળ નર્મદા નીરનું રાજકોટ શહેરના આજી-૧ જળાશયમાં અવતરણ થતા ગત જુન-૨૦૧૭માં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે નીરના વધામણા કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ એક વર્ષના સમયગાળા બાદ ફરી એક વખત રાજકોટ શહેરને પ્રધાનમંત્રીશ્રીનાં શુભ હસ્તે વિવિધ યોજનાઓની ભેંટ મળવા જઈ રહી છે. જેમાં ઐતિહાસિક કહી શકાય એવો એક પ્રોજેકટ છે 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'. રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુના બાળપણ અને શિક્ષણના સાક્ષી રહેલા રાજકોટ શહેરમાં પૂ. ગાંધી બાપુની કાયમી સ્મૃતિમાં તેમજ ગાંધી વિચારો અને સિધ્ધાંત વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવા શુભ આશયથી કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રીના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એક અનોખા અને દેશ વિદેશમાં જેની ગૌરવપૂર્ણ નોંધ લેવાય તેવા અદભૂત 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'નું  આવતીકાલે તા. ૩૦ના રોજ રવિવારે સાંજે ૪ કલાકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તેમ પત્રકાર પરિષદમાં મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ અંગે આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર - મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું હતું કે, આ પ્રોજેકટની સાથોસાથ જ પ્રધાનમંત્રીશ્રી દ્વારા  'રાજકોટ આઈ-વે પ્રોજેકટ' તેમજ 'પ્રધાનમંત્રી આવાસ યોજના'નું પણ લોકાર્પણ કરશે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માન. કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજકોટના મેયર શ્રી બિનાબેન આચાર્ય, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાતના મંત્રીશ્રીઓ શ્રી ગણપતભાઈ વસવા, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્યશ્રીઓ શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સોરઠીયા અને શ્રી અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

'મહાત્મા ગાંધી મ્યુઝિયમ' જયુબિલી ગાર્ડન નજીક જવાહર રોડ પર સ્થિત ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે સાકાર થયેલ છે. મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીમાં આ 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ' એક અનેરું યોગદાન બની રહેશે.

રાજકોટના આંગણે આવેલા આ શુભ પ્રસંગને દિપાવવા માટે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ, કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલિબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટના ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઈ સોરઠીયા અને અરવિંદભાઈ રૈયાણી, ભૂતપૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભૂતપૂર્વ શહેર ભાજપ પ્રમુખ  ભીખાભાઈ વસોયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ જીતુભાઈ કોઠારી,  દેવાંગભાઈ માંકડ અને કિશોરભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિનાં ચેરમેન મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ કમિટીનાં ચેરમેન જયાબેન ડાંગર સહિતના મહાનુંભાવો સતત કાર્યરત્ત છે.  સાથોસાથ પ્રધાનમંત્રીશ્રીના આ કાર્યક્રમની તમામ વ્યવસ્થાને ગુજરાત પ્રવાસન વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે.હૈદર, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની, જિલ્લા કલેકટર શ્રી ડો. રાહુલ ગુપ્તા, ગુજરાત પ્રવાસન વિભાગના એમ.ડી. અને કમિશનર  જેનું દેવન, પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન  ઉદયભાઈ કાનગડ, સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ આખરી ઓપ આપી રહયા છે.

આ મ્યુઝિયમનાં માધ્યમથી મહાત્મા ગાંધીજીનાં સત્ય, અહિંસા વિગેરે આદર્શોને વધુને વધુ લોકો સમક્ષ મુકી શકાય તેમજ લોકો તેમાંથી પ્રેરણા મેળવી આ આદર્શો પોતાના જીવનમાં ઉતારી શકે તદ્દપરાંત સમગ્ર વિશ્વના સહેલાણીઓ માટે આ મ્યુઝિયમ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે તથા ગાંધીજીનાં જીવન સાથે સંકળાયેલ એક શ્રેષ્ઠ સ્થાન બની રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મેમોરીયલ મ્યુઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવેલ ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝીયમ તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ માટે કુલ રૂપિયા ૨૬ કરોડનાં ખર્ચે સાકાર થયેલ 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'માં સિવિલ તેમજ ઇન્ટીરીયર કામો, ઓડિયો સેટઅપ, તેમજ પાંચ વર્ષ માટે નિભાવ મરામત સહિત આ પ્રોજેકટ નું કામ શરુ કારવામાં આવેલ છે.

