Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

તા.૫મીએ આત્મીય યુનિવર્સિટીમાં ડેટા સેમીનાર

ગુજરાતની એકમાત્ર આત્મીય યુનિવર્સિટીને ૨૦ બેઠકની મંજૂરી મળી : વિદ્યાર્થીને સેમીનારમાં ભાગ લેવા અનુરોધ

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે આત્મીય યુનિવર્સિટીના પ્રો.જી.ડી.આચાર્ય, હિરેનભાઈ કાવઠીયા, આશિષભાઈ કોઠારી અને સંદિપકુમાર નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા. ૨૯ : ડેટા સાયન્સનો અભ્યાસ કરીને વિદ્યાર્થી ડેટા એનાલીસ્ટ/ સાયન્ટીસ્ટ તરીકે પોતાની માંગ ઉભી કરી શકે છે. બજારનો ટ્રેન્ડ જાણવા અને ઉત્પાદનની નીતિ નક્કી કરાવ કંપનીઝને ડેટા એનાલીસ્ટની સહાય લેવી જ પડે છે. મોટી કંપનીઝ તો પોતાના ડેટા સેન્ટર્સ ધરાવે છે જયાં એનાલીસ્ટની મોટી ફોજ હોય છે. તો કોઈપણ ચૂંટણીમાં પણ ડેટા એનાલીસીસના આધારે જ રાજકીય પક્ષો પોતાની રણનીતિ તૈયાર કરે છે. ભારતમાં ડેટા સાયન્સ ઈન્ડસ્ટ્રી ૨૮%ના દરેક વિકાસ પામી રહી છે. ઈ.સ.૨૦૨૫ સુધીમાં ભારતમાં ત્રણ લાખ જેટલા કુશળ ડેટા સાયન્ટીસ્ટસની જરૂર ઉભી થશે. ક્ષેત્ર કોઈપણ હશે તેમાં ડેટા અને ડેટાનું એનાલીસીસ કરી શકનારા લોકોની બોલબાલા રહેવાની છે. મેડીકલ ક્ષેત્રે થઈ રહેલા સંશોધનોના પાયામાં ડેટા સાયન્સ રહેલુ છે.

ભારતે ઈન્ફોર્મેશન ટેકનોલોજીનું મહત્વ સમજીને જયારે કુશળ માનવશકિત તૈયાર કરવાની પહેલ કરી હતી તેના મીઠા ફળ આઈ.ટી. સાહસીકોને મળ્યા છે અને મળી રહ્યા છે. તે જ રીતે ડેટા સાયન્સ માટે પણ ભારત સરકારે પહેલ કરી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દેશની પાંચ યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઈન ડેટા સાયન્સ કોર્ષ શરૂ કરાવ્યો છે. તેમાં ગુજરાતમાંથી માત્ર આત્મીય યુનિવર્સિટીનો સમાવેશ થયો છે.

માસ્ટર્સ ઈન ડેટા સાયન્સમાં પ્રેકટીકલ ટ્રેનીંગ આપવામાં આવે છે. ત્રણ સેમેસ્ટરમાં વિવિધ ક્ષેત્રની જરૂરીયાત અનુસારનું શિક્ષણ યુનિવર્સિટી સ્તરે ઉદ્યોગ જગતના અનુભવી અને વિદ્વાન અધ્યાપક દ્વારા આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગોના પ્રશ્નો ઉકેલની સઘન તાલીમનો સમાવેશ થાય છે. જયારે ચોથા સેમેસ્ટરમાં ઓન જોબ ટ્રેનીંગ સ્ટાઈફંડ સાથે આપવામાં આવે છે. લોજીસ્ટીક કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા આ કોર્ષ માટે આત્મીય યુનિવર્સિટી સાથે સમજૂતી કરવામાં આવી છે.

એન્જીનિયરીંગ, બી.સી.એ., બી.એસ.સી. (આઈટી), બીકોમ, બીબીએ સહિત ઈજનેરી/ સાયન્સ / કોમર્સના સ્નાતક વિદ્યાર્થીઓ આ રોજગાર કેન્દ્રીત અનુસ્નાતક કોર્ષમાં એડમિશન લઈ શકે છે. ખાસ કરીને જે ઈજનેરી સ્નાતકો હાલ યોગ્ય રોજગાર મેળવી શકયા નથી તેને માટે આ કોર્ષ મહત્વનો સાબિત થઈ શકે તેમ છે.

ભારત સરકારે આગામી પાંચ વર્ષમાં ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર ઉભુ કરવાની નેમ રાખી છે. આ લક્ષ્ય હાંસલ કરવાનો ઘણો ખરો મદાર ડેટા સાયન્સ પર રાખવામાં આવ્યો છે. આ સંજોગોમાં જે વિદ્યાર્થીઓ આ નવતર અભ્યાસક્રમમાં પ્રવેશ લેશે તેમનો ચોક્કસ ડંકો વાગવાનો છે. હાલ, માત્ર વીસ વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા સાથે આત્મીય યુનિવર્સિટીમાં આ કોર્ષ ભારત સરકારની પહેલથી શરૂ થયો છે. ગુજરાતના વિદ્યાર્થીઓએ આ તક ઝડપી લેવા જેવી ખરી.

વિદ્યાર્થીઓ ડેટા સાયન્સનંુ મહત્વ સમજી શકે તે માટે આત્મીય યુનિવર્સિટી ખાતે આગામી તા.૫ સપ્ટેમ્બરે ગુરૂવારે સવારે સાડા આઠ કલાકે એક દિવસના સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડેટા સાયન્સ, સપ્લાય ચેઈન અને લોજીસ્ટીકસમાં રોજગારીની શકયતા અને તકો તેમજ નવા શરૂ થયેલ માસ્ટર્સ ઈન ડેટા સાયન્સ ઈન સપ્લાય ચેઈન એન્ડ મેનેજમેન્ટ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવનાર વિષયો અને તેની સાથે સંકળાયેલ રોજગારીની તકો અંગે પણ માહિતી આપવામાં આવશે.

એન્જીનિયરીંગ, બીસીએ, બીએસસી (આઈટી), બીકોમ, બીબીએ સહિત ઈજનેરી/સાયન્સ/ કોમર્સના સ્નાતક વિદ્યાર્થીઓ આ સેમીનારમાં ભાગ લઈને ઉજ્જવળ કારકિર્દીની દિશામાં દોટ મૂકી શકે છે. આ સેમીનારમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ http://bit.ly/2Z10Fno લીન્ક ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

(4:04 pm IST)