આ મ્યુઝીયમમાં મહાત્મા ગાંધીજીનાં વિધાર્થીકાળનાં સંસ્મરણો તથા તેમના જીવનચરીત્ર સંબધિત મ્યુઝીયમ બનાવવા માટે જુદા જુદા પ્રકારની આધુનિક સુવિધાઓ જેવી કે, મીની થીયેટર, દાંડી યાત્રાનો ડાયોરામા , ગાંધીજીનાં જીવન કાર્યો તથા આદર્શોને વિવિધ રીતે વર્ણન કરતા ચીત્ર,, કટઆઉટ, મલ્ટીપલ સ્કીન્સ, મોસન ગ્રાફીકસ એનિમેશન, ઙ્ગ ઙ્ગ ઓગમેન્ટેડ રીયાલીટી, સકર્યુલર વિડીયો પ્રોજેકશન ૩-ડી પ્રોજેકશન મેપીંગ ફિલ્મ,  વિશાળ વિડીયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટીંગ, વી.આઇ.પી. લોન્જ, ગાંધીજીનાં જીવન ચરીત્ર સાથે સંકળાયેલ લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હોલ,  ઇન્ટરેકટીવ મોડ ઓફ લર્નિગ, વગેરેનો સમાવેશ થાય છે.(૨૧.૨૪)

મહાત્મા મ્યુઝિયમમાં એન્ટ્રી ફી લેવાશે 

રાજકોટ : આલ્ફ્રેડ હાઇસ્કુલમાં નિર્માણ થયેલ મહાત્મા મ્યુઝિયમમાં 'એન્ટ્રી-ફી' રાખવામાં આવશે તેમ મેયર બીનાબેન આચાર્યએ જાહેર કર્યુ હતું. તેઓએ જાહેર કર્યા મુજબ એન્ટ્રી ફી રૂ. રપ રખાશે અને બાળકો માટે રૂ. ૧૦ ત્થા કેમેરા માટે રૂ.૧૦૦ નો ચાર્જ લેવાનું પ્રાથમિક ધોરણે નક્કી થયું છે.

રૈયાધારના ૨૪૦ ઝુંપડાવાસીઓને ફલેટ મળશે

રાજય સરકાર દ્વારા ગુજરાત સ્લમ રીહેબીલીટેશન પોલીસી PPP ૨૦૧૩ બહાર પાડવામાં આવેલ છે. આ પોલીસી અંતર્ગત શહેરમાં આવેલ ઝુપડપટ્ટી વિસ્તારોને PPP ધોરણે વિકસાવવા માટે નીતિ ઘડવામાં આવેલ છે. આ પોલીસી અંતર્ગત જે રૈયાધાર વિસ્તારમાં રામાપીર ચોકડી પાસે આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની જમીન (એરિયા ૨૦,૦૫૦ ચો.મી.)  પર આવેલ. આ ઝુપડપટ્ટી વિસ્તારમાં આવેલ આશરે ૨૪૦ જેટલા લાભાર્થીઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ આવાસમાં બે બેડરૂમ હોલ, કિચન સહિતનું માલિકી હક્ક સાથેનું ઘરનું ઘર વિનામૂલ્યે આપવામાં આવેલ છે.

શહેરના ૮૦ સ્થળોએ  ૨૯૮ કેમેરા મુકાયા

શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને સેવાઓને સુધારવા માટે ટેકનોલોજી, માહિતી અને ડેટાનો ઉપયોગ કરવામાં આવેલ છે. જાહેર સલામતી અને સુરક્ષા વધારવા અને ડેટા આધારિત નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે.

શહેરમાં કુલ લોકેશન – ૮૦ સ્થળોએ, ઇન્સ્ટોલ કરેલા ફીકસ કેમેરા – ૧૮૫, ઇન્સ્ટોલ કરેલા પી.ટી.ઝેડ કેમેરા – ૬૬, ઇન્સ્ટોલ કરેલા ૩૬૦ ડીગ્રી કેમેરા – ૭ તથા પાંચ લોકેશન પર ૪૦ એ.એન.પી.આર. / આર.એલ.વી.ડી. કેમેરા સાથે ઇચલન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ.

(3:39 pm IST